‘આચમન’નું લોકાર્પણ અને વિપુલભાઈને અધ્યેતા પદનું પ્રદાન

‘ભૂમાથી મોટું કોઈ સુખ નથી’   –  વિપુલ કલ્યાણી                         

અાદરમાન અનિલભાઈ કાગળવાળા, ભદ્રાબહેન વડગામા, રતિકાકા અને ઠેરઠેરથી પધારી, ઠાઠમાઠે, ચોતરે બેઠેલાં સૌ અાપ્તજનો −

પ્રથમપહેલાં, દિવંગત રતિલાલ જેઠાલાલ ધનાણીની સ્મૃિતને વંદના કરું છું. ગયા રવિવારે એટલે કે ૨૫મી અૅપ્રિલ ૨૦૧૦ના રોજે જ એ મોટે ગામતરે સિધાવી ગયા. અા મુલકમાંના મારા જાહેર જીવનમાં, અારંભ સમયથી, રતિલાલભાઈની દેણગી સક્રિય રહેવા પામી છે. અકાદમીના અાજના સ્વરૂપમાં એમનું, અા ધનાણી દંપતીનું, ધ્યાનપાત્ર યોગદાન રહ્યું છે. વિલાસબહેન અને શેષ પરિવાર સાથે જાતને જોડી રાખી, હું ય રતિલાલભાઈના અવસાનને કારણે સહૃદય દિલસોજી વ્યક્ત કરી લઉં છું. તમે સૌ સંગાથે જોડાયેલા જ હશો, તેની ખાતરી છે. 

ગુજરાતી સામયિક સંપાદન જગતનું એક વડેરું નામ એટલે ઘનશ્યામ દેસાઈ. “સમર્પણ”ના તંત્રી તરીકે એમણે નવી હવા ઊભી કરેલી અને અા સામયિકનો પરચમ કીર્તિવંત રાખેલો. ગુજરાતી વાર્તાસાહિત્યના તે વળી એક માણીગર અને ઉમદા વાર્તાકાર. ગુરુવાર, ૨૯ અૅપ્રિલ ૨૦૧૦ના એમણે અા ફાની દુિનયા છોડી. મુંબઈના મારા દિવસોમાં, અનેક વાર, અમારે મળવાહળવાનું થયું છે. અામ, એમનું મરણ પણ સ્મરણની કેડીએ ધકેલી લે છે. ઊમીબહેન અને શેષ પરિવારને અાપણા સૌની સહૃદય દિલસોજી હજો. 

બીજી તરફ, અાપણામાંના એક, મોઈનુદ્દીન મણિયાર, અાજકાલ, દુબઈ ખાતે હૉસ્પિટલમાં, માંદગીની પથારીએ છે. તેમને પક્ષાઘાતની અસર થઈ છે અને પરિણામે અાંખનું નૂર પણ અોછું થઈ ગયું છે. તે અામાંથી હેમખેમ પાર પડે અને સાજાનરવા થઈ રહે તેમ કિરતારને અંતરમનથી પ્રાર્થના કરું છું. 

લાંબા અરસાથી, અાપણા એક સહોદર, મિત્ર નિઝાર કાનજી માંદગીને બિછાને ઝીંક લઈ રહ્યા છે. તેમનું સ્વાસ્થ્ય સુધરે અને તે તંદુરસ્તી ફેર મેળવે તેવી સહૃદય પ્રાર્થનાઅો કરતો રહ્યો છું. તમે ય સૌ સામેલ હશો, તેમ સમજણ.

અાપણા એક વરિષ્ટ સાથીદાર નાગેશ અોડેદરા ય ખાસ સાંભરે છે. નિષ્ઠાવાન, સજ્જન અને હૂંફાળા મનેખ. પીઠની વ્યાધિને કારણે તેમની સક્રિયતા અાપણને સાંપડી શકતી નથી. વચ્ચે ખૂબ માંદા રહેતા હતા; હવે તેમાંથી થોડાઘણા અંશે બહાર અાવ્યા છે. અાજે તેમની ય મને ખોટ સાલે છે. પરમકૃપાળુ પરમેશ્વર તેમને તંદુરસ્ત સ્વાસ્થ્ય ફેર બક્ષો, એમ સહૃદય અરજ કરું છું.

અા અવસરે મને અગત્યનું એક નામ ખાસ સાંભરે છે : દીપક બારડોલીકર. અવસ્થાને કારણે તે અહીં અાવી શક્યા નથી. કુદરત તેમને સુખ શાંતિ અને તંદુરસ્તી અાપે, તેમ સહૃદય દૂઅા ગુજારું છું. બળવંતભાઈ નાયક, વનુભાઈ જીવરાજ, ચંદુભાઈ મટાણી, રોહિતભાઈ બારોટ પણ પ્રતિકૂળતાઅોને કારણે અાવી શક્યા નથી. તે દરેક પણ સ્મરણ વાટે અડખેપડખે જ રહ્યા છે.

અાટઅાટલી સંખ્યામાં તમે સૌ અહીં અાવી શક્યા છો તેને મારા તરફનો સ્વાભાવિક સ્નેહ જ લેખું. તમને દરેકને વંદન કરું છું.

અા અવસરે તમે મારા વડીલ મુરબ્બી રતિલાલભાઈ ચંદરિયાને અિતથિ વિશેષ તરીકે લાવી શક્યા, તે અંગે કયા શબ્દે, દોસ્તો, અોશિંગણભાવ વ્યક્ત કરું ? રતિકાકા સાથેનો મારો સંબંધ બાપદીકરાનો હોય તેવી ઘનિષ્ટતા અનુભવું છું. હા, અા ઇન્ટરનેટના માધ્યમથી એમણે ગુજરાતીની જે ખિદમત કરી છે, તેનો જોટો મેળવવો અઘરો જ છે. વળી, એમણે ‘ગુજરાતીલેક્સિકૉન’ની જે સેવા કરી છે તે ગુજરાતીને ક્ષેત્રે લાંબા ગાળા સુધી અપૂર્વ રહેવાની છે. તે અાખા અાંદોલન સંગાથે સક્રિયપણે સંકળાવાનો મને યોગ સાંપડ્યો છે, તે સહજ સ્વાભાવિક મારું અહોભાગ્ય છે. રતિકાકા મારા પરિવારના ય વડીલ છે અને અા અવસરે અહીં હાજરાહજૂર છે, તેથી સાંગોપાંગ પોરસાઉં પણ છું. અા બધાને પરિણામે, અકાદમી અને “અોપિનિયન” બંને, રતિલાલભાઈનો, ચંદરિયા ફાઉન્ડેશનનો તેમ જ ગુજરાતીલેક્સિકૉનનો સમય સમય પરે સક્રિય હૂંફટેકો મેળવી શક્યા છે, તે બડી મોટી ઘટના છે. તેમને હું વંદન કરું છું.

ગુજરાતી સાહિત્ય અકાદમીનાં અગ્રેસરો, કાર્યવાહકો માટે શું કહું ? તમે દરેકે ભારે ઉમંગે અા અવસર કર્યો છે. અનિલભાઈ, ભદ્રાબહેન, લાલજીભાઈ, સુષમાબહેન, વિજ્યાબહેન, રમણભાઈ, અનિલભાઈ તમારો જેટલો અને જેવડો અાભાર માનું તે સ્પષ્ટ અોછો જ સાબિત રહેવાનો. એમાં એક નામ અલાયદું તારવું છું : ભદ્રાબહેન વડગામા. ગયા વરસના જુલાઈ માસથી એ અા મિષે ખૂંપેલાં જ રહ્યાં. વિવિધ સંસ્થાઅોનાં અાગેવાનો જોડે, અકાદમીમાંનાં સાથીસહોદરો સંગાથે, એમણે રાત નથી જોઈ, દિવસ નથી જોયો. એમની અા સતત સક્રિયતા મને ચકિત કરી રહી છે. શાંતિભાઈ વડગામાએ અા કામનું ને અા અવસરનું અા ‘ગાંડપણ’ પણ હોંશેહોંશે સહી લીધું જ હશે. શું કહું મિત્ર શાંતિભાઈને ? અાભાર; ધન્યવાદ ? ના, તેમાં ઠાલા શબ્દોના ખડકલા લાગશે. ધન્યતા અનુભવું છું.

ઉજવણાંની મર્યાદામાં સન્માનપત્રનું શ્રેય

જન્મગાંઠો, જયંતીઅો, સુવર્ણ-હીરક મહોત્સવો, વનપ્રવેશોત્સવો એ સાહિત્યકારોનાં, કલાકારો કે જાહેર સેવકોનાં જીવનનો થાક ઊતારવા માટે ને તેમનામાં શુભેચ્છકોની સહાનુભૂતિનું બળ રેડી એમના પગને પ્રોત્સાહિત કરવા માટે જરૂરનાં બને છે.

અાવાં ઉજવણાંને સમગ્ર પ્રજા તરફથી યોજાતાં હોવાનો સ્વાંગ ન પહેરાવીએ. શુભચિંતકોનું મંડળ જો શાણું હશે તો અાવા ઉત્સવોની મર્યાદાઅોનું પાલન કરવામાં જ પોતાના સન્માનપાત્ર સ્નેહીનું શ્રેય સમજશે. અતિશયતા જેવી બીજી એકેય હાંસી નથી. ઉત્સવોમાં જેટલી અતિશયતા બતાવવામાં અાવતી હોય છે તે બધી એક યા બીજે પ્રકારે ઊભી કરવામાં અાવેલી હોય છે, એ વાત જગત જાણતું હોય છે.

− ઝવેરચંદ મેઘાણી 

(“જન્મભૂમિ”, ૨૦.૧૦.૧૯૪૦)

મહેન્દ્રભાઈ મેઘાણીએ સામાન્ય વાચકોને રસાસ્વાદમાં સહભાગી બનાવવા, ઝવેરચંદ મેઘાણીકૃત ‘પરિભ્રમણ’માંથી પ્રસાદી વહેંચી છે, તેમાંથી અા અવતરણ લીધું છે. ‘જાહેર સેવકોનાં જીવનનો થાક ઊતારવા માટે ને તેમનામાં શુભેચ્છકોની સહાનુભૂતિનું બળ રેડી એમના પગને પ્રોત્સાહિત કરવા માટે જરૂરનાં બને છે.’ મારા દાખલામાં પણ અા જ અગત્યનો મુદ્દો ઠરે છે.

૧ અૉક્ટોબર ૨૦૦૩ના “નિરીક્ષક”માં મારા એક ઉત્તમ મિત્ર, દિવંગત જયન્ત પંડ્યાએ સરસ મજાના ચરિત્રનિબંધને અંતે લખેલું : ‘ … મધ્યયુગના નાઈટ-એરન્ટ [Knight-errant] સમા ઊભા છે વિપુલ કલ્યાણી. રાણી એમને નાઈટહુડ અાપે કે ન અાપે, પણ વાણીએ તો અાપી દીધું છે. કોને ખબર એ વાણી અાવનારા ભવિષ્યનું એંધાણ નહીં હોય, સર વિપુલ કલ્યાણી !’

જયન્ત પંડયા દીધા અા ‘વાણી ખિતાબ’ પછી, અાજનું અા સન્માન સ્વાભાવિક મારામાં અાનંદની હેલી પેદા કરે છે. અકાદમી હેઠળ, અાજના અા અવસરે, તમે સૌએ મને અધ્યેતાપદના બાજોઠે બેસાડ્યો છે. જાણું છું અા સન્માન કેવળ અા સ્મૃિતચિહ્ન જ નથી, તેની પાછળ મોટીમસ્સ જવાબદારીઅો પણ છે. એથીસ્તો, એ અનુસાર, હું ક્યાં ય ઊણો ન ઉતરું અને ઉપર ઊઠી શકું તેમ જ મન-વાણી-કર્મ વડે ફરજકામ બજાવતો રહું, તેવી જગતનિયંતાને અરજ ગૂજારતો રહીશ.

ઋણભાવ, અોશિંગણભાવ વ્યક્ત કરવા ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ શું કરી શકે ? વરસો પહેલાં અકાદમીના અગ્રેસરો તથા ધુરીણો વચ્ચે અા માનદ્દ અધ્યેતાપદનો વિચારવિમર્ષ થયો અને તેની અમલબજાવણી ય થઈ. ‘બૃહદ્દ ગુજરાતના સાહિત્ય, ભાષા અને સંસ્કૃિતના ક્ષેત્રનાં વિવિધ અાહ્વાનોને ઝીલીને ગુજરાતની અસ્મિતાના પ્રહરી બનવા માટે તેમ જ ભાષાશિક્ષણ ક્ષેત્રે પ્રચાર-પ્રસારનાં વિધવિધ અભિયાનમાં મૂલ્યવાન પ્રધાન અનુદાન અાપવા સારુ’ અા અધ્યેતાપદ એનાયત કરવામાં અાવે છે. સૌ પહેલાં માનદ્દ અધ્યેતા નિયુક્ત થયા રઘુવીરભાઈ ચૌધરી. તેમના પછી જગદીશભાઈ દવે, મનુભાઈ પંચોળી ‘દર્શક’, હસુભાઈ યાજ્ઞિક, જયન્તભાઈ પંડયા, મહેન્દ્રભાઈ મેઘાણી અને પોપટલાલભાઈ જરીવાળાને અા સન્માન એનાયત થયેલાં. મનુભાઈ પંચોળી, જયન્ત પંડયા અને પોપટલાલ જરીવાળા હવે હયાત નથી. અાથી, રઘુવીર ચૌધરી, જગદીશ દવે, હસુ યાજ્ઞિક અને મહેન્દ્ર મેઘાણીનાં પેંગડામાં મારે પગ ઘાલાવાના છે.

અને અા કેટલી વીસુએ સો થાય છે તેની સમજણ ધીમે ધીમે અાવી મળશે. અબીહાલ, તો અા સન્માનનાં ઉજવણાંમાં મદમસ્ત મોજ કરી લઉં; પછીની વાત પછી !

 •

ગિજુભાઈ બધેકાની એક વાર્તા સાંભરે છે. નામ તેનું ‘ધર્મી પુરુષ’. લો, ત્યારે સાગમટે માણીએ :

ભર ઊંઘમાંથી જાગીને જોઉં તો અાખો ડબ્બો ઊભો થઈ ગયો છે. એક બહેન ઉપર સૌ ગાળોના વરસાદ વરસાવે છે. માણસથી સાંભળ્યું ન જાય. હું ઊઠ્યો ને અાગળ અાવ્યો. ‘કેમ ભાઈ! શું છે ?’

મારે માથે ધોળી ટોપી હતી એટલે એક ભાઈને બમણી ખીજ ચડી. ચિડાઈને બોલ્યા : ‘બીજું શું હોય ? અા ગાંધીવાળાએ બધું બોળી માર્યું ! અાખી દુનિયાને વટલાવી મારી. માણસના ઘરમાં ખાવા ધાન ન રહ્યું !’

‘તે એમાં અા બહેનને ગાળો શા માટે દ્યો છો ?’

‘ગાળો ન દે તો શું કરે ? અાખો ડબ્બો અભડાવી માર્યો ! ઢેડડી થઈને જાણતી નથી ?’

‘તો અાપ બીજા ડબ્બામાં જાઅો.’

‘જા જા, અાપવાળા !’

નરમાશથી કામ નહીં થાય એમ જાણીને મેં જરા કડકાઈ વાપરવા માંડી.

‘ભાઈ ! તમે જરા ખસતા બેસો. અહીં બે જણાની જગા છે. બાઈ બિચારી બચરવાળ છે. અાપણે ઊભા થઈને એને જગા અાપવી જોઈએ.’

‘અાવું તે ક્યાંઈ હોય ? જો મોટો દયાધર્મી અાવ્યો !’

‘ધર્મી તો અાપ છો. કંઠી તમારા ગળામાં છે. એટલે તમારે ય દયાધર્મ તો હોય ના ! એણે ય પૈસા અાપ્યા છે ને ?’

મારું ભાષણ સાંભળીને સૌ એકબીજા સામે જોવા માંડયા; પણ કોઈ હલે કે ચલે. એટલે મેં બાઈના એક છોકરાને લઈને મારી જગાએ બાંકડા પર બેસાડ્યો ત્યાં બધા ઊભા થઈ ગયા. અાખું પાટિયું ખાલી થઈ ગયું. મેં કહ્યું : ‘બહેન ! હવે તમે નિરાંતે સૂઈ જાઅો.’

•••

 છે તો ફક્ત ૧૯૭ શબ્દોની જ અા વાર્તા. જાણે કે એક લઘુ વાર્તા. અાર. અાર. શેઠની કંપનીએ ‘શ્રી દક્ષિણામૂર્તિ બાલસાહિત્ય’ મથાળા હેઠળ, ગિજુભાઈની શતાબ્દી જયંતી ટાંકણે, અા પ્રકાશન કર્યું હોય, તેમ સમજાય છે. ટૂંકામાં, ‘છેટાં રે’જો, માબાપ!’ ચોપડીમાંથી અા બાળવાર્તા સ-અાદર લીધી છે. અા લઘુવાર્તામાંના કેટલાક શબ્દો માટે ગણ્યાંગાંઠ્યાં કર્મશીલોને સ્વાભાવિક તકરાર રહેવાની. તેનો અંદાજ જરૂર છે. અા વાર્તાના લેખકને પણ તેની લેખિની માટે અબાધિત અધિકાર છે. અને તેનાં ચેડાં કરવાનો મારે કોઈ જ મનસૂબો નથી. માટે શબ્દના કોઈ જ ફેરફાર વિના, લેખકના અધિકારનું સન્માન કરવાનું જ રાખીશ. યાદ અાવતું હશે : પ્રાચીન ગ્રીક તત્ત્વવેતાઅોની જીવનરેખા લખનાર ડાયોજિનીસ લેઇરટિયસે ક્યાંક લખ્યું છે તે : થેલ્સને શું મુશ્કેલ છે તે સમજવા જ્યારે સવાલ કર્યો, ત્યારે જવાબમાં તે કહે : ‘પોતાની જાતને પામવું’. અને સહેલુંસટ્ટ શું છે ? તો કહે, ‘બીજાને સલાહ અાપવી.’ અને મારે સલાહ અાપવામાંથી ટળતા રહેવાનું હોય. મારે માટે ‘પોતાની જાતને પામવાનું’ અગત્યનું કામ છે. અા જેટલું વ્યક્તિ માટે સાચું છે, તેટલું તે સંસ્થા, સમાજ, દેશ, રાષ્ટૃ અને વિશ્વ માટે ય અગત્યો મુદ્ો બને છે.

વારુ, અા લઘુકથામાંથી અાટલું અાપણે વિચારવાને લઈએ તો કેવું ? (૧) બહેન ઉપર ગાળોનો વરસાદ. (૨) ગાંધીવાળાએ બધું બોળી માર્યું. (૩) અાખી દુિનયાને વટલાવી મારી. માણસના ઘરમાં ખાવા ધાન ન રહ્યું. (૪) અાખો ડબ્બો અભડાવી માર્યો. (૫) જો મોટો દયાધર્મી અાવ્યો. (૬) કંઠી તમારા ગળામાં છે. એટલે તમારે દયાધર્મ તો હોય ના. (૭) અાખું પાટિયું ખાલી થઈ ગયું. (૮) બહેન ! હવે તમે નિરાંતે સૂઈ જાઅો.

પેલી બાળવાર્તા યાદ અાવે છે કે ? ઘેંટાનું બચ્ચું વોંકળે પાણી પીવા ગયેલું. ત્યાં શિયાળે કે વરુએ બોલાચાલી કરેલી. પાણી બોટવા માટે તેણે લાગલા બાળઘેટા સાથે અથડામણ અાદરેલી. બીચારું ઘેટું કહેતું જ રહ્યું : તમારું બોટેલું પાણી તો પીઉં છું, તેનું શું ? તો કહે, સામું બોલશ ? તેં નહીં બોટ્યું હોય તો તારા માવતરે કે પરદાદાએ બોટ્યું હશે ! … મારા મહેરબાન ! કેવું છે તમારે કાંઈ ?

અાવું અાવું અાપણે રોજેરોજ અનુભવતા નથી ?

હવે પેલી લઘુવાર્તા ભણી વળીએ. તેના સૂચિતાર્થો ય પામીએ. અહીં બહેન ઉપર ગાળોનો વરસાદ વરસાવાયો છે. અા વાર્તા, ભલા, ક્યારે લખાઈ હશે ? ગિજુભાઈ બધેકા(૧૮૮૫-૧૯૩૯)ના અવસાનને ય હવે સિત્તર એકોત્તેર વરસો થયાં. એટલે કે અા લખાણ અાશરે ૭૫ વર્ષ પહેલાંનું હોય. અાપણે અહીં વિલાયતમાં રહીએ છીએ. તે પછી પણ સ્ત્રીદાક્ષિણ્યને સારુ અાપણી જમાત તસુ ભાર પણ ઉપર ઊઠી શકી છે ખરી ? ગુજરાતમાંથી અને ભારતમાંથી મળતા રહેતા સમાચારો અનુસાર અા ક્ષેત્રમાંની અવહેલના પારાવારની જોવા સાંભળવા મળે છે. અકાદમીના પાંચ અધિકારીઅોમાંથી ત્રણ – ભદ્રાબહેન વડગામા, સુષમાબહેન સંઘવી અને વિજ્યાબહેન ભંડેરી – સ્ત્રીસશક્તિકરણનો મુદ્ો પૂરવાર કરે છે. અાશા રાખીએ કે અહીં નરદમ નવી હવા જાગૃત થાય અને તે પારાવાર ચોમેર વિસ્તરે. મનુભાઈ પંચોળી જ અાપણે ૧૯૮૩ના અરસામાં બહેનોની જાગૃતિનાં કામો પર ભાર રાખવાનું કહી ગયેલા. યાદ હશે, નહીં ?

ગાડીમાંનો પેલો ઊતારુ ભાઈ, ‘ગાંધીવાળાઅોને’ ભાંડે છે અને કહે છે કે તેમણે ‘બધું બોળી માર્યું’ છે. અહીં ગાંધીવાળા એટલે સુધારા કરનારાઅો, ઉદારમતીઅો, પ્રગતિશીલ માનસના લોકો, કર્મશીલો. અને અા તો અતિશયોક્તિવાળું બોલવું છે. અાવું અાવું મંતવ્ય ક્યારે ય સાચું હોતું નથી. હિતશત્રુઅો, સતત, સુધારાવાદીઅોની ટીકાઅાલોચના કરતા અાવ્યા છે, તેમ માનવઇતિહાસ નોંધતું રહ્યું છે. કેમ કે તેમનાં હિત જોખમાતા હોય તેમ તેમને લાગે છે. અને મોટે ભાગે તેમની દલીલોમાં અતિરેક ભળે છે અને પછી અનુમાનોનું જગત તે ઊભું કરી દે છે. માટે પેલી વાર્તામાં અાખી દુનિયાને વટલાવી મારવાની તે વાત છેડે છે. અાખી દુનિયા એટલે કઈ અને કેવડી દુનિયા ? માણસના ઘરમાં ખાવા ધાન ન હોય, તો તેને અને અા કહેવાતી અાભડછેટની બાબતને શો સંબંધ હોય ? અાજે ય ગુરુતાગ્રંથિમાં રાચતી વ્યક્તિઅોને, જે તે દલીલોની પછીતે, અાક્રમક વાતો કરતા અાપણે ભાળીએ જ છીએ ને. અા તો અાપણો રોજ-બ-રોજનો અનુભવ છે. અને અાપણે, ભલા, અાને શું કહીશું − અતિશય અલંકાર !? અને અા લઘુવાર્તામાંથી તારવેલા પછીના મુદ્દામાં તો દંભ અછતો રહેતો નથી. અને પછી, પરિણામલક્ષી વૃત્તિ કૂદાકૂદ થતી હોય તેમ લાગે છે !

અને હવે છેલ્લે, લેખક, બહેનને ઉદ્દેશીને, કહે છે : ‘બહેન ! હવે તમે નિરાંતે સૂઈ જાઅો.’ વારુ, અા લઘુવાર્તા સારી છે. તેનો અંત પણ સરસ છે. ત્યાં સુધી સઘળું સરસ સરસ. પણ વાસ્તવમાં, અામ કહેવાય ? અા તો ‘કામ સર્યું, એટલે વૈદ્ય વેરી’ શો ઘાટ થયો ન ગણાય ? પરિણામ વખતે પણ વિવેક છંડાય જ શા માટે ? માણસે સમથળ રહેવાનું કેળવવું જોઈએ.

ખેર ! મારે જે કંઈ કહેવાનું છે તેની પીઠિકા સરસ રીતે બંધાઈ હોવાથી, હવે કહીશ કે અા બત્રીસ વર્ષના ગાળામાં સંપૂર્ણપણે બંધારણને વફાદાર રહીને અકાદમીનો કારોબાર કર્યો છે. અારંભે વ્યક્તિઅોને સાંચવવાનું રાખેલું; અને તેમાં ખૂબ વખત જતો રહેતો. મોટે ભાગે નિષ્પન થતું નહીં, અને નાહકના સમય અને શક્તિ વેડફાતાં હતાં. અાથીસ્તો, અાથમતા અાઠમા દાયકાથી અને નેવુંમા દાયકાના ઉઘાડથી વ્યૂહરચના બદલી. કારોબારમાં અાદર્શ, ધ્યેય, હેતુને સતત નજરમાં રાખ્યા; જે તે વ્યક્તિને જ પ્રધાનપદે બેસાડવાથી દૂર રહ્યો. અાવું છતાં, શક્ય તમામ રીતે, વિવેક, માનવતા અને શિષ્ટાચારમાંથી ચ્યૂત થવાના પ્રસંગો અાવ્યાનું સાંભરતું નથી. અકાદમીના બંધારણમાં અામેજ અાદેશાત્મક બાબતોને કેન્દ્રમાં રાખી, પ્રકાર પ્રકારના નકરા સાંસ્કૃિતક રાષ્ટૃવાદથી પણ છેટા રહેવાનું રાખ્યું છે. અાવી સંકીર્ણતાના વિધવિધ પડકારોનો સામનો કરવા સબબ ક્યારેક બોલવાનું થયું છે તો ક્યારેક લખવાનું પણ થયું છે. અને તેને માટે મને ત્યારે ય ઉચાટ હતો નહીં અને અાજે પણ લગીર નથી. જાણું છું કે કેટલાકને અા સારુ મારો વાંક પણ વસતો હોય તેમ લાગે; પણ મને તેમની સાથે કોઈ તકરાર નથી. અાવા અાવા લોકોની સમજણ ક્યારેક ક્યાંક ટૂંકી પડતી હોવાનું મને સમજાયું છે. કેમ કે એમને કદાચ સમૂહ માટેના દીર્ઘકાલીન લાભો વસેલા ન પણ હોય. અા સાતત્યભર્યાં સઘળાં કામોને કારણે ગુજરાતી સાહિત્ય અકાદમીનું માન અને સ્થાન અવ્વલ દરજ્જાનું થયું છે અને તેને માટે અકાદમી તેમ જ તેની કાર્યવાહી સમિતિનો બડભાગી મજબૂત ટેકો રહ્યો છે. કાર્યવાહી સમિતિમાંનાં અાજ સુધીનાં તમામ હોદ્દેદારો અને સભાસદો પ્રત્યે, અાથીસ્તો, સહૃદય અોશિંગણભાવ વ્યક્ત કરું છું.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ નિતાંતપણે સ્વાયત્ત સંસ્થા છે. અને અાથી, બહારનાં વર્તુળોની રોકટોક વિના, તેનો કારોબાર ચાલતો રહે તેમ સતત સક્રિય વલણ રાખેલું. જેમ તળ ગુજરાતમાં, તેમ અહીંના વાતાવરણમાં ય મુખ્ય બે અખબારોની લડતમાં બાકી સૌને પોતાની કોરેમોરે રાખવાનો, ધડકી અને ધોકા સમેતનો, પ્રયાસ થતો અાવ્યો છે. તેવે ટાંકણે અકાદમીનું વલણ બિન જોડાણનું જ રહ્યું. તેને કારણે સહેવાનું પણ અાવ્યું છે. પરંતુ તે નાનો અમથો રંજ જ રહ્યો. અખબારોની અા ઉપેક્ષા અને ઉદાસીનતા અકાદમી માટે નબળાઈ સાબિત થઈ જ નથી. તે નબળાઈને સબળાઈમાં ફેરવી જાણી છે. તેને સબળાઈ લેખી વિશેષપણે સજાગ રહેવાની અાવડત કેળવાઈ છે. અાપણા દરેકનો અનુભવ છે કે એક બારી બંધ થાય અને કુદરત બીજી ખોલી અાપે છે; એક બારણું વાસી દેવાય છે અને બીજો દરવાજો ખૂલતો હોય તેમ અનુભવીએ જ છીએ. અા કુદરતનો ક્રમ છે. અાથીસ્તો, તેવી પરિસ્થિતિને લીધે સમજદારીથી કામ ઉકેલવા માટે સ્વઅાધારે કામો સમ્પન્ન કર્યાં છે અને જયવારો ય મેળવ્યો છે. અા ઉપેક્ષા અને ઉદાસીનતાને કારણે અકાદમીની શક્તિને અોર મજબૂત કરી શકાઈ છે. કાર્યકરો વધુ ક્ષમતા કેળવી શક્યાં છે અને પોતાની સમજણ અને શક્તિને ઉજાગર કરી શક્યાં છે. અા બડીમોટી વિરાસત છે. અાથી, અાવી તક અાપવા સારુ, અા અખબારોનો, અા તકે, હું જાહેર અાભાર માનું છું.

એક સામિયકની તરફદારીને કારણે સમાજને કેટકેટલું નુકસાન થતું રહ્યું છે તેનો અંદાજ સૌને મળી શકે તો સરસ. માટે અા રજૂઅાત. અા મુલકમાં, “ગુજરાત સમાચાર” ઉપરાંત “ગરવી ગુજરાત” પણ છે, અને “અોપિનિયન” પણ છે, તેવો સમજણનો વહેવાર અાપણામાં હવે જાગૃત થાય તો ય ઘણું. છેલ્લા જાન્યુઅારી માસથી તો “અોપિનિયન” અાશરે દશપંદર હજાર અાંગણે પહોંચે છે. કેટલાં વાંચતાંજોતાં હશે તેનો કોઈ અંદાજ નથી. વખત જતા, અા ય અાંકડો વધી શકે છે.

દોસ્તો, તમારામાંથી ઘણાં બધાં સુધી “અોપિનિયન” પહોંચી શક્યું છે. અા ડિજિટલ અાવૃત્તિ મેળવવાની જેમને ઈચ્છા હોય તેમને એટલી અરજ કરું કે તમારા સુધી નિયમિતપણે પહોંચી શકે તેવું તમારું ઇન્ટરનેટ મેઈલ સરનામું અમને જરૂર અાપજો. તમને અમે ગમતાનો ગુલાલ કરતા રહીશું. તે જ પ્રમાણે, “નિરીક્ષક”નો ય વ્યાપ વધે તે અાવશ્યક છે. તમે તે પાક્ષિક નિયમિત મેળવો તેમ સક્રિય કરવા વિનવણી જરૂર કરીશ. અા બંને સામિયકોમાં ય ડાયસ્પોરી લખાણ અાવતું રહેવાનું છે. કવિલેખકોને, કલમીઅોને તેમનાં ઉચિત લખાણ મારા સુધી પહોંચતાં કરવાનું અા તકે ઈજન પણ અાપું છું.

દરમિયાન, અમદાવાદથી પ્રકાશિત દૈનિક, “દિવ્ય ભાસ્કર”ના ૨૮ અૅપ્રિલ ૨૦૧૦ના અંકમાં, ‘જીવન દર્શન’ કટારમાંનાં ‘દરેકની માતૃભાષાનું સન્માન કરવું જોઈએ’ નામક લખાણ પરે મારું ધ્યાન ગયું. તે અામ છે :

‘ભાષા વિચારોની અભિવ્યક્તિનું સશક્ત માઘ્યમ છે. જ્ઞાનના પ્રસાર સ્વરૂપે દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ. પોતાની ભાષા સાથે બીજાની માતૃભાષાનો પણ એટલો જ આદર કરવો જોઈએ.

‘મહાત્મા ગાંધી તેમના વર્ધા ખાતેના આશ્રમમાં હતા. તેમને મળવા માગતા લોકોની દરેક જગ્યાએ ભીડ લાગેલી રહેતી હતી. ગાંધીજીએ પોતાની દિનચર્યા અંતર્ગત બ્રાહ્મમુહૂર્તમાં ઊઠયા અને બધાં જ જરૂરી કામ પૂરાં કર્યા. થોડા ઘણા પત્રો લખીને તેઓ બેઠક રૂમમાં આવ્યા અને આગંતુકોને મળ્યા. થોડા સમય બાદ એક અંગ્રેજ સજ્જન ગાંધીજીને મળવા આવ્યા. તેઓ ગાંધીજીનાં કાર્યોથી ખૂબ જ પ્રભાવિત હતા આથી તેમના પ્રત્યે સન્માન ધરાવતા હતા. એકબીજાનું અભિવાદન કર્યા બાદ બંને વચ્ચે વાતચીત ચાલુ થઈ.

‘અંગ્રેજ સજ્જન થોડી હિન્દી જાણતા હતા. આથી તેમણે ગાંધીજી સાથે હિન્દીમાં વાત ચાલુ કરી, પરંતુ ગાંધીજી તેમના સવાલોના જવાબ અંગ્રેજીમાં જ આપતા રહ્યા. ત્યાં હાજર લોકોને આ સ્થિતિ થોડી વિચિત્ર લાગી. અંગ્રેજ સજ્જન પણ ચકિત હતા કેમ કે ગાંધીજી માતૃભાષા હિન્દીના તરફદાર હતા. જ્યારે તે સજ્જન ઊભા થઈને ગાંધીજીથી છૂટા પડ્યા તો ગાંધીજીએ અંગ્રેજીમાં તેમને કેટલાક સન્માનસૂચક શબ્દો કહ્યા અને ફરીથી આવવા જણાવ્યું. ત્યારે તે સજ્જન પોતાની જાતને રોકી શક્યા નહીં અને ગાંધીજીને પૂછી જ લીધું કે મહાત્માજી, હું તો તમારી માતૃભાષા હિન્દીમાં જ તમારી સાથે વાત કરતો રહ્યો, પરંતુ તમે મારી સાથે શા માટે અંગ્રેજીમાં વાત કરતા રહ્યા? ગાંધીજીએ જવાબ આપ્યો કે જ્યારે તમે મારી માતૃભાષાનું આટલું સન્માન કરો છો તો પછી મારે પણ તમારી ભાષાનો આદર કરવો જોઈએ ને?

‘ગાંધીજીનું વિશાળ હૃદય જોઈને અંગ્રેજ સજ્જનના મનમાં તેમના પ્રત્યે શ્રદ્ધાભાવ જાગૃત થઈ ગયો. એટલે કે ભાષા આપણા વિચારોની અભિવ્યક્તિનું સશક્ત માઘ્યમ છે અને આપણા વિચારો જ્ઞાનના વાહક હોય છે. જ્ઞાનના પ્રસાર સ્વરૂપે દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ. આથી આપણે પોતાની ભાષા સાથે બીજાની માતૃભાષાનું પણ હૃદયપૂર્વક સન્માન કરવું જોઈએ.’

તો બીજી પાસ, “નિરીક્ષક” તંત્રી પ્રકાશ ન. શાહે, ૧ અૅપ્રિલ ૨૦૧૦ના અંકમાં લખેલું તે દોહરાવવાનું ય મન કરું છું :

‘ગુજરાતી લિટરરી એકેડેમી અને “ઓપિનિયન” બેઉનો જે એક મોટો ગુણ મને વસે છે તે નાતજાતકોમરાષ્ટ્રથી હટી શકતી, ઊંચે ઊઠી શકતી, ઉફરાટે ચીલો ચાતરી શકતી ભૂમિકાનો છે. રાજેન્દ્ર શાહની પેલી રચનામાં આવે છે ને કે ઘર છોડી જનારને મળતી વિશ્વતણી વિશાળતા, એવું યે કાંક આ ભૂમિકામાં બીજરૂપ સંભાવનારૂપે રહેલું છે. લાૅંગિગ અને બીલાૅંગિગની આ રમણા અને ઉપનિષદનાં ઋષિવચનો – ‘ભૂમાથી મોટું કોઇ સુખ નથી’ – બંને વચ્ચે મને હંમેશ એક વિલક્ષણ સામ્ય લાગ્યું છે. આરણ્યકને સારુ તો આજના જેવી યાતાયાતસુલભતા દુર્મિળ હતી, એ જોતાં એને માટે ભૂમાસુખ તે આંતરિક અનુભૂતિની બાબત હતી. આપણો જે નવયુગી નિર્વાસિત નાયક, એને તો જૂનીનવી દુનિયાઓની – અહીંની તેમ તહીંની – એટએટલી અથડામણ અને એટએટલી ઐશ્વર્યસામગ્રી નસીબ હોઈ શકે છે કે સગવડો અગવડ લાગે અને અગવડો સગવડ લાગે! સંક્રાન્તિ, ઉત્ક્રાંતિ, ક્રાન્તિની આ સંમિશ્ર પરિસ્થિતિમાં એને સારુ ભૂમાસુખની સાધના એ કદાચ ઉપનિષદના ઋષિ કરતાં વધુ આકરો પડકાર છે.’

પોતાની ભાષા સાથે બીજાની માતૃભાષાનું પણ હૃદયપૂર્વક સન્માન કરવું જોઈએ તેવો ગાંધીબોધ્યો અા સક્રિય ભાવ અને પ્રકાશ શાહ જેને સ્પષ્ટ કરી અાપે છે તે ‘નાતજાતકોમરાષ્ટૃથી હટી શકતી’ અકાદમીની ભૂમિકાની ખાસ જિકર કરવી છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના ફલકમાં, એક માત્ર, નકરી વાત છે : ગુજરાતી. અને તેને કોઈ નાત, જાત, કોમ, ધર્મ, રાષ્ટૃના વાડાઅો અડતાનડતા નથી. અહીં દરેક ગુજરાતી સરખાસમાન છે. માટે અકાદમીને તળ ગુજરાતમાં ભારોભાર રસ છે. તેના વારસામાં, તેની વિરાસતમાં, તેના સાહિત્યમાં, તેનાં ભાષાશિક્ષણનાં કામોમાં, તેના સંસ્કાર, સંસ્કૃિત અને કળાની વિવિધ વિભાનાઅો સાથે પણ સંધાણ છે અને રહેવું ય જરૂરી છે. ગુજરાતના રાજકારણ સાથે તેને, અાથી, કોઈ લગાવ નથી. ગુજરાત અા ક્ષેત્રે તેનું ફોડી ખાઈ શકે તેટલું તે સક્ષમ છે.

ગુજરાતી સાહિત્ય અકાદમીના અારંભકાળથી અાજ સુધીનો એક લાંબો પ્રવાસ રહ્યો છે. અનેક પ્રકારના કામો થયાં છે. દેશ અને દુિનયાના વિવિધ વિસ્તારો સાથે નાતો બંધાયો છે. અનેક સંસ્થાઅો જોડે, સેંકડો વ્યક્તિઅો સાથે કામ કરવાનું થયું છે. તે બધાંનાં નામ મારે મન વિષ્ણુસહસ્રનામની જપમાળા સમ છે. એ દરેકનું અા તકે સ્મરણ કરી સૌને વંદન પણ કરી લઉં છું. ગુજરાતી સાહિત્ય અકાદમી, મારે મન, માત્ર સંસ્થા નથી, એ એક વિચાર છે, એક અાંદોલન પણ છે. અાવી સંસ્થાનું અા માન મેળવવું એ મારે માટે ગૌરવ સમ ઘટના છે. મારી જાતને, અાથીસ્તો, હું ભાગ્યશાળી લેખું છું. અા સંસ્થાને અાગળ વધારી તેના અાદર્યાં અધૂરાં પૂરાં કરવામાં અાપણે દરેક જોતરાઈએ તેવી અરજ પણ કરી લઈશ.

દોસ્તો, હવે હાંઉં કરવાનું મન કરું. બહુ બોલ્યો. જતાં જતાં, અાખરે, બે વાત કહેતો જઈશ :

૧. અાને મારો વિદાય સમારોહ લેખતો નથી. અકાદમીથી હું વિદાય થયો નથી. થઈ શકું પણ નહીં. માટે “અોપિનિયન” વાટે, “નિરીક્ષક” વાટે, મારાથી થાય તે સેવાઅો કરતો રહેવાનો છું. ગુજરાતી ડાયસ્પોરિક સમાજની વાતોનો વરસોથી ટપાલી રહ્યો છું અને હજુ ય બની રહેવાનો છું. અને તે કામોમાં અકાદમી પ્રાધાન્ય જ હોય તેમ તો કહું જ કહું. માટે, દોસ્તો, મારી સક્રિયતા જારી જ છે, તેમ જાહેર કરી લઉં છું.

૨. કવિમિત્ર પંચમ શુક્લની એક કવિતા છે : ‘મૂળ ઊંડા જશે તો’. અા સરસ મજાની કવિતા “ઉદ્દેશ” સામયિકના ફેબ્રુઅારી ૨૦૧૦ના અંકમાં તે પ્રકાશિત થઈ હતી. સમજવા જેવી છે. તમને અને મને બળ અાપી જાય તેવી સોજ્જી વાત લઈને કવિ અાવ્યા છે. લો, સાંભળો; અને પછે, મને રજા અાપો.

મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
સ્પર્શ સંવેદના ય કયાંય ઊંચે જશે!

પુષ્પની મ્હેક કિવાં સર્પના દંશથી,
રકતનો ચાપ એક માન ઊંચે જશે.

માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
આપણાં યુગ્મનો ય ન્યાસ ઊંચે જશે.

ખેર! એ પળ તણી ય રાહ પણ ઈષ્ટ છે,
રાહ સંદિગ્ધ છે તો ચાહ ઊંચે જશે!

રવિવાર, ૨ મે ૨૦૧૦

* ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યેતાપદની પ્રદાનગી વખતે વિપુલભાઈ કલ્યાણીએ આપેલ વ્યાખ્યાન.