વિજય ભટ્ટ સંયોજિત સંગીતબદ્ધ રજૂઆત “आश्रम-भजनावलि”

સમાપન[i]

– કેતન રૂપેરા

આદરણીય વિપુલભાઈ, વિજયભાઈ અને તેમનું સંગીતવૃંદ તથા સૌ ગાંધી અને સંગીતપ્રેમી વડીલો-મિત્રો,

ખૂબ સુંદર, બહુ આનંદ થયો … એક તો, आश्रम भजनावलिનાં ભજનો હોય, એમાં ય સુંદર, મધુર, ઘેઘુર અવાજ સાથે હાર્મોનિયમ પર વિજયભાઈ અને સાથીદારો દ્વારા તબલા ને મંજીરાનો તાલ …!

વિજયભાઈ, તમે आश्रम भजनावलिની સમૃદ્ધિની યાત્રા કરાવતાં કરાવતાં જે કાર્યક્રમ રજૂ કર્યો; ભજનમાં વચ્ચે વચ્ચે ગાંધીજી, વિનોબા, કાકાસાહેબની વાત પણ વણતાં ગયાં એણે બહુ જ આનંદ કરાવ્યો.

ગાંધીજીની સાથે વિનોબા, બાળકોબા, કાકાસાહેબ, મામાસાહેબ, કિશોરલાલ … આ બધાના પરામર્શનથી એક એક ભજન ભજનાવલિમાં સ્થાન પામ્યું છે. એટલે ભજનનું અને એના અર્થનું પોતાનું ઊંડાણ તો હોય જ, પણ એને રજૂ કરવા માટે તમે પસંદગીનો ક્રમ પણ એટલો સરસ ગોઠવ્યો કે એ જ આ કાર્યક્રમના સમાપનનો પણ નૈસર્ગિક ક્રમ બની રહ્યો. ગાંધીજીએ વિવેકાનંદનાં લખાણો માટે કહ્યું છે [1] એ જ અંદાજમાં મને તમારા ભજનાવલિના આ કાર્યક્રમ માટે પણ કહેવાનું મન થાય કે ‘એને સમાપનની જરૂર નથી,’ આ જ ઉત્તમ સમાપન છે. ‘વૈષ્ણનજન’ અને ‘રઘુપતિ રાઘવ…’થી તમે જે કર્યું તે જ યોગ્ય સમાપન છે.

ગાંધીજીની વાત આવે ત્યારે ભજનમાં સંગીત કરતાં આધ્યાત્મિકતાનું મહત્ત્વ વધારે હોય છે, એવું આરંભે જ તમે કહ્યું વિજયભાઈ, એટલે એક-બે પ્રસંગો શૅરિંગની રીતે …

દિલીપકુમાર રોયની ગાંધીજી સાથેની પહેલી મુલાકાત અને એનો સંવાદ બહુ હૃદયસ્પર્શી છે. પૂર્વ અને પશ્વિમના સંગીતને જોડતી કડી રૂપ કળાકાર તરીકે આપણે દિલીપકુમાર રોયને ઓળખીએ. કવિ ને સંગીતજ્ઞ પિતા દ્વિજેન્દ્રલાલ રોયનો વારસો તો ખરો જ ખરો, સાથે ઇંગ્લૅન્ડ અને જર્મનીથી સંગીત શીખીને પણ આવેલા. દુનિયાના અનેક દેશો ફર્યા અને ભારતીય સંગીતનો પ્રસાર એમણે કર્યો હતો … હવે 1924ની વાત છે. રાજદ્રોહ મામલે ગાંધીજી યરવડા જેલ(પુના, હાલ પુણે)માં હતા ને એમને પેટનો દુખાવો ઉપડ્યો. એપેન્ડીસાઇટિસ હોવાનું માલુમ પડ્યું. પુનાની જ હોસ્પિટલે લઈ જવાયા. ઓપરેશન સફળ રીતે પાર પડ્યું. ગાંધીજી હોસ્પિટલમાં છે, આરામમાં છે. દિલીપકુમારને આ વાતની જાણ થઈ. ગાંધીજીને હજુ સત્તાવાર રીતે જેલમુક્ત નહોતા કર્યા, પણ એક રીતે માંદગીના દિવસો કહેવાય એટલે મુલાકાત માંગનારાઓને હોસ્પિટલમાં મળવાની રજા સહેલાઈથી મળી જતી. દિલીપકુમારે પણ ચિઠ્ઠી લખીને રજા માંગી. મળી ગઈ.

દિલીપકુમાર હોસ્પિટલમાં ગાંધીજીના રૂમમાં પહોંચ્યા. દર્શન કરવા જ બેંગલોર(હાલનું બેંગલુરુ)થી પુના આવ્યો છું એમ જણાવ્યું ને કેટલીક પ્રાસ્તાવિક વાતો થઈ. વાતવાતમાં ગાંધીજીને ખબર પડી કે આવનાર ભાઈ તો સારું ગાઈ જાણે છે ને તંબુરો ય વગાડે છે. એ પછી ગાંધીજી અને દિલીપકુમાર રોયનો જે સંવાદ થયો, એ બહુ મજાનો છે. જરીયે વિવેચના વગર, રોયે લખેલા પુસ્તક તીર્થસલિલ(અનુવાદ : નગીનદાસ પારેખ, પ્રકાશન : ગૂર્જર પ્રકાશન, 2014)માંથી તે અક્ષરસ:

“… પણ તમે ગવૈયા છો એ વાત તો તમે જાહેર કરી દીધી.” મહાત્માજી બોલી ઊઠ્યા., એટલે હવે બોલો – મારા જેવા એક માંદા આદમીને તમે થોડાં ગીત ગાઈ સંભળાવશો કે નહિ? મને તો માત્ર આટલું જ જાણવાનું મન છે.”

“આપને ગીત સંભળાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થશે એવું મેં ધાર્યું નહોતું, મહાત્માજી! હું મારો તંબુરો લઈને ક્યારે આવું, કહો – સાંજે?”

“સાંજે આવો તો તો બહુ સારું – અરે ઊભા રહો!” એમ કહીને મહાત્માજીએ ઓરડામાંની અંગ્રેજ નર્સને પૂછ્યું : મારા આ મિત્ર જો સાંજે અહીં જરા ગીત ગાય તો અહીંના બીજા દર્દીઓને અગવડ થશે ખરી?”

શ્વેતાંગિની હસતે મોઢે બોલી : લગારે નહિ, મિસ્ટર ગાંધી. તમે જોઈએ એટલાં ગીત સાંભળજો ને.”

મહાત્માજીએ તેનો ઉપકાર માની મને કહ્યું : “આજે જ સાંજે – પાંચ વાગ્યે. ફાવશે ને?”

“જરૂર, મહાત્માજી – માત્ર એક પ્રશ્ન, માફ કરજો – સંગીત તમને ખરેખર ગમે તો છે ને?”

“સંગીત કોને ન ગમે? હું નાનપણથી જ સંગીતનો ભક્ત છું – ખાસ કરીને ભજનોનો. છતાં તમને કહી રાખવું સારું કે સંગીતના તદ્-વિદ જેને કહે છે તેવો હું નથી – એટલે કે સંગીતની ટેકનિકની સાથે મારે કશી લેવાદેવા જ નથી. પણ એનું મને ઝાઝું દુ:ખ પણ નથી. સંગીત મારા હૃદયને સ્પર્શ કરે છે – બસ, બીજું શું જોઈએ? તમને શું લાગે છે?”

“પણ સંગીતનું ટેકનિક જાણતા હોઈએ તો સંગીત પ્રત્યેનો પ્રેમ વધે નહીં?”

“વધે. પણ મને એ જાતના વિશેષજ્ઞ થવાની ઝાઝી ઉત્કંઠા નથી. સંગીતમાંથી હું તો પ્રેરણા મેળવવા ઇચ્છું છું, આનંદ મેળવવા ઇચ્છું છું. એ જો મને મળી રહે તો મને સંતોષ છે.

મને આજે પણ દક્ષિણ આફ્રિકાની આવી જ એક ઇસ્પિતાલ યાદ આવે છે. ત્યાં પાટા બાંધેલી અવસ્થામાં જ્યારે હું પડેલો હતો, ત્યારે મારી વિનંતીથી મારા જ એક મિત્રની કન્યા રોજ મને તેમનું પ્રખ્યાત ભજન ‘Lead Kindly Light’ ગાઈ સંભળાવતી. તે ગીતથી મારી બધી અંગની વેદના અન તાપ પીગળી જતાં. એ કન્યાનો હું કેટલો ઋણી છું! – બોલો, હજી વધારે સાબિતી જોઈએ છે મને સંગીત ગમે છે કે નહિ એની?”

ઓરડો હાસ્યથી ગાજી ઉઠ્યો.

ગાંધીજીનો આ સંગીતપ્રેમ, રોયની લેખની કે નગીનદાસના અનુવાદને વિવેચનાની જરૂર છે?!

… આ હતો ગાંધીજીનો સંગીતપ્રેમ;

અને ગાંધીજીને મન સંગીત એટલે?

એ માટે આ એક પ્રસંગ જોઈએ.

1945નો એ સમય હતો. રવીન્દ્રનાથ ટાગોરના અવસાન (1941) પછી તુરત ગાંધીજી શાંતિનિકેતન જઈ શક્યા નહોતા. એટલે એ પછીની એમની શાંતિનિકેતનની આ પહેલી મુલાકાત હતી. સાંજના વખતે ગાંધીજી શાંતિનિકેતન પહોંચ્યા. સાંજે પ્રાર્થના પછી ગાંધીજીનું ટૂંકું પ્રવચન થયું. બીજા દિવસે પણ ગાંધીજીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમક્ષ પ્રવચન કરવાનું થયું. આ દરમિયાન તેમને ઘણા પ્રશ્નો પૂછાયા. ગાંધીજીએ એના જવાબો પણ આપ્યા. આમ ‘ગુરુદેવના ગયા પછીના શાંતિનિકેતનને’ જોવા-જાણવાની તેમને સારી તક મળી.

ગાંધીજીની આ મુલાકાત દરમિયાન પ્રશ્નોત્તરીમાં ટાગોરનાં ભત્રીજીએ એક પ્રશ્ન પૂછ્યો. જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે ગાંધીજીને શાંતિનિકેતનથી નીકળવાનો સમય થઈ ગયો હતો. માટે એ સવાલનો જવાબ ત્યાં ને ત્યાં ન આપી શક્યા, પણ આ પ્રશ્ન તેમના મનમાં ઘોળાતો રહ્યો. કલકત્તા (હાલનું કોલકાતા) પહોંચ્યા પછી તેમણે તેનો ઉત્તર લખી મોકલ્યો. પ્રશ્ન આમ હતો : “અહીં (શાંતિનિકેતનમાં) આગળ નાચ-ગાનને વધારે પડતું સ્થાન નથી આપવામાં આવતું? અવાજનું સંગીત જીવનના સંગીતને ડુબાડી દે એવું જોખમ અહીંયા નથી?”

ભારતીય શાસ્ત્રીય સંગીત, કર્ણાટકી સંગીત, પશ્વિમી રાગ અને પારંપરિક લોકસંગીતના સમન્વયસમા સંગીત—જે રવીન્દ્રસંગીત તરીકે ઓળખાયું—ના રચયિતા રવીન્દ્રનાથ ટાગોરની ખુદની સ્થાપિત વિદ્યાપીઠમાં, તેમની જ ભત્રીજી પૂછી રહી છે કે શાંતિનિકેતનમાં નાચ-ગાનને વધારે પડતું સ્થાન નથી આપવામાં આવતું?! “અવાજનું સંગીત જીવનના સંગીતને ડુબાડી દે એવું જોખમ અહીંયા નથી?” ગાંધીજી તેનો જવાબ લખી મોકલે છે :

“મને શંકા રહી છે ખરી કે ત્યાં આગળ જીવનને માટે જરૂરી હોય તેના કરતાં સંગીત વધારે પ્રમાણમાં છે. … અવાજના સંગીતમાં જીવનનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે. ચાલવાનું, કૂદમકૂદનું, આપણી દરેક હિલચાલનું અને હરેક પ્રવૃત્તિનું સંગીત શાને ન હોય? … મને લાગે છે કે આપણાં છોકરા-છોકરીઓને કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, ટૂંકમાં, જીવનનું પ્રત્યેક કાર્ય કેવી રીતે કરવું, એ બરાબર આવડવું જોઈએ. સંગીતની મારી કલ્પના આવી છે.”

(સંદર્ભ : પૂર્ણાહુતિ, ભાગ 3, પ્યારેલાલ, અનુવાદ : મણિભાઈ ભ. દેસાઈ, નવજીવન પ્રકાશન, 1971)

ટાગોરનાં ભત્રીજીની શંકાને સાચો ઠેરવતો ગાંધીજીનો આ જવાબ હતો. ગાંધીજીને મન આ હતું સંગીત, એ હતું જીવનનું સંગીત.

આવા સરસ કાર્યક્રમમાં ‘સમાપન’ની તક આપવા બદલ અકાદમીના સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

(લખ્યા તા. 28/29-07-25)

[1] “સાચે જ, સ્વામી વિવેકાનંદનાં લખાણોને માટે કોઈની પણ પ્રસ્તાવનાની જરૂર નથી. તે સ્વત: અનિવાર્ય રીતે આકર્ષક છે.” (સંદર્ભ : સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, 2009)

[i] તા. 12 જુલાઈ, 2025ના રોજ યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત અને વિજય ભટ્ટ સંયોજિત आश्रम-भजनावलिની સંગીતબદ્ધ રજૂઆતમાં સમાપન વેળાએ બોલેલું અને બોલવા ધારેલું, સુધારી-મઠારીને.

 

* * * * *

 

વીડિયો: