ઊજળી અકાદમી સેવા : એક યાદગાર મેળાવડો

શનિવાર, 10 ઑગસ્ટ 2013.

પ્રસંગ હતો ઊજળી અકાદમી સેવા બદલ વડીલોનાં સન્માનનો. કાર્યક્રમની શરૂઆત કરતાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી ભદ્રાબહેન વડગામાએ હાજર રહેલા સૌનું સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી.

ત્યારબાદ તેમણે ગવરભાઈ નથ્થુનો પરિચય કરાવ્યો. અને પછીથી ગવારભાઈ તથા તેમનાં સાથીદારે પોતાની આગવી છટામાં, વાંસળી પર પહેલાં ક્લાસિકલ સંગીત, અને પછી ફિલ્મી સંગીતની ધૂનો, અને ત્યારબાદ હાર્મોનિકા પર એક સૂરીલી જુગલબંધી દ્વારા પ્રસંગને સારુ એક સંગીતમય વાતાવરણ બાંધી આપ્યું હતું.

હવે, અકદમીના પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ કાર્યક્રમનો દોર સંભાળતા, વડીલોને તથા અતિથિ વિશેષ નીમાબહેન શાહને તેમનું સ્થાન ગ્રહણ કરવા આમંત્ર્યાં હતાં. કાર્યક્રમનાં વિષયની ભૂમિકા બાંધતાં વિપુલભાઈએ વિલાયતમાં પરદેશથી આવેલા સૌને વેઠવી પડેલી મુશ્કેલીઓને વાચા આપતું, ફિલ્મ ‘દૂર કા રાહી’નું ‘પંછી હું મેં ઉસ પથ કા’ ગીત સંભળાવ્યું હતું.

ત્યારબાદ, અતિથિ વિશેષ નીમાબહેનનો પરિચય આપતાં તેમણે કહ્યું હતું કે તેઓ બ્રિટનનાં ઉત્તમ શિક્ષકોમાંના એક છે. તેમણે અનેક બાળકોને સંગીત, ભાષા અને સંસ્કૃતિ સાથે જોડી આપ્યા છે. તેમને 85વર્ષનાં યુવાન કહી બિરદાવાયાં હતાં.

હવે, સમય હતો સન્માનનો. પ્રથમ નામ હતું સાહિત્યના જાણીતા વાર્તાકાર ઉપેન્દ્રભાઈ ગોર. વિપુલભાઈએ તેમનો પરિચય આપતાં જણાવ્યું કે એમના અનેક લેખો તથા પત્રો છપાયા છે, ઉપરાંત તેમણે અકાદમીની કાર્યવાહી સમિતિમાં પણ 4 વર્ષ સુધી સેવા આપી છે. તેમનું નીમાબહેનનાં હસ્તે સન્માનપત્રક આપી સન્માન કર્યું હતું. તેઓ સન્માન સ્વીકારતાં ધન્યતા અનુભવે છે એમ જણાવી ઉપેન્દ્રભાઈએ પોતાના સાહિત્યસર્જન વિશે વાત કરી હતી અને આ સર્જનકાર્ય દરમ્યાન મળેલા સૌના સહયોગ બદલ આભાર માન્યો હતો.

પછી, વિપુલભાઈએ અકાદમીની કારોબારી સમિતિના સભ્ય ઘનશ્યામભાઈ પટેલનો પરિચય કરાવ્યો અને કહ્યું કે તેમની સ્ફૂર્તિ આજે પણ યુવાનોને શરમાવે એવી છે. વધુમાં ઉમેર્યું હતું કે અકાદમીને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે અકાદમીની લાજ રાખવા તેઓ કાયમ આગળ રહ્યા છે, અને પછી, નીમાબહેન શાહને વિનંતી કરી કે તેઓ ઘનશ્યામભાઈનું સન્માન કરે. પોતે દક્ષિણ લંડનમાં રહેતા હોઈ ઉત્તરમાં સ્થાયી અકાદમી સાથેનો સબંધ એક યાત્રારૂપ છે અને હાજર સૌ એમનાં કુટુંબના સભ્યો જ છે એમ જણાવી ઘનશ્યામભાઈએ સન્માન બદલ સૌનો આભાર માન્યો હતો.

એ પછી, વિપુલભાઈએ દેશ-વિદેશથી આ કાર્યક્રમ માટે આવેલા સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા તથા જેઓ હાજર રહી શક્યા નથી તેમની નોંધ લીધી હતી.

વિપુલભાઈએ, ત્યાર પછી, ચંદ્રકળાબહેન પટેલનાં અકાદમી સાથેનાં સતત જોડાણ તથા અકાદમીનાં પાઠ્યપુસ્તકોની તૈયારી, શિક્ષકોની તાલીમ અને પરીક્ષાઓમાં તેમનાં યોગદાનને, અકાદમીને હૂંફ આપનાર વ્યક્તિ કહી બિરદાવ્યું હતું. તેમનું નીમાબહેનના હસ્તે સન્માન કરાયું હતું. ચંદ્રકળાબહેને સન્માન બદલ અકાદમીનો આભાર માન્યો હતો અને ‘માંધાતા યુથ એન્ડ કૉમ્યુનિટી ઍસોસિયેશન’નાં 40વર્ષનાં સંસ્મરણોને યાદ કરતાં કહ્યું હતું કે ‘ગુજરાતી ભાષા માટે જે કરો તે ઓછું છે.’

ત્યારબાદ, વિપુલભાઈએ અકાદમીમાંનાં એક એવાં ચંપાબહેન પટેલનું સ્વાગત કર્યું હતું. તેમણે ચંપાબહેન અને તેમનાં પતિ છીતુભાઈ પટેલનાં અકાદમીનાં આરંભથી રહેલા જોડાણ ઉપરાંત છેલ્લાં 6 વર્ષથી ચંપાબહેને કારોબારી સભ્ય તરીકે ખભે-ખભા મિલાવી જે કામગીરી બજાવી છે તેને પોરસાવતા તેમનું સન્માન કરવા જણાવ્યું હતું. ચંપાબહેને આવા શુભ પ્રસંગે આવો મોકો મળ્યો તે બદલ અકાદમીનો અને તેઓ જે પણ કરી શક્યા તે માટે એમનાં માતા-પીતા તથા પતિના સાથ સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આગળ સન્માન કરવાનું હતું મનસુખભાઈ શાહનું. વિપુલભાઈએ તેમની દિવસ-રાત જોયા વગર ઈમિગ્રેશનનાં મુદ્દે લીધેલી ટક્કર અને તેમની પોતાની પરવા કર્યા વગર જે કામ કર્યું તેની નોંધ લીધી હતી. એ ઉપરાંત અકાદમી પહેલાંની સાહિત્યિક સંસ્થાના સ્થાપક સભ્ય, અકાદમીનાં ઉપપ્રમુખ પદે રહી જે કામો કર્યાં તે બદલ તેમનું સન્માન કરવાનું સૂચન કર્યું હતું. મનસુખભાઈએ પોતે કરેલાં કાર્યોને તો માત્ર ફરજ જ ગણાવી હતી. અકાદમીએ તેમને ઉપપ્રમુખ પદે બેસાડેલા તે સારુ તેમ જ આજનાં આ પ્રસંગે એમનું સન્માન કર્યું એ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પછી વિપુલભાઈએ પોતાના ખાસ સાથી, રમણભાઈ પટેલનું સ્વાગત તેમની અને રમણભાઈની જોડીને રામ-લક્ષ્મણની જોડી કહી કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રમણભાઈ સતતપણે પરીક્ષાઓનાં આયોજનમાં, શિક્ષણ તાલીમમાં અને કંઈ કેટલા ય કામોમાં ક્યારે ય પાછા પડ્યા નથી. તેમણે વાર્તાસંગ્રહો, લેખસંગ્રહો ઉપરાંત અકાદમી સારુ ‘આચમન’ નામે સંગ્રહ પણ સંપાદન કર્યો છે. તેમની આ સેવાઓ બદલ તેમનું સન્માન કરાયું હતું. રમણભાઈએ કહ્યું હતું કે અકાદમી સાથેનાં સંસ્મરણો વાગોળવા બેસું તો દિવસોનાં દિવસો લાગે. તેમણે અકાદમી સાથે જે રીતે જોડાયા તે પ્રસંગ, વિપુલભાઈ સાથેનાં અકાદમી માટે કરેલી યાત્રાઓનાં સંસ્મરણો અને અકદામીની વાર્તાવર્તુળ બેઠકથી કેવી રીતે લખવાની પ્રેરણા મળી એની વાતો કરી.

આગળ વધતાં, ડાયસ્પોરાનાં એક ઉત્તમ વાર્તાકાર વલ્લભભાઈ નાંઢાનો પરિચય આપતાં અકાદમીમાં વર્ષો સુધી જુદાં જુદાં હોદ્દે અને કાર્યકારી સભ્ય તરીકે યોગદાન અને અકાદમીને આપેલા સતત માર્ગદર્શન તથા નેતાગીરીની નોંધ લઈ તેમનું સન્માન કરવાનું સૂચન કર્યું હતું. વલ્લભભાઈ એ પોતાના 30વર્ષના અકાદમી સાથેના સેતુને યાદ કરતાં કહ્યું કે તેઓ અકાદમીમાંથી ઘણું પામ્યા છે અને અકાદમી તેમનાં માટે એક શાળા જ છે. અકાદમી તરફથી સન્માન સ્વીકારતાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ શરીર ચાલશે ત્યાં સુધી અકાદમીને સાથ અને સહકાર આપતા રહશે.

ને પછી, વિપુલભાઈએ અકાદમીના નવા સામાયિક “ઈ-અસ્મિતા”ની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે અકાદમીનાં પરિપત્રનું સ્થાન હવે “ઈ-અસ્મિતા” લેશે, તે ત્રી-માસિક હશે અને ડિજિટલ સ્વરૂપે અકાદમીની વેબસાઈટ પરથી મેળવી શકાશે.

ત્યારબાદ, વિપુલભાઈએ વિલાસબહેન ધનાણીનો પરિચય આપ્યો. જુદી જદી ભાષા પરિષદોમાં તેમનાં યોગદાન, વિપુલભાઈ સાથે મળીને પુસ્તક પ્રચારની કામગીરી તેમ જ પાઠ્યપુસ્તકો અને પરીક્ષાઓ અકાદમી જ કરે એવો આગ્રહ રાખી તેનો મજબૂત પાયો નાખવા બદલ ઓશિંગણભાવ વ્યક્ત કર્યો હતો. તેમનાં જ ખાસ સખી નીમાબહેનના હસ્તે તેમનું સન્માન થયું હતું. વિલાસબહેને સન્માન સ્વીકારતાં કહ્યું હતું કે તેમણે જે પણ કર્યું એનાથી એમને ખૂબ જ આનંદ મળ્યો છે; અને અકાદમીને તેમણે કંઈ આપ્યું નથી, પણ માત્ર લીધું જ છે.

છેલ્લે, અકાદમીના કોષાધ્યક્ષ લાલજીભાઈ ભંડેરી અને ઉપપ્રમુખ પંચમભાઈ શુક્લના હસ્તે, અતિથિ વિશેષ નીમાબહેન શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનાં અંતિમ દોરમાં, પંચમભાઈ શુક્લએ ભારતથી આવેલા સંગીતકાર/સ્વરકાર સુભાષભાઈ દેસાઈનો ટૂંકો પરિચય આપી તેમને આવકાર્યા હતા. સુભાષભાઈ અને તેમનાં પુત્ર અતીતભાઈએ સુગમ સંગીતની મહેફીલ જમાવી હતી. તેમણે મનોજ ખંડેરિયા, બરકત વિરાણી અને રિષભ મહેતા જેવા કવિઓની અલગ અલગ રચનાઓની સંગીતમય રજૂઆત કરી સર્વે શ્રોતાઓને સંગીતમાં રસબોળ કર્યાં હતાં.

કાર્યક્રમનાં અંતે, વિજયાબહેન ભંડેરીએ અકાદમી વતી મુખ્ય મહેમાનો, કાર્યક્રમનાં આયોજકો, ‘માંધાતા યુથ એન્ડ કૉમ્યુનિટી ઍસોસિયેશન’, મદદ કરનાર સૌ સ્વયંસેવકો અને હાજર રહેનાર સર્વેનો આભાર માની કાર્યક્રમને વિધિવત રીતે આટોપી લીધો હતો. ત્યારબાદ સૌ પ્રીતિભોજન લઈ એકબીજાની ખબર-અંતર પૂછી છૂટાં પડ્યા હતાં.

– નીરજ શાહ (e.mail : shahnirajb@gmail.com)

વીડિયો:

છબિ ઝલક: