‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વાસહિત્ય (બુધવાર, 24 ઑગસ્ટ 2022)

સાહિત્યત્વ

– કેતન રુપેરા

સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિકવિજેતાઓનાં વક્તવ્યો (1991-2016)

સંપાદક : અદમ ટંકારવી પંચમ શુક્લ

પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ

પ્રકાશન વર્ષ : 2022

તા. 24-08-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ મુકામે યોજાયેલા પરિસંવાદ સાહિત્યત્વ સંદર્ભે વિશ્વસાહિત્યમાં સંચાલન દરમિયાન કેતન રુપેરાએ પૂરક વિગત રૂપે આપેલો અને આપવા ધારેલો, પુસ્તકનો બાહ્ય પરિચય

Ø  વર્ષ 1991થી 2016 દરમિયાન સાહિત્યક્ષેત્રે નોબેલ પારિતોષિક-પ્રાપ્ત વિજેતાઓનાં વક્તવ્યોનાં ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદના સંચયનું આ સંપાદિત પુસ્તક છે. 21 અનુવાદકો દ્વારા અનુવાદ થયેલાં 26 વક્તવ્યોનું —એટલે કે આટલી માત્રામાં નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો સમાવતું ગુજરાતી ભાષાનું આ સંભવત: પહેલું પુસ્તક છે.

Ø  કુલ મળીને 432 પૃષ્ઠનું આ પુસ્તક છે. પાકા પૂઠાંનું છે, પાનાંની સંખ્યાની તુલનાએ વજનમાં હળવુંફૂલ છે.

Ø  મુખપૃષ્ઠ પર આપ જે જુઓ છો તે સ્વીડનની નોબેલ અકેડેમીનું મુખ્ય મકાન- હેડ ક્વાર્ટર છે. અહીં જ નોબેલ પારિતોષિક વિજેતાનું સન્માન થાય છે, ને અહીં જ તેઓ સૌ પોતાનું પ્રતિભાવ પ્રવચન આપે છે.

Ø  મુખપૃષ્ઠ પર જોવા મળતો ચંદ્રક આપણામાંથી કોઈને જો અને જ્યારે ખરેખર જોવા-સ્પર્શવાનો થાય તો ત્યારનો આનંદ ત્યારે પણ અત્યારે આંશિક અનુભૂતિ માટે તેને મુખપૃષ્ઠ પર ઉપસાવવામાં આવ્યો છે. ટેકનિકલી તેને UV Varnish કરેલું કહેવામાં આવે છે.

Ø  સંપાદકોએ પુસ્તક

“બ્રિટિશ ગુજરાતીઓ

ગુજરાતી સાંભળે

બોલે

વાંચે

લખે

જીવે

તે માટે

એમણે કરેલ

અથાગ પુરુષાર્થની કદર રૂપે”

અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીને અર્પણ કર્યું છે.

Ø  પુસ્તકમાં પૂરાં પોણા બે પાનાંનું પ્રકાશકીય છે.

આજકાલ ઘણાં પુસ્તકો ‘પ્રકાશકીય’ વગર જ પ્રકાશિત થાય છે, કેમ કે કોઈ એ વાંચતું નથી તેમ પ્રકાશકો દ્વારા માનવામાં છે, ને એવું કહેવામાં આવે છે.

આ પુસ્તકનાં વાચકો પ્રકાશકીય વાંચે છે, એવું પ્રકાશક તરીકે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ માને છે, કહે છે અને એટલે જ, પ્રકાશકે પ્રકાશકીય છાપ્યું છે—વાંચવું ગમે-માણવું ગમે-ચર્ચવું ગમે એવું તૈયાર કરીને છાપ્યું છે.

એમાંનો એક ફકરો અહીં વાંચું છું.

વર્ષ 2015માં યુનાઇટેડ કિંગ્ડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા સાહિત્ય પરિષદ મળી હતી. એમાં અધ્યક્ષપદેથી અદમ ટંકારવીએ પ્રમાણે વાત મુકી હતી. અમેરિકના જાણીતા કવિ અને વિવિચેક એઝરા પાઉન્ડનું વાક્ય ટાંકીને એમણે કહ્યું હતું. હવે પ્રકાશકીયમાંનું વાક્ય : “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિતપરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્કા વાંછિત ધિંગુ પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે ધડામ દઈને ફટકો મારીને આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપી નાખે.

1991થી 2016ના નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો ગુજરાતીમાં સમાવતું આ પુસ્તક ધિંગુ છે કે નહીં એ તો આપ સૌ જ નક્કી કરશો, પણ આ પુસ્તકમાં કાળક્રમે અનેક ધિંગાં પુસ્તક નીપજાવવાની શક્તિ ચોક્કસ રહેલી છે. એ હું આ પુસ્તક એક નહીં, બે વખત વાંચીને કહી રહ્યો છું.

Ø  પુસ્તકમાં અનુક્રમની સાથે, અને અનુક્રમમાં વચ્ચે જગ્યા કરીને, તદ્દન બિનપરંપરાગત પણે વિશ્વનો નકશો મુકવામાં આવ્યો છે, સાથે

Ø  કયા કયા વર્ષે કયા કયા દેશને અને સાહિત્યકારને ફાળે નોબેલ પારિતોષિક ગયું, તેનું ગ્રાફિક મુકવામાં આવ્યું છે.

Ø  પુસ્તકના ‘સંપાદકીય’માં સંપાદક-મિત્રોએ નોબેલ પારિતોષિક આપવાની બદલાતી ગયેલી વિભાવનાથી લઈને સાહિત્ય-પદાર્થ, સમાજદર્શન, સાહિત્યકારોની સર્જનપ્રક્રિયા, ભાષા, ભાવક જેવા અનેક દૃષ્ટિબિંદુ આલેખ્યાં છે. પૂરાં વીસ પાનાંનું સંપાદકીય છે. ખરેખર, એ પછીનાં 400 પાનાંનું નવનીત આ સંપાદકીયમાં છે.

Ø  પુસ્તકમાં દરેક પ્રકરણમાં સાહિત્યકારનાં વક્તવ્યનું પહેલું પૃષ્ઠ વિશિષ્ટ રીતે સજાવટ પામ્યું છે. ડાબી બાજુ શિલ્ડ કે ચંદ્રકના આકારના ડિઝાઇન બોક્સમાં, એમને જે વર્ષે પારિતોષિક એનાયત થયું તેનો ઉલ્લેખ તો છે જ, સાથે દરેક સાહિત્યકારે કઈ ભાષામાં સર્જન કર્યું છે ને મૂળત: કયા દેશના નાગરિક છે તેની વિગત પણ છે.

આમ એટલા માટે કહેવાઈ રહ્યું છે કે વાચક પુસ્તકનું અવલોકન કરશે ત્યારે જણાશે કે જે તે સાહિત્યકાર પોતે જે દેશના નાગરિક છે, તે જ ભાષામાં તેમનું સર્જન રહ્યું હોય એવું નથી. આમાંના ઘણાં સાહિત્યકારો પોતાના સાહિત્યનાં કારણે દેશનિકાલ પણ પામેલાં છે. અને બીજા દેશમાં જઈને પણ તેમણે સાહિત્યસર્જન કર્યું છે.

Ø  નોબેલ કમિટી જ્યારે જે તે સાહિત્યકારની એમનાં સાહિત્ય માટે પસંદગી કરી, ત્યારે તેમને આ સન્માન શા માટે આપવામાં આવી રહ્યું છે, તેની વિગત પણ જાહેર કરે છે. તે પણ આ પૃષ્ઠમાં મુકવામાં આવી છે. ગુજરાતી અનુવાદ કરવાનો સહેજ પણ લોભ રાખ્યા વગર તેને અક્ષરસ: અંગ્રેજીમાં જ મુકવામાં આવી છે.

Ø  વક્તવ્ય શરૂ થયાં પછીના જમણાં પાને દરેક સાહિત્યકારનો ટૂંકો, છતાં સઘન પરિચય આપવામાં આવ્યો છે. મોટા ભાગનાં વક્તવ્યો લાંબા હોઈ વાંચવાનો કંટાળો ના આવે અને આંખને સહેજ મનૌવૈજ્ઞાનિક આરામ મળે એ માટે વક્તવ્યમાંથી અવતરીત કરી શકાય એવાં અને આખા વક્તવ્યનાં સારરૂપ કહી શકાય એવાં વાક્યો પસંદ કરીને મુકવાની પણ મથામણ કરવામાં આવી છે.

Ø  દારિયો ફો જેવા સાહિત્યકારોએ પરંપરાગત રીતે વક્તવ્ય આપવાને બદલે પોતાનું આખું વક્તવ્ય ‘ઓરેટરી’ ઢબમાં ને હાજર સૌ શ્રોતાઓના હાથમાં ચિત્રો પકડાવીને આપ્યું હતું. અહીં એ ચિત્રો પણ મુકવામાં આવ્યાં છે. કેટલાંક વક્તવ્યોમાં અનુવાદકને કે સંપાદકને પાદટિપ મુકવી જરૂરી જણાઈ છે, ત્યાં નાની મોટી પાદટિપ પણ છે.

Ø  વક્તવ્યના અંતે તેના અનુવાદકનાં નામ-સરનામાં અને ટૂંક-પરિચય આપવામાં આવ્યાં છે. કોઈ વાચક અનુવાદકનું નામ જોઈને એ પ્રમાણે વક્તવ્ય વાંચવા ઇચ્છે તો મુખ્ય અનુક્રમ પૂરી થતાં અકારાદી ક્રમમાં અનુવાદકના નામની અલગ અનુક્રમ પણ મુકવામાં આવી છે.

Ø  પુસ્તકના અંતે, પાછળનાં પૃષ્ઠોમાં ઘણાં બધા દેશોમાં સાહિત્યકારોને તેમની અભિવ્યક્તિની આઝાદી પર સજા ફરમાવતી ઘટના અંગે પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા અમેરિકન કાર્ટૂનિસ્ટ બિલ મોડલિનનું એક કાર્ટૂન છે અને એ પછીનાં ચાર પાનાંમાં, વાચકો લખવા-ભરવા ચાહે તો એ માટેની ખાલી જગ્યા છે. એ શું છે?

૧. નોબેલ પારિતોષિક વિજેતા (નામ)…………….. નું વક્તવ્ય મને સૌથી વધુ સ્પર્શ્યું, કારણ કે …..

૨. નોબેલ પારિતોષિક વિજેતા (નામ) ……………. નું ……………… (પુસ્તકનું નામ) પુસ્તક મેં વાંચેલું છે, તેનાં અંગે મારાં વિચાર-લાગણી એવા છે કે ………

૩.  સાહિત્યત્વ વાંચ્યા પછી હું લખ્યા વગર નથી રહી શકતો / શકતી કે …

૪. જગતનાં આવાં શ્રેષ્ઠ વક્તવ્યોનાં સંચયો પ્રકાશિત થતાં રહેવાં જોઈએ, કારણ કે …

 

(સાહિત્યત્વ સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિકવિજેતાઓનાં વક્તવ્યો (1991-2016); સંપાદક : અદમ ટંકારવી પંચમ શુક્લ; સંવર્ધક : કેતન રુપેરા; પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી યુનાઇટેડ કિંગ્ડમ; પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009, પ્રથમ આવૃત્તિ, એપ્રિલ 2022; પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”; પૃ. 432 (30 + 402); રૂ. 675 • £ 8 • $ 10)

* * * * *

  

સ્વાગત

 – વિપુલ કલ્યાણી

દરેક શ્રોતાજનને આવકાર. યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી વતી આપનો દરેકનો હું ખૂબ ખૂબ આભારી છું કે આપ દરેક સમય લઈને આ અવસરે આવ્યાં છો.

આજે જે અવસર છે તે ‘સાહિત્યત્વ’ના લોકાર્પણનો છે. … એક રીતે જોવા જોઈએ તો લોકો વચ્ચે તે રમતું થયું હોવા છતાં તેના લોકાર્પણનો આ કાર્યક્રમ આપણે જરા જુદી રીતે અહીં કરીએ છીએ.

આ કાર્યક્રમની વાત કરીએ તે પહેલાં એટલું જાણીએ કે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તથા  ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના સાથસહયોગથી તે ઊભો થયો છે. ગૂજરાત વિદ્યાપીઠ સાથેના સહયોગની જ વાત કરીએ તો તેની જોડેનો સંબંધ તો લગભગ ગયા સૈકાના આઠમા દાયકાથી સતત રમતો રહ્યો છે. દિવંગત રામલાલ પરીખના વારાથી આ સંબંધ ચાલતો રહ્યો છે. આ સંબંધ કેળવાતો રહ્યો, બંધાતો રહ્યો અને મજબૂત બનતો ગયો. રાજેન્દ્રભાઈ ખીમાણી અને સુદર્શનભાઈ આયંગાર તેના કુલ સચીવ અને કુલ નાયક હતા તે દિવસોની વાત કરું છું. ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહ’ નામક પુસ્તક શિરીન મહેતા – મકરંદ મહેતા સરીખાં ઇતિહાસકારોએ તૈયાર કરેલું. બ્રિટનસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’, ચંદરિયા ફાઉન્ડેશન, ગુજરાતી લેક્સિકૉન તેમ જ ‘ઓપિનિયન’ સામયિક સાથે મળીને આ પુસ્તક માટે યોગદાન કરેલું, તેના લોકાપર્ણનો અવસર અહીં વિદ્યાપીઠમાં સમ્પન્ન થયેલો. એ આજે સાંભળે છે. વિદ્યાપીઠ સાથે કેટકેટલા કાર્યક્રમો આપણે કર્યા છે, તેના યોગદાનની વાત કરતાં કરતાં કહીએ કે આજે તેમાં વધુ એક ચરણ મૂકી રહ્યાં છીએ. હવે પછી ભવિષ્યે વધુ કામ મજબૂતાઈએ થયા કરે તેમ પણ વર્તાય છે.

મિત્રો, આજના કાર્યક્રમમાં આરંભે પહેલું સ્વાગત, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્રભાઈ ખીમાણીનું કરીએ. આજના એ એક મહેમાન છે. આજના આ કાર્યક્રમમાં જે મુખ્ય મુખ્ય વક્તાઓ છે તેમાં અધ્યક્ષસ્થાને શિરમોર સાહિત્યકાર, વિવેચક ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળા છે. જ્યારે બાકીના બે વક્તાઓ છે હરીશ મીનાશ્રુ અને મણિલાલ હ. પટેલ. બન્ને વિદ્વાન સાહિત્યકારો છે. આ સૌનું સ્વાગત કરીએ અને તે દરેકને વળી વધાવીએ.

આ કાર્યક્રમ ‘સાહિત્યત્વ’ના લોકાર્પણનો છે. જોડજોડ નોખી રીતે ગોઠવાયેલો કાર્યક્રમ છે. તમે દરેક જાણો છો તેમ આ પુસ્તકના સંપાદન કામમાં અદમ ટંકારવી તથા પંચમ શુક્લ મુખ્યત્વે જોડાયેલા છે. અને તેના પ્રગટીકરણના કામમાં કેતન રુપેરાનો ફાળો પણ અગ્રગણ્ય રહેલો છે. પરિસ્થિતિ એવી છે કે અકાદમીના પ્રમુખ તરીકે હું અને આ પુસ્તકના એક સંપાદક અદમ ટંકારવી આજના અવસરે રૂબરૂ હાજર રહી શકતા નથી. પણ આજે ઇન્ટરનેટી માધ્યમે આપણે એટલા નજીક લાવી દીધા છે કે અમે બન્ને ઝૂમ વાટે તમારી સાથે આ કાર્યક્રમમાં હાજર છીએ. આવું અમને લાગી રહ્યું છે. આ કામ બહુ જ બાહોશાઈથી પંચમ શુક્લ, કેતન રુપેરા, અશોક કરણિયા તેમ જ રાજેન્દ્ર ખીમાણી જે રૂપે અને પ્રકારે ગોઠવી રહ્યા છે તે માણીએ.

આ ‘સાહિત્યત્વ’ પુસ્તક વિશે જે વાત કરવાની છે તે સારુ બે વાત પરત્વે ધ્યાન દોરવાનું મન કરું છું. તેમાં છવ્વીસ જેટલા અનુવાદો લેવામાં આવ્યા છે. તેના અનુવાદકોની વાત પણ જોઈ લઈએ. આ અનુવાદકો કેનેડામાં છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં છે, ઑસ્ટૃાલિયામાં છે, અને ગુજરાત સમેત બીજા દેશોમાંથી પણ લેવાયા છે. આવું કામ આ પહેલાં થયું હોય તેવી કોઈ જાણકારી મને તો નથી. એટલે આ કામ ભલે લંડનથી થયું હોય, આ કામ ભલે યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ વાટે થયું હોય, પણ તે કામ ગુજરાતીનું છે. આપણી ભાષા, આપણાં સાહિત્યનું  સર્વસમાવેશક આ કામ છે તે મુદ્દો ધ્યાનમાં રાખીએ.

બીજો મુદ્દો જે લેવાનો છે તે આમ કહી શકીએ : આ પુસ્તકમાં જે અનુવાદો લીધા છે તેમાં સઘળાં નૉબેલ પારિતોષિક વિજેતાઓનાં ભાષણોનો સમાવેશ નથી. બીજાઓને પણ લાવી શકાયા હોત, પરંતુ અદમભાઈએ પોતાના સરસ મજાના ‘પરિષ્કૃતિ’ નામક સંપાદકીયમાં તે વિશેની ઊંડી સમજ સાથેનાં કારણો આપ્યા છે.

હું માનું જ છું આ ત્રણે ય વિદ્વાનમિત્રો આ પુસ્તક અંગે સરસ રીતે વિષદ રજૂઆત કરશે. આપણે માણીશું. ગુજરાતમાં જ્યાં જ્યાં અનુવાદો થાય છે, સાહિત્યનાં કામો થાય છે, આવાં કામોમાં જેમને જેમને લાગણી છે ત્યાં ત્યાં આ પુસ્તક રમતું થાય, પહોંચે ને વંચાતું રહે તેવી ખેવના સેવું છું.

આવી લાગણી સાથે હું સૌનું સ્વાગત કરું છું અને આજનો કાર્યક્રમ બધી રીતે સફળ બને તેમ વાંછીને, શુભ કામનાઓ આપતાં આપતાં પંચમભાઈ શુક્લને વિનંતી કરું કે હવે પછીના કાર્યક્રમના સંચાલનનો દોર હાથમાં લે.

* * * * *

 

સાહિત્યત્વ’ : પ્રસ્તુતતા

– અદમ ટંકારવી

યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી સાહિત્ય અકાદમીએ નૉબેલ પારિતોષિક વિજેતા સાહિત્યકારોનાં વક્તવ્યોના ગુજરાતી અનુવાદોનો પ્રકલ્પ હાથ ધર્યો તેની પાછળનું પ્રેરણ તે એઝરા પાઉન્ડનું આ વિધાન : ‘સાહિત્યિક સંદર્ભે, જેમણે પોતે નોંધપાત્ર સર્જન નથી કર્યું તેમનું મંતવ્ય ન સ્વીકારો.’ નૉબેલ પારિતોષિકથી વિભૂષિત સર્જકોનું દર્શન આપણી ભાષાના સાહિત્યકાર અને ભાવકને હાથવગું થાય એ ‘સાહિત્યત્વ’ના પ્રકાશનનો મુખ્ય આશય.

આ પુસ્તક (કેતન રુપેરા એને ‘ગ્રંથ’ કહે છે), આપણા સાહિત્યની ‘ફેરતપાસ’ માટેની ભૂમિકા રચી આપે અને આપણા સાહિત્યકાર / વિવેચક / ભાવકને એ માટે પ્રવૃત્ત કરે તો ભયોભયો.

આ સર્જકો સાહિત્યસર્જનને સ્વ-ની અને સમષ્ટિની ખોજ રૂપે જુએ છે. આપણે ત્યાં પણ નરસિંહરાવે કહેલું કે, ‘જીવ અને જગતનું સુંદર વાણીમાં અન્વીક્ષણ’ એટલે સાહિત્ય.

આ સાહિત્યકારોનું વિશ્વદર્શન (worldview) સમાવેશી (inclusive) છે. એમાં પીડિત, વંચિત, હાંસિયામાં ધકેલાયેલ માનવોની વાત છે. ટૉની મોરિસન પૂછે છે કે, તમારો સહવાસ સહી ન શકે તે ગામમાં રહેવાથી કેવી લાગણી થાય ? ઓરહાન પામુકના મતે, સાહિત્યમાં માનવજાતની મૂળભૂત દહેશતો વ્યક્ત થવી જોઈએ. આ દહેશતો તે નગણ્ય, ક્ષુદ્ર, હડધૂત થઇ જવાની, ધૂત્કાર છટ્‌કારની, માનવ ગરિમા ખોઈ બેસવાની. ઉમાશંકર જોશીએ સાહિત્યમાં જીવનના ‘સર્વગ્રાહી અનુભવ’ની વાત કરેલી.

આ વિચારણાની પડછે, આપણા સાહિત્યમાં પ્રકટ થતા વિશ્વદર્શન વિશે પ્રશ્નો ખડા થાય છે કે, એ દર્શન વાસ્તવિક છે કે હવાઈ ? પોતીકું છે કે ઊછીપાછીનું ? સર્વગ્રાહી છે કે એકાંગી ? સર્વાશ્લેષી છે કે બાકાત રાખનારું ? એનો વ્યાપ – range વિશાળ છે કે સંકીર્ણ ?

1986માં સુમન શાહ સાથેની મુલાકાતમાં સુરેશ જોષીને ટાંકી ગુલામમોહમ્મદ શેખે કહેલું કે, આપણા સાહિત્ય સંદર્ભે ‘આત્મપરીક્ષણ’ જરૂરી છે. આપણી આટલી બધી જાતિઓ, આટલી બધી બોલીઓનો આપણા સર્જનમાં કેમ વિનિયોગ થયો નથી ? વ્હાય ?

આ પુસ્તક શેખસાહેબનું આ ‘વ્હાય’ વધુ વિકરાળ સ્વરૂપે આપણી સામે મૂકે છે.

એનું પરિશીલન આપણા સાહિત્યકારને આ પ્રશ્નની સન્મુખ થવા, આત્મનિરીક્ષણ કરવા, પ્રામાણિકતાથી એનો ઉત્તર ખોળવા પ્રેરે તો ‘ટૅમ્સ’ નાહ્યા.

 

* * * * *

સાહિત્યત્વ’ : એક વિહંગાવલોકન

– મણિલાલ . પટેલ

 

(વક્તા1, પરિસંવાદ : સાહિત્યત્વસંદર્ભે વિશ્વસાહિત્ય, તા. 24-08-2022, ગૂજરાત વિદ્યાપીઠ)

 

નમસ્કાર

આદરણીય મુરબ્બીઓ અને મિત્રો,

ગુજરાતી સાહિત્ય અકાદમી યુ.કે.નો, વિપુલભાઈ, પંચમ શુક્લનો તથા ગૂજરાત વિદ્યાપીઠ અને મુ. ખીમાણીસાહેબનો આરંભે જ આભાર માની લઉં છું.

મારી પાત્રતા ન હોય એવા વિષય પર વાત કરવાનું મેં સ્વીકાર્યું ત્યારે હવે સમજાય છે કે ફરિસ્તાઓ જ્યાં જતાં વિચારે ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે …

  • તો ખેર! આજે થોડી બેઅદબી માફ કરશો!
  • સાચું પૂછો તો આ ‘સાહિત્યત્વ’ પુસ્તક આવે છે એમ જાણ્યું ત્યારથી ઉત્સાહિત, બલકે રોમાંચિત હતો. બસ, એમ જ! મને લેખકના જીવનમાં પણ રસ પડે છે.
  • મને ગુજરાતી સાહિત્ય કેટલુંક સમજાય છે. મજા પડે છે. પણ મારો રસ ભારતીય ભાષાઓમાં શું શું ને કેવું કેવું સાહિત્ય રચાય-સર્જાય એ જાણવામાં પણ ખરો. વળી અનુવાદો દ્વારા એ વાંચું. થોડું ‘વિશ્વ સાહિત્ય’ પણ અનુવાદો દ્વારા જાણું-માણું! મિત્રો પાસેથી એની જાણકારી મળે ને રાજી થાઉં …
  • બધાંની તુલના ગુજરાતીસર્જકો અને સર્જન સાથે મનોમન કરતો રહું. ઘણું મળતું આવે ને ખુશ થાઉં … થોડું નોખું પડે તો વિચારતો રહું!
  • મને સર્જન જેટલો રસ સર્જકના જીવનમાં, એના મલકમાં, એના સમાજજીવનમાં પડે છે. જીવનકથા ને આત્મકથામાં મને નવલકથા જેવો જ રસ!
  • ‘સાહિત્યત્વ’માં ર૬ (૧૯૯૧-ર૦૧૬) નૉબેલ વિજેતા સાહિત્યકારોનાં પ્રવચનો છે. એમાં બાળપણની, તત્કાલીન પ્રજાજીવન અને કુટુંબની વાતો છે – કેફિયત છે … જીવન અને સાહિત્ય વિશે, સર્જન-શબ્દ-રચનાની વિભાવના વિશેની એમની વાતો છે જે જાણવા હું બહુ ઉતાવળો હતો … ને આજે હવે એ વાંચીને આનંદિત તો થયો છું … પણ વધુ તો, સંતોષ થયો છે. સાચું કહું તો મને ‘હાશ’ થઈ છે! હા! આપણો ભારતીય સર્જક-લેખક પણ આવો જ સંઘર્ષ કરે છે ને શૈશવ તથા અનુભવોથી સમૃદ્ધ થઈને લખતો થાય છે. એણે ભલે યુદ્ધો નથી લડ્યાં પણ અભાવો, પીડાઓ, વ્યથાઓ વેઠીને એ ય નિયતિની કઠોરતા અને વિધિની વક્રતાને સમજતો ને આલેખતો થાય છે.
  • ઉમાશંકર જોશીએ કહેલું, ‘શૈશવના અનુભવો ક્યારે ય ખૂટળ નથી નીવડતા …’ એ વાત આ ર૬માંથી વીસ લેખકો પણ અજાણતાં કબૂલે છે.
  • વેદનાની આગમાં પાકીને આવેલા શબ્દ જ સર્જનને રસપ્રદ ને સર્વકાલીન બનાવે છે.

આ વાત દુનિયાનો દરેક નીવડેલો સર્જક સ્વીકારે છે. આ સહુનાં પ્રમુખ સર્જનોમાં ઉપરોક્ત સંદર્ભો નિજી દેશકાળની ભૂમિકાએ વણાયેલા છે. આ ર૬ સર્જકો વીસમી સદીના પ્રજાજીવનનાં વિવિધ સ્તરો, વિવિધ પાસાંને પોતાના અનુભવો અને રસરુચિ અનુસાર આલેખે છે.

આમાંના કેટલાક પાસે બીજા વિશ્વયુદ્ધના તથા પોતાની રાજસત્તાઓના ખારા-માઠા અનુભવો છે. માબાપ ના હોય – છોડી ગયાં હોય, વતન છોડવું પડ્યું હોય, પેટ પાળવા કાચી વયે વૈતરું કરવું પડ્યું હોય; અભાવો, ઉપેક્ષા સતત તાવતાં હોય – ને આ બધું લેખન-સર્જનમાં લેખે લાગ્યું હોય! કેટલાક સદ્‌ભાગી સર્જકો ય છે જેમણે જીવનમાં શાંતિ-શાતા અનુભવી હોય પરંતુ અન્યોની યાતનાઓ, દેશવાસીઓ પરના જુલમો જોવાનાં આવ્યાં હોય! એમણે એના વિશે લખ્યું! … ને માનવનિયતિ તો બધાંને તાવે છે. સર્જનનો એ જ મૂળ મંત્ર છે – નવ ખંડ ધરતીમાં એ સામાન્ય છે!! સર્જકે સર્જકે કેટલુંક નોખું ને નરવું હોય છે. પ્રત્યેક સર્જકની એની આગવી ઓળખ ને એની વસ્તુસંકલના તથા ભાષાસંરચનાથી રચાય છે ને એ જ અર્થપૂર્ણ બની રહે છે. આ ર૬ સર્જકોએ એમના સર્જનમાં ને અહીં એમનાં વક્તવ્યોમાં જે મુખ્ય ને મહત્ત્વના મુદ્દાઓની જિકર કરી છે તે ‘પરિષ્કૃતિ’ નામક પ્રસ્તાવના લેખમાં સંપાદક : અદમ ટંકારવી (અને પંચમ શુક્લ) – એ વિગતે નોંધી છે. વાચક એટલું વાંચે તો ય ન્યાલ થઈ જાય એમ છે. આપણે એ મુદ્દાઓનો ઉલ્લેખ કરીને આગળ વધીશું :

૧.   સાહિત્યપદાર્થ

૨.   આત્મભાન

૩.   સમાજદર્શન

૪.   દૃષ્ટિબિન્દુ

૫.   સર્જનપ્રક્રિયા

૬.   ભાષા

૭.   ભાવક

આ સપ્તપદીમાં સમગ્ર સાહિત્યસર્જન અને પ્રજાજીવનના વિવિધ આયામો આવરી લેવાયા છે.

મોટા ગજાના લેખકોના લેખનમાં ઉપરોક્ત મોટાભાગના આયામો સહજ રીતેભાતે વણાઈ ગયા હોય છે.

ચીની લેખક ગાઓ શિન્ગજિયાન(જ. ૧૯૪૦ કાન્યાઉ-ચીન/નૉબેલ : ઈ.સ.ર૦૦૦)ની બે વાતો નોંધવી પર્યાપ્ત છે.

૧.   લેખક એક સામાન્ય વ્યક્તિ જ છે, એ કદાચ વધારે સંવેદનશીલ હોય છે. પણ જે લોકો બહુ જ સંવેદનશીલ હોય તે જાણે પોતે સત્યનો સાક્ષાત્‌ અવતાર હોય તેમ બીજા લોકો વતી ન બોલે. એક વ્યક્તિનો અવાજ નબળો જ હોય, પરંતુ એ જ કારણે વ્યક્તિનો અવાજ વધારે વિશ્વાસપાત્ર હોય છે.

૨.   હું એ કહેવા માગું છું કે સાહિત્ય માત્ર એક વ્યક્તિનો અવાજ બની શકે. હંમેશાં એ જ સ્થિતિ રહી છે. સાહિત્યને મારીમચડીને રાષ્ટ્રનો મંત્ર બનાવી દઈએ, કોઈ જાતિનો ધ્વજ, રાજકીય પક્ષનું વાજિંત્ર કે કોઈ એક વર્ગનું મુખપત્ર બનાવી દઈએ ત્યારે એ પ્રચારનું જબરદસ્ત સર્વલક્ષી સાધન બની જાય છે. પરંતુ આવું સાહિત્ય, સાહિત્યનો આત્મા (કલાપદાર્થ) ખોઈ દે છે, એ સાહિત્ય નથી રહેતું … સત્તા અને નફાનો દાસ બની રહે છે. (પૃ.૧૭૦)

ગાઓએ વાર્તાઓ ને નાટકો લખ્યાં – ૧૯૮૩ પછી એમની વાર્તાઓ પર પ્રતિબંધ મૂકાયો. નાટકોની ભજવણીમાં હસ્તક્ષેપ થયો … ને લેખક ૧૯૮૭માં ચીન છોડીને ફ્રાન્સના આશ્રિત બનવા ત્યાં જઈને વસ્યા. પૅરિસમાં વર્ષો ગાળેલાં! ચીનના બીજા લેખક એ મો યાન (જ. ૧૯પપ / નૉબેલ : ર૦૧ર) ગરીબીમાં ને અભાવોમાં ઉછર્યા … કેટલાં ય વર્ષો સુધી ઘાસિયાં મેદાનોમાં ગાયો ચરાવતા. સાવ એકાકી! વાર્તા કહેનારો ગામમાં આવતો … એની એ તિલસ્મી/જાદુઈ દુનિયા એમને ગમતી … ને પોતે વાર્તા કહેતા ને પછી પોતાની વાર્તા કહેતાં, એમ પછી એ વાસ્તવને વાર્તામાં બદલતાં શીખે છે. એમની વાર્તાઓ-નવલકથાઓ લોકપ્રિય થઈ. આપણને આપણા ધૂમકેતુ-પન્નાલાલ યાદ આવે! જાદુઈ વાસ્તવ ઉપરાંત લોકવાર્તા/ઇતિહાસ તથા સાંપ્રત જીવનની વાસ્તવિકતાઓનું એમનું આલેખન સમાજ ઉપર છવાઈ ગયેલું. યાન કહે છે કે પોતે કદરૂપા હોવાથી લોકો હસતા, છોકરા મારતા ને એ રડતા રડતા ઘરે જતા ત્યારે મા કહેતી, તારા હાથ-પગ આંખ કાન નાકમાં કોઈ ખામી નથી. તું હૃદયથી પણ સારો હોય ને સાચું કામ કરે તો તે જગતને વધુ સુંદર બનાવી શકે. યાને પોતાના સર્જનમાં એ કામ કર્યું છે. યાન વાર્તામાં કથનકલા ને ચરિત્ર પર ભાર મૂકે છે. માણસને દુઃખો તો આવવાનાં પણ આપણાં સારાં કાર્યો હંમેશાં આપણા જીવનને સુખમય બનાવે છે.

ટોની મોરિસન (૧૯૩૧-ર૦૧૯ / નૉબેલ : ૧૯૯૩) અમેરિકન અશ્વેત લેખિકા! નવલકથાકાર, અનુવાદક, વિવેચક, સંપાદક. આજીવન અધ્યાપક.

લેખિકા તરીકે એમણે અશ્વેતોની જીવનઆપદાઓને વર્ણવી. વિવેચક તરીકે/વ્યાખ્યાનોમાં એમણે જીવન, સમાજ, કલા અને ભાષા વિશે ઊંડી સમજણથી વાત કરી છે. એક ધણી, અંધ સ્ત્રી અને પંખીના દૃષ્ટાંત વડે એ ભાષાની મહત્તા સમજાવતાં અહીં કહે છે : ‘ભાષા એક વ્યવસ્થા છે, પણ એ ભાષામાં હું સ્વપ્ન જોઉં છું … એ જીવંત છે … બીજાઓ સત્તાના મદમાં એનો દુરુપયોગ કરતા હોય કે સાક્ષરો એનો સાંઠગાંઠ કરવામાં પ્રયોગ કરતા હોય તો, ત્યારે ભાષા એનું હાર્દ ગુમાવી બેસે છે. લેખક ભાષાને સંવારે છે … ઊર્જાવાન અને ઓજસ્વી બનાવે છે.’

ડેરેક વોલકોટ સર્જનની ભાષા વિશે કહે છે : ‘કવિતાની ભાષા વરસાદનાં ટીપાં જેટલી તરોતાજા હોવી જોઈએ …’ અહીં આપણને સુરેશ જોષી યાદ આવે છે.

નેડીન ગોર્ડીમર કહે છે : ‘એ જ સાચો શબ્દ, સર્જક પ્રયોજે ત્યારે, એ અંતરિક્ષમાં ગતિ કરે છે. ઉપગ્રહ પરથી પરાવૃત્ત થાય છે અને અપૂર્વ ઊંચાઈને આંબે છે …’ ભાષા સાથે આવું કન્ફ્રન્ટેશન કરતા લાભશંકર ઠાકર, હરીશ મીનાશ્રુ, રાવજી અને સિતાંશુ યશશ્ચન્દ્ર જરૂર યાદ આવે. આ સંચયમાં ર૬ વક્તવ્યો છે. (અલબત્ત, એક લેખકની પત્નીએ લેખક વતી સ્વીકારતાં પાંચ-સાત પંક્તિની કવિતા જ ટાંકેલી, તે છે.)

આ લેખકો વીસમી સદીના પૂર્વાર્ધમાં જન્મેલા છે ને એમનું લેખન-સર્જન વીસમી સદીના ઉત્તરાર્ધમાં સર્જાયું-લખાયું-નીવડી આવ્યું. એમણે સહુએ એમના સમયના પ્રજાજીવનને, બદલાતા સમાજજીવનને, માનવમૂલ્યોને તથા પોતાના વૈયક્તિક જીવનને પણ આલેખ્યું છે. પોતાની સાહિત્યિક વિભાવનાઓનો ઉલ્લેખ વક્તવ્યોમાં કર્યો છે. અહીં કેફિયતો વધુ છે – કૃતિચર્ચા બહુ થોડી મળી છે.

અહીં કવિઓ છે, નાટ્યકારો છે, સૌથી વધારે નવલકથાકારો તથા વાર્તાકારો છે. પણ મૂળે વાત તો સમાજ-વાસ્તવ-સંવેદના અને કલાની છે. અહીં યુરપના લેખકો વધુ છે – યુ.કે., આયર્લૅન્ડ, સ્વીડન, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, હંગેરી, પૉલૅન્ડ, ઑસ્ટ્રિયા વગેરે યુરપના દેશોના સર્જકો વધુ પોંખાતા રહ્યા છે. યુ.એસ.એ., દક્ષિણ આફ્રિકા, કૅનેડા, ચીન, જાપાન, પોર્ટુગલ, તુર્કી, પેરુ, મોરેશિયસ જેવા દેશોના લેખકો પણ કળાબળે પોંખાયેલા છે.

આ બધાંનાં વક્તવ્યોમાંથી ઘણું બધું ટાંકવાનું, રજૂ કરવાનું ગમે એવું છે. પણ આપણે થોડું આચમન કરીને સંતોષ માનીશું.

લેખિકા ડોરિસ લેસિંગ(૧૯૧૯-ર૦૧૩)ને ૮૮ની વયે (ર૦૦૭) આ સન્માન મળેલું. એ ઈરાનમાં જન્મ્યાં, ઝિમ્બાબ્વેમાં યુવાની વીતાવી પછીનાં વર્ષો લંડનમાં વીતાવ્યાં. ત્રણેય મુલકોના અનુભવો લઈને એમણે સામાજિક અન્યાયને નિરાંતે વર્ણવ્યો છે. નારીવાદી અનુભવોનું પ્રભાવક આલેખન કરતાં ડોરિસ સંશયવાદ, જલદ દૂરંદેશી ધરાવતા વિચારો વડે એમની નવલકથાઓને વધુ ઊંચાઈ આપી શક્યાં છે. ‘ધ ગ્રાસ ઇઝ સીંગીંગ’ (૧૯પ૦), ‘ચિલ્ડ્રન ઑવ વાયોલેન્સ’ ૧થી પ ભાગ (૧૯પર-૬૯) ‘ધ ગોલ્ડન નોટબુક’ અને ‘ધ ગુડ ટેરરિસ્ટ’ – નવલો એમનું ચિરંજીવ પ્રદાન છે. શિક્ષણ અને વાચન ઉપર ડોરિસ વધુ ભાર મૂકે છે.

યુક્રેનમાં જન્મેલાં સ્વેતલાના એલેક્સિયેવીચ (જ. ૧૯૪૮) બેલારુસમાં મોટાં થયાં. શિક્ષક અને પત્રકાર રહેલાં લેખિકાએ ઇટાલી ફ્રાન્સ જર્મની સ્વીડનમાં – એમ ફરતો વસવાટ કરવો પડેલો. સોવિયત યુનિયન પછીના વ્યક્તિજીવનની વિભિષિકાઓ એમણે કથાવાર્તામાં આલેખી છે. યુદ્ધ અને મૃત્યુ : બે મુખ્ય અનુભવો વચ્ચે ઊભાં રહીને સશસ્ત્ર લોકોને ચાહવું એટલે જીવન! આવી દારુણ સ્થિતિઓનું નિરૂપણ કઠોર માનવ નિયતિની વાત કરે છે.

બોબ ડિલન (૧૯૪૧) મિનેસોટા(યુ.એસ.એ.)ના વતની. લોકસંગીત અને અનેક ગીતોના રચયિતા. ર૦૧૬માં એમને નૉબેલ જાહેર થયું ત્યારે એમની જેમ ઘણાંને આશ્ચર્ય થવા સાથે પ્રશ્નો થયેલા! બોબ કહે છે : ‘આપણાં ગીતો આ ધરતીમાં જ જીવંત છે. પરંતુ ગીતોનું અન્ય સાહિત્ય જેવું નથી. એ વાંચવા નહિ, ગાવા માટે જ સર્જાય છે. શેક્સપિઅરના નાટ્ય સંવાદો મંચ પર ભજવવા માટે લખાયા હતા. એવી રીતે ગીતો વાંચવા નહિ પરંતુ ગાવા માટે સર્જાયા છે અને હું આશા કરું છું કે એ ગીતો જેમ ગવાવાં જોઈએ તેમ જ તમને સાંભળવા મળે …’

ડેરેક વોલકોટ કાવ્યરચનાની પ્રક્રિયાની વાત કરતાં કહે છે કે કવિતા ખંડિત અંશોને જોડવાની પ્રક્રિયા છે એને નિર્માણ નહીં પુનઃનિર્માણ કહેવું જોઈએ.

શેયમસ હિની કાવ્યસર્જનની મથામણને સ્વીકારતાં કહે છે કે કાવ્ય આસ્વાદ્ય હોય – સત્યની સાખ પૂરતું હોય, ઉપરાંત એ પ્રજ્ઞાપૂર્ણ કે પ્રજ્ઞાવાન પણ હોવું જોઈએ. ગુન્ટર ગ્રાસ કહે છે કે વાર્તા-વસ્તુ-કથન-ભાષાના કાકુ સ્વરભાર બધાંની અનુગુંજ મારા ચિત્તમાં પણ ગુંજે ત્યારે હું કલમ કાગળને અડકાડું છું.

દારિયો ફો અને હેરોલ્ડ પિન્ટર જેવા નાટ્યલેખકો દિગ્દર્શકોના મિશન વિશે પણ લાંબી વાત થઈ શકે છે … એ બધું આ ગ્રંથમાં મળે એમ છે. આપણે અહીં અટકીએ.

આભાર.

મધ્ય ઑગસ્ટ, ર૦રર

મણિલાલ . પટેલ

* * * * *

 

ગીર્વાણ ગિરાનું લાવણ્ય

– હરીશ મીનાશ્રુ

આજની સભાના અધ્યક્ષશ્રી ટોપીવાળા, રમણભાઈ, ગુજરાતી સાહિત્ય અકાદમીના હાજિર અને ગાયબ પદાધિકારીઓ વિપુલભાઈ, અદમભાઈ, પંચમભાઈ, રાજેન્દ્રભાઈ અને મિત્રો

સૌ પ્રથમ તો જે પુસ્તકના નિમિત્તે આપણે આ સભા ભરી છે એ પુસ્તક ‘સાહિત્યત્વ’ માટે યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી સાહિત્ય અકાદમીને અઢળક અભિનંદન. એક કરવા જેવું કામ એમણે ચીવટથી ને પ્રેમથી કરી દેખાડ્યું છે, એમાં જગતભરના સાહિત્ય પ્રત્યેની અને છેટું પડી ગયું હોવા છતાં ગુજરાતી ભાષા પ્રત્યેની એ સૌ મિત્રોની ગાઢ પ્રીતિ છતી થાય છે.

હું મારી વાત શરૂ કરું તે પૂર્વે એક ઉર્દૂ શાયર મહેમૂદ અહમદ સહરની એક નઝ્મનુમા રચનાની થોડી પંક્તિઓ તમને સંભળાવવા માંગું છું. સંજોગવશાત આ સભાના અધ્યક્ષ ટોપીવાળાજી હાજર નથી, નહિતર એ કદાચ આપણને ઠપકો પણ આપત કે હે ભાઈ, અનુવાદ વિમર્શની આ ગોષ્ઠિમાં તમે કવિતા ક્યાં વાંચવા બેઠા? આપણે એ પણ સાંભળી લેત .. કવિ હોઈએ તો જાત પર ગયા વિના થોડા રહેવાના? એટલે પહેલાં આ નઝમનુમા રચનાની થોડીક પંક્તિઓ …

इश्क़ का देवता माईल-बकरम1 था जिन पर

शेवए-रक्स2 किया तर्क तो उन मोरों को

उनके बेकेफ़ चमनजारों में छोड़ आया है

और उन हंसों की महफ़िल में चला आया है

जो खनकती हुईं बोली में चहक उट्ठे हैं

इन दिनों महका हुआ हुस्न हसीं फूलों का

खुद क्षतिवन के दरख्तों को सजा उट्ठा है)

ओर कुटूज, सर्ज, कदम्ब को भुला बैठा है.

जिन चमनजारों में शेफा के नये फूल खिले

जिनकी फैली हुई खुशबूओं ने मन मोह लिया

जिनमे बैठी हुईं बेफिक्र-सी चिड़ियों की चहक

फैलती, गूंजती, बढ़ती ही चली जाती है

हिरनियाँ भी है जहाँ नीलकमल आँखों सी

उनकी आँखों की तरह नीलकमल-से गुलशन

देखने वालों के दिल और धडक जाते हैं

जो नहीं सोचा था वह सोचके गभराते हैं

(1 माईल-बकरम : કૃપા કરવા માટે તત્પર     2 शेवए-रक्स: નર્તન શૈલી )

આ નઝમ વિષે ઉચિત અનુસંધાને હું વાત કરીશ પણ આગળ જતાં. હમણાં જરા મુદ્દાની વાત પર આવું : અનુવાદ.

મારે ‘અનુવાદ વિષે’ વાત કરવાની છે, પણ કેવળ આ પુસ્તકનાં અનુવાદો વિષે વાત નથી કરવાની. આ પુસ્તકમાં મેં જર્મન લેખક ગૂંટર ગ્રાસના પ્રવચનનો અનુવાદ કર્યો છે. વીસેક પાનાનું પ્રવચન. મૂળ જર્મનમાં આપણો પ્રવેશ નહીં. વચેટિયા તરીકે અંગ્રેજી અનુવાદ પર ભરોસો રાખવાનો. એ સ્થિતિ એક અર્થમાં twice removed from the reality. અસલિયતથી બેવડી દૂરતા. અંગ્રેજી અનુવાદમાં કેટલાંક વાક્યો તાર્કિક રીતે સમજાય નહીં. એટલે મૂળ જર્મન ભાષાની ટેક્સ્ટમાંથી એવા અંશો તારવીને ઓનલાઈન અનુવાદ કરતી મોબાઈલ એપ આદિની સહાય લઈને ‘અર્થપૂર્ણ’ અનુવાદ સુધી પહોંચવા માટે ભારે મથામણ કરવી પડેલી. ને અજાણ્યા સંદર્ભોને સ્પષ્ટ કરવા માટે ખાંખાખોળા કરીને ઘણી બધી પાદટીપો પણ ઉમેરવી પડેલી. આ બધું મૂળે તો મારા માટે જ કરેલું. વાચક તો પછી આવે છે. આટલી વાત આ પુસ્તકમાં સમાવિષ્ટ મારા અનુવાદ વિષે.

થોડાં વર્ષો પહેલા હિંદીના એક ખ્યાત લેખક અને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત એક કળા-સામાયિકના સંપાદકે મને કહેલું કે જો કોઈ અનુવાદનું પુસ્તક હોય તો એના કવરપેજ પર કેવળ મૂળ લેખક કે કવિનું નામ હોય, અનુવાદકનું નામ પછીના અંદરના પાને. આવો રિવાજ છે, ચલણ છે. એક અનુવાદક લેખે હું આ બાબતે અબુધ હતો. પણ તે ક્ષણે મને એક ગુજરાતી શબ્દ યાદ આવેલો: ‘વસવાયાં’. અમારી ચરોતરીમાં ‘વહવાયાં’. અનુવાદક એટલે જાણે સાહિત્યના વસવાયાં, outcast with reference to main-stream literature. ગામને છેડે એમના વાસ, અંદરના પાને. પંડ્યાપોળ, મોટી ખડકી કે મુખપૃષ્ઠ પર એ ન શોભે. આ એક વિચિત્ર પ્રકારનો ખ્યાલ સાહિત્યિક વર્ણાશ્રમ-ધર્મનો. મેં પછી થોડાં અનુદિત પુસ્તકો તપાસ્યાં પણ ખરાં, કેટલાક આ સિદ્ધાંત પાળે છે ને કેટલાક વાજબી રીતે જ ઉવેખે છે. હું જો કે બીજી કેટેગરીમાં આવું. સાચું પૂછો તો આ સવાલ ઘર કરી ગયેલી ઉન્નતભ્રૂ માનસિકતાનો છે. સારું છે કે અકાદમીઓ સાવ આવી આભડછેટ નથી પાળતી અને અનુવાદ પુરસ્કાર આદિથી અનુવાદવિદ્યા અને કૌશલને પ્રોત્સાહિત કરતી રહે છે.

હમણાં પંદરેક દિવસ પૂર્વે વિશ્વકવિતાના અનુવાદનું મારું એક પુસ્તક, ‘દેશાવરી’ પ્રગટ થયું છે. એમાંથી અનુવાદને લગતી કેટલીક વાતો, અહીં પણ એની પ્રસ્તુતતા જોતાં, વાંચવા ઇચ્છું છું :

અનુવાદકનું કામ એમ પણ thankless માનવામાં આવે છે. એ ખાટીમીઠી ગાળો ખાતો રહે છે : વિદ્રોહી, બેવફા, મૂળ કાવ્યનો ઘોરખોદિયો. કોઇકે એને traitor સુધ્ધાં કહી દીધો. હમણાં ક્યાંક વાચ્યું :  a translator is a double agent, constantly playing two texts, two languages, two cultures, two readerships off each other to arrive at truth. આ બધું હોવા છતાં અનુવાદ વિના કામ તો ચાલવાનું નથી. વાંચન પણ, એક રીતે જોતાં, અંતસ્તલમાં act of translation જ છે. અનુવાદ વિના રિલ્કેને, નેરુદાને કે આપણા જ કોઈ વિભાષી ભારતીય કવિને આપણે કઈ રીતે હૃદયમાં થાપી શકીશું? મે મહિનામાં સ્વીડીશ અકાદમી સાહિત્યના નોબેલ પુરસ્કારની ઘોષણા કરે છે તો એ દિવસથી વિશ્વભરના ભાવકો ઉત્સુકતાથી એ કૃતિ-ઉન્મુખ બની જાય છે. એ વખતે કોઈ વિચારતું નથી કે કૃતિ અને ભાવકની વચ્ચે એક જિન્દાદિલ અનુવાદક સેતુ બનીને સૂતેલો છે અને બધા એની ઉપર થઈને ધસી રહ્યા છે કૃતિ તરફ. જ્ઞાનેશ્વરે અતિ સૂક્ષ્મ વાત કરી છે : ये हृदयींचे ते हृदयी घातले।આ હૃદયથી તે હૃદય સુધી’. અમે પણ આને અનુવાદકનું ધર્મસૂત્ર માનીને ચાલીએ છીએ. અનુવાદકના કર્મના મહિમા રૂપે આનાથી મોટી બીજી કઈ વાત હોઈ શકે? બધી ગાળો પળવારમાં ગાયબ થઈ જશે આ ઉક્તિના પ્રકાશમાં.

આપણે જ્યારે વિશ્વસાહિત્ય એવો શબ્દપ્રયોગ કરીએ છીએ ત્યારે એ શબ્દની પછવાડે એક બીજો શબ્દ કશું બોલ્યાચાલ્યા વિના સંતાઈને ઊભો હોય છે : અનુવાદ.

અનુવાદ શું છે? બે ભાષાઓની મૂઠભેડ અને હસ્તધૂનન, બંને એકસાથે. એમાં ય જો અનુવાદ માટે કોઈ ભાષાની મધ્યસ્થી સ્વીકારવી પડી હોય, તો આપણે જોઈ ગયા એમ એ વળી નવી ચુનૌતી, બારીક સાહસ. जहल मुरक्कब અર્થાત્ compound ignorance. બમણી ગરબડ. કવિ વીરેન્દ્રનાથ ચક્રવર્તીએ એક રસિક ઉદાહરણ આપ્યું છે કે દિલ્લીથી કલકત્તા મોકલવામાં આવેલી આફૂસની છાબડી સાતમે દહાડે પહોંચશે અવશ્ય, પણ બેચાર કેરીઓ ગૂમ થઈ ગઈ હશે. આ reduction – હ્રસ્વીભવનની હકીકત બધા અનુવાદકોને અને વાચકોને ખબર છે જ. તો છાબડીની બાકી કેરીઓની જ મઝા લો ને, મારા ભાઈ! દેરિદાએ આવા જ કોઈ સંદર્ભે કહ્યું છે : Translation creates original text. It is productive writing called forth by the original text. તો અહીં આપણને પેલા વસવાયાં-વાળા મુદ્દાનો જવાબ મળી જાય છે. અનુવાદક એ સાહિત્યલોકનો કોઈ secondary citizen નથી. આનુપૂર્વી ક્રમે Chronological orderમાં એ ભલે બીજા ક્રમે ઊભો છે, પણ એ પણ કવિ છે, લેખક છે, સ્રષ્ટા છે, પોતાની વિશેષ capacityમાં, પોતાની અલગ શૈલીની originality – મૌલિકતા પ્રગટ કરતો. એ જ્યારે આ કામમાં પરોવાય છે ત્યારે લક્ષ્યભાષામાં એણે અંકે કરેલી સમગ્ર સિસૃક્ષા અને સૃજનશીલતાને પૂરી ક્ષમતાથી કામે લગાડે છે. એ મૂળ રચના સાથે અનુસંધિત અને અવલંબિત હોવા છતાં સ્વાયત્ત રચનાકાર છે. હવે હું વક્તવ્યના આરંભે વાંચેલી નજમ પર આવું. એના શાયર જનાબ મહમૂદ અહેમદ સહર ઉજ્જૈનના નિવાસી છે. હવે ૮૫ પાર કરી ચૂક્યા હશે. એમણે કાલિદાસની રચનાઓના ઉર્દૂ અનુવાદ કર્યા છે. મેઘદૂતના ઉર્દૂ અનુવાદ માટે એમને સાહિત્ય અકાદમીનું translation prize મળેલું. એ સમારોહમાં જ એમને મળવાનું થયેલું. મેં વાંચ્યા તે નઝમના અંશો તે કાલિદાસના ઋતુસંહારના શરદવર્ણનમ્-ના બે શ્લોકોનો ઉર્દૂ અનુવાદ છે. આ રહ્યા એ મૂળ શ્લોકો :

नृत्यप्रयोगरहितांशिखिनो विहाय

हंसानुपैति मदनो मधुरप्रगीतान् ।

मुक्त्वा कदंबकुटजार्जुनसर्जनीपान्

सप्तच्छदानुपगता कुसुमोद्गमश्रीः ॥

शेफालिकाकुसुंगंधमनोहराणि

स्वस्थस्थिताण्डजकुल प्रतिनादितानि ।

पर्यन्तसंस्थितमृगीनयनोत्पलानि

प्रोत्कण्ठयन्त्युपवनानि मनांसि पुंसाम् ॥

અહીં અનુવાદકે જે નીપજાવ્યું છે તે છે ગીર્વાણ ગિરાના લાવણ્યની સામે હુસ્ને રેખતા. આપણે સમશ્લોકી અનુવાદ વિષે સાંભળ્યું છે, પણ એ કિસ્સાઓમાં તો બંને ભાષાઓ પિંગળની એકસમાન systemને અનુસરતી હોય છે .. અહીં વિષમ પિંગળમાં છાંદસ અનુવાદ છે. સંસ્કૃત પિંગળના સામે પલ્લે અરૂઝ છે. આપણને અનુવાદ તો મળે જ છે પણ સાથે સાથે જાણે એક નવી કવિતા પણ મળે છે.

લગભગ બે દશકા પૂર્વે મને એક નાનકડું પુસ્તક મળેલું : Nineteen ways of looking at Wang Wei. લેખક એલિયટ વેઇન્બર્ગર. વાંગ વેઇ એ સાતમી સદીના પ્રશિષ્ટ બૌદ્ધ કવિ છે. Master Poet Of Tang Dynasty. એમની ચાર ચરણની એક નાનકડી કવિતાના જુદા જુદા ઓગણીસ અનુવાદકોએ કરેલા અનુવાદો પર એલિયટ વેઇન્બર્ગરે અનુવાદકળા સંદર્ભે ટીપ્પણઓ કરેલી છે. એમાં આવાં કેટલાંક વલણો તરફ ધ્યાન દોરેલું : Decorator’s delight, – અનુવાદને મૂળ પાઠથી વિશેષ સુશોભિત બનાવવાની કોશિશ. Over-reading / Misreading ગાંઠનું ઉમેરણ અને બાદબાકી. ભ્રાંતપઠન. Orientalization પૌર્વાત્યીકરણ ઈત્યાદિ. Fidelity to text, પાઠ પ્રત્યે વિનયશીલતા. Dissolution of Translator’s ego, અનુવાદકનું અહંવિગલન. વગેરે વગેરે. હવે આપણે ઝીણવટથી જોઈશું તો તરત સમજાશે કે આ નિરીક્ષણો writer-centtric અભિગમનું પરિણામ છે. અહીં કવિ કે લેખક એ sacred cow છે, અનુવાદકે એને ભક્તિભાવે સ્પર્શ કરીને હાથ મસ્તકે અડાડવાનો છે. પણ છેલ્લાં થોડાંક વર્ષોમાં તમામ પ્રકારનાં ‘So called Sacred’ શંકાના દાયરામાં આવી ગયાં છે. Text પ્રત્યેની વફાદારીના ખ્યાલોમાં પરિવર્તન આવી ગયું છે. પાઉન્ડ, રોબર્ટ બ્લી અને રવીન્દ્રનાથના કબીર તો હતા એમાં અગિયારેક વર્ષ પૂર્વે ઉમેરાયા અરવિંદ કૃષ્ણ મેહરોત્રાના કબીર : Songs Of Kabir.

એમાં મેહરોત્રા પેલા Fidelityના – કૃતિ-પરાયણતાના સિદ્ધાંતને નેવે મૂકીને કબીરના પદને નહીં, એના મર્મને જાણે (સમકાલીન વાચકને લક્ષમાં રાખીને) નવેસરથી અધુના ઇંગ્લિશમાં ‘પોતાની રીતે’ લખે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ લખે છે: ‘… But it is Mehrotra who has succeeded in capturing the ferocity and improvisational energy of Kabir’s poetry.’ તો વાત fidelity to text પરથી text improvise કરવા સુધી આવી ગઈ છે. અનુવાદકના અહંવિગલનનો છેદ ઊડી ગયો છે. અહીં તો સાત્ત્વિક અહંપ્રવર્તનની જરૂર પડે છે.

કબીરના અનુવાદની વાત નીકળી છે તો આગળ ચલાવીએ. આખા દેશમાં કબીર ગવાય છે, પણ એની text પ્રદેશ વિશિષ્ઠ છે. હું આ ઘટનાને પણ વ્યાપક રીતે અનુવાદની પ્રક્રિયા રૂપે જ જોઉં છું. એક બૃહદ્દ અને ગહન અપીલ ધરાવતા કવિને લોકસમૂહ ઝીલી લે છે ને પોતપોતાની પ્રાદેશિકતાના સંસ્પર્શથી એનો અનુવાદ રચી લે છે. એ કોઈ સમયમર્યાદામાં થયેલો અનુવાદ હોતો નથી. એક અર્થમાં એ સમય નિરપેક્ષ ક્રિયા છે. આપણે એને લોક-અનુવાદ કહી શકીએ. આમ તો મોટે ભાગે અનુવાદ એ વૈયક્તિક ઉપક્રમ હોય છે, ક્યારેક એકાધિક અનુવાદકોનો સહિયારો ઉદ્યમ હોય એવું પણ જોવા મળ્યું છે. સામૂહિક અનુવાદનું એક બીજું દૃષ્ટાંત પણ મને જોવા મળ્યું હતું .. અમેરિકન અનુવાદકોનું એક જૂથ છે ‘The New york Translation Collective’. એમાં અમેરિકન અને અરેબિક કવિઓ-અનુવાદકો સદસ્યો છે. એ જૂથ ચુસ્ત રીતે બંધાયેલું નથી ને પડકાર રૂપ જણાતી અરેબિક કૃતિઓના અનુવાદ માટે સામૂહિક મથામણ કરે છે.

બીજા એક અનુભવની વાત કરું : થોડાં વર્ષો પહેલા ગથે ઇન્ન્સ્ટિટ્યૂટના ઉપક્રમે જર્મન અને દક્ષિણ એશિયાઈ ભાષાઓના કવિઓના કાવ્યોના પરસ્પર અનુવાદના ‘Poets translating Poets’ પ્રકલ્પમાં ભાગ લેવાનું બનેલું. ઇંગ્લિશ ભાષાની મુખ્ય મધ્યસ્થી સ્વીકારવાની મનાઈ હતી. એકાદ દુભાષિયાની અધકચરી સવલત હતી. મૂળ કવિ સાથે સંવાદ અને ચર્ચા કરીને અનુવાદ નિપજાવવાનો હતો. દુભાષિયાની સહાયથી કાચું પાકું અંગ્રેજી જાણતા જર્મન કવિ સાથે ગાડું ગબડાવવાનું હતું. એ જર્મન યુવાકવિ કવિતાની પંક્તિ જરાતરા સમજીને એક ભડલી વચન ઉચ્ચારતા : આવા વાક્યથી તો જર્મન વાચક ભાગી જશે. ટૂંકમાં એમના ચિત્તમાં કવિના સ્થાને વાચક બિરાજમાન હતો : The cow was no more sacred.

કહેવાનું તાત્પર્ય એ કે અનુવાદને પણ એક બજારભોગ્ય marketable ચીજ સમજવાની હતી. ટૂંકમાં કૃતિપરાયણતાનો અભિગમ નેવે મૂકી વાચક પરાયણતાનો અભિગમ, ભદ્ર ભાષામાં કહીએ તો Reader-centric ને બજારુ ભાષામાં Customer-friendly approach – દાખવવાનો હતો.

અનુવાદકે ક્યારેક કોમન સેન્સ અને તાર્કિકતાથી પણ કામ લેવાનું હોય છે. એક રસપ્રદ ઉદાહરણ આપું : થોડાં વર્ષો પહેલાં એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈંગ્લિશમાં ઈંગ્લિશના અધ્યાપકોના અનુવાદ અંગેના એક સેમિનારમાં મેં સૌને ગુજરાતી અનુવાદ માટે આફ્રોઅમેરિકન કવિ એથરીજ નાઈટની એક કાવ્યપંક્તિ આપેલી. એ બ્લેક પોએટ ડ્રગનો પાકો બંધાણી. જેલમાં સજા કાપી રહ્યો હતો ત્યારે એ કારાવાસની કવિતા લખેલી. મેં સૌને ખાત્રી અને આશ્વાસન પણ આપેલું કે તમે બધા જ ભૂલ કરવાના છો. એટલે ખાસ ફિકર કરવાની જરૂર નથી.

‘I hitchhiked my way from LA with 16 caps in my pocket and a monkey on my back.’

કહેવાની જરૂર નથી કે બધાએ ગફલત કરેલી. મને પણ આ પંક્તિએ ઘણું મૂંઝવેલો. એ દેશના પ્રવાસ દરમિયાન મેં તો ‘પીઠે માંકડું વળગાડીને’ ફરતો કોઈ માણસ નહીં જોયેલો. વળી ગજવામાં સોળ સોળ ટોપીઓ (Caps) શા માટે ને કેવી રીતે? એ વાત પણ ગળે નહોતી ઊતરતી. એથી શબ્દશઃ અનુવાદ કરવાની જિગર નહોતી ચાલતી. છેવટે અમેરિકામાં ઠીક ઠીક વસવાટ કરેલા એક મિત્રને પૂછવાનું નક્કી કર્યું. એ પણ અજાણ હતા પણ એમણે મને અમેરિકન સ્લેંગ ડિક્શનરી આપી ને સમસ્યા હલ થઈ. Caps એટલે Capsules ડ્રગની. ને પેલું માંકડું તો સ્લેંગ રૂઢિપ્રયોગ હતો. નશીલી દવાના બંધાણીને આર્થિક સામાજિક રીતે જે ભારણ વેઠવું પડતું હોય છે તેનો સંકેત હતો. કહેવાનું તાત્પર્ય એટલું કે અનુવાદક ભલે bicultural ન હોય, પણ ઘણીવાર એણે સામાન્ય બુદ્ધિ અને તર્કના આશ્રયથી કામ સાધવું પડતું હોય છે.

અનુવાદના સંદર્ભે હાલમાં જ બનેલી એક સુખદ અતિ ચર્ચિત ઘટનાનો ઉલ્લેખ કરું :

ગીતાંજલી શ્રીને એમની હિન્દી નવલ ‘રેત સમાધિ’ માટે ‘આંતરરાષ્ટ્રીય બૂકર’ સન્માન મળ્યું. નંદ ઘેર આનંદ ભયો! બહેન નસીબદાર કે એ અનુવાદના પ્રકાશકનું છાપખાનું ઇંગ્લેન્ડમાં હતું. આપણને એ પણ ખબર છે કે બધી ઉત્તમ ચોપડીઓના પ્રકાશક ઈંગ્લેન્ડના નથી હોતા. તો ય આ લાઈમ-લાઈટ નિમિત્તે રાજી થવાનું એક કારણ છે તે વાચક-વ્યાપ્તિ. એક બીજુ કારણ પણ છે કે પહેલીવાર અહીં અનુવાદકને મૂળ સર્જકની સમતુલ્ય ગણીને એક પંગતે બેસાડીને પુરસ્કારની રકમ સરખે ભાગે વહેંચવામાં આવી છે. અહીં સાહિત્યિક વર્ણાશ્રમ-ધર્મના સિદ્ધાંતનો કે વસવાયાં જેવી કોટિનો છેદ ઊડી રહ્યો છે.

સાહિત્યની હિતસ્વી સંસ્થાઓને એક વાત ભારપૂર્વક કહેવાનું મન થાય છે: શૂકર બૂકર કે ફેસબૂકર પ્રાઈઝોને બાજુએ રાખીને કેવળ વાચકવ્યાપ્તિને લક્ષમાં રાખીને ગુજરાતી સાહિત્યમાં જે કૈં શ્રેષ્ઠ ને ઉત્તમ છે એને વિશ્વસાહિત્ય બનાવવા માટે ઉદ્યમ કરવાનો વખત ક્યારનો ય પાકી ગયો છે. હિન્દી અંગ્રેજીના કુશળ અનુવાદકોને આપણે ટહેલ નાખીએ.

ડબ્લ્યુ.એચ. મરવીનના એક અવતરણથી મારી વાતનું સમાપન કરું :

You look, you see, but you also watch

You listen, you hear, but you also eavesdrop on the text.

(Eavesdrop – બોલનારની જાણ બહાર ગુપ્ત રીતે અંગત વાત સાંભળી લેવી તે.)

(પરિસંવાદ માંહેનું વક્તવ્ય, ‘સાહિત્યત્વસંદર્ભે વિશ્વસાહિત્ય, તા. 24-08-2022, ગૂજરાત વિદ્યાપીઠ)

 

* * * * *

 

 

સાહિત્યત્વ કઠિનક્ષેત્રનું સાહસ

 – ચંદ્રકાન્ત ટોપીવાળા

(અધ્યક્ષ, પરિસંવાદ, ‘સાહિત્યત્વસંદર્ભે વિશ્વસાહિત્ય, તા. 24-08-2022, ગૂજરાત વિદ્યાપીઠ)

યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી સાહિત્ય અકાદમીએ તાજેતરમાં એક મહત્ત્વનો પ્રકલ્પ હાથ ધરી પૂરો કર્યો છે. આ પ્રકલ્પ સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં સ્વીકાર વક્તવ્યોને ગુજરાતીમાં રજૂ કરવાનો છે. આ અંગે અનેક અનુવાદકોનો સહકાર મેળવવાનો પ્રયત્ન થયો છે.

અલબત્ત, આ પ્રકલ્પને 1991થી 2016 પૂરતો મર્યાદિત રખાયો છે. પરંતુ તેમ છતાં ‘પરિષ્કૃતિ’ જેવા પ્રારંભમાં મુકાયેલા સંપાદકીય લેખમાં 1901થી શરૂ કરાયેલા નોબેલ પારિતોષિક અંગે બદલાતી આવતી નીતિ તેમ જ એમના પરિવર્તિત થતા અભિગમોના નિર્દેશ સાથેસાથે લેખકોના વક્તવ્યોથી ઊભા થતાં સાહિત્યપદાર્થ, આત્મભાન, સમાજદર્શન, દૃષ્ટિબિંદુ, સર્જનપ્રક્રિયા, ભાષા તેમ જ ભાવક અંગેના પ્રશ્નોની પણ સંપાદકીયમાં છણાવટ કરવામાં આવી છે. એ રીતે સંપાદકીય ખાસ્સા નિષ્કર્ષો તારવી શક્યું છે.

વળી, દરેક લેખકના વક્તવ્યને પ્રસ્તુત કરતી વેળાએ લીધેલી માવજત પણ ધ્યાન ખેંચે છે. દરેક લેખકના વક્તવ્યના આરંભે નોબેલ પારિતોષિક વિજેતાનું મુદ્રાંકન, વર્ષ, લેખકનું ચિત્ર, નામ, એની ભાષા તેમ જ સંસ્થાએ કરેલા મૂલ્યાંકનનો કોઈક અંશ ઉતારવામાં આવ્યો છે. પણ અહીં જ પ્રકાશનનની એક મોટી ક્ષતિ નજરે ચઢે છે. દરેક લેખના વક્તવ્યનો અનુવાદક કોણ એ જો તમારે જાણવું હોય તો તમારે લેખને અંતે જવું પડે છે.

વિશ્વસાહિત્ય ખરેખર તો એની વ્યાખ્યા પ્રમાણે જર્મન કવિ ગ્યોથે[Goethe]ના કાળથી એના અનુવાદકને કેન્દ્રમાં ખેંચી લાવે છે. વિશ્વસાહિત્યમાં અનુવાદ પ્રાણપ્રદ અવયવ છે. ખરેખર તો એમ કહેવાય કે વિશ્વસાહિત્ય એ અનુવાદોની નીપજ છે. એટલે પણ જોઈએ તો વિશ્વસાહિત્ય મૂળ કરતાં અનેકગણું દૂર રહ્યે રહ્યે પોતાને સંપાદન કરવાનો સમૃદ્ધ પ્રયત્ન કરે છે. યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું આ પ્રકાશન અનુવાદકને છેક છેડે પહોંચાડી દઈ વિશ્વસાહિત્યના મિજાજની વિરુદ્ધ ગયું છે. દરેક લેખને પ્રારંભે બધી જ વિગતો આવી શકે તો ત્યાં અનુવાદકનું સ્થાન મહત્ત્વનું બનાવવું ઘટે. આ ગ્રંથના પુન:પ્રકાશન વેળાએ અનુવાદકને એનું નિશ્વિત સ્થાન મળે એમ ઇચ્છીએ.

અહીં આ પ્રકલ્પમાં જુદાં જુદાં ક્ષેત્રોમાંથી, જુદા જુદા મિજાજના જુદી જુદી સમજણ અને તાલીમ પામેલાં અનુવાદકો એકઠાં થયાં છે. આ બધાંને એકઠા કરવા એ નાનુસૂનું કામ નથી, પણ સંપાદકોએ બને અનુવાદની સાહજિકતાને તપાસવી કે તપાસાવડાવવી અને એના ગુજરાતીપણાની પ્રતીતિ ઉપસાવવી અનિવાર્ય હતી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ વખતે વિશેષણઉપવાક્ય (adjective clause) અને ક્રિયાવિશેષણ ઉપવાક્ય(adverb clause)ને ગુજરાતીમાં કઈ રીતે ઉતારવા એ કસોટી માગે છે. વાક્ય ગુજરાતી બનવું જોઈએ. વાક્યે ગુજરાતી મિજાજ ઝીલવો પડે. અનુવાદનો આ પહેલો નિયમ છે.

આખા પુસ્તકમાં પ્રમાણમાં પીયૂષ જોશીનો અનુવાદ, અનુવાદના નિકષ તરીકે રાખી શકાય તેવો છે. યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી સાહિત્ય અકાદમી અનુવાદોના પ્રકલ્પોને ભવિષ્યમાં હાથ ધરે ત્યારે આવી સમજ સાથે ધરે તો પરિણામ આવ્યું છે, એથી વધુ રૂડું આવી શકે. યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી સાહિત્ય અકાદમીનું આવા કઠિન ક્ષેત્રનું સાહસ અભિનંદનને પાત્ર છે.

[નોંધ : નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત ન રહી શકતા દિલગીરી સહ મોકલાવેલું લિખિત વક્તવ્ય]

તા. 24-08-2022

* * * * *

 

સાહિત્યત્વ જેને શકવર્તી કહેવાય એવું વરદાન બની રહેશે 

– ઉષા ઉપાધ્યાય

(પ્રતિભાવ-પ્રવચન 1, પરિસંવાદ, ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય, તા. 24-08-2022, ગૂજરાત વિદ્યાપીઠ)

 

મંચ પર ઉપસ્થિત તમામ આદરણીય … નામ નથી લેતી સમય બચાવવા, પંચમભાઈ અને સૌ,

વિપુલભાઈ કલ્યાણી, બ્રિટનમાં રહે રહે એમણે ગુજરાતી ભાષાને એટલો બધો પ્રેમ કર્યો છે અને ‘ઓપિનિયન’થી સતત, સતત, સતત એ કામ કરતાં રહ્યા છે. અને આજે ગુજરાતી લિટરરી અકાદમી વતી પંચમભાઈ અહીં, ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદના આંગણે આવ્યા, ‘સાહિત્યત્વ’ પુસ્તકને લઈને આવ્યા ..!

પુસ્તકનું પ્રકાશન અને એનું પ્રસારણ બીજી અનેક રીતે થઈ શકે, પણ આજે ગૂજરાત વિદ્યાપીઠના આંગણે, અમારા આંગણે આવ્યા એનો મને ખૂબ આનંદ છે … અને સૌથી મોટી વાત – અહીંયાં જે અનુવાદને લઈને હરીશભાઈ [મીનાશ્રૂ] એ કેટલી સરસ ચર્ચા, under text, over text કરી અને પછી જે સામૂહિક રીતે અનુવાદ થતાં હોય એની વાત કરી એ શાસ્ત્રીયતાની બારીથી જોતાં પણ બહુ અગત્યની છે. માત્ર અનુવાદનું પુસ્તક નહીં પણ અનુવાદની પ્રક્રિયા, એની પણ ચર્ચા થઈ એ ખૂબ અગત્યનું છે. અને હું માનું છું કે ગુજરાતી ભાષામાં અનુવાદનું આ પુસ્તક, જેને શકવર્તી કહેવાય એવું વરદાન બની રહેશે, જેને self value કહેવાય એવું આ પુસ્તક બન્યું છે એનો આનંદ છે.

હું તો અહીંથી પુસ્તક ખરીદવાની જ છું અને જે પણ ખરીદવા સક્ષમ છે એને હું કહીશ કે આ પુસ્તક અચૂક વસાવવા જેવું છે. અમને આ લાભ ઘર આંગણે આપ્યો એ બદલ હું પંચમભાઈ, વિપુલભાઈ, અકાદમી અને સૌ વિદ્વાનોનો આભાર માનું છું. ધન્યવાદ.

* * * * *

 

મારી આંતરસમૃદ્ધિ ખૂબ વધી છે, વધશે અને આપની પણ વધો 

– સંજય શ્રીપાદ ભાવે

 

(પ્રતિભાવ-પ્રવચન 2, પરિસંવાદ, ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય, તા. 24-08-2022, ગૂજરાત વિદ્યાપીઠ)

 

મંચ પરના સહુ મહાનુભાવો અને વિદ્યાર્થીગણ,

મને ખબર છે સમય ઘણો ગયો છે.

કાર્યક્રમ લંબાય ત્યારે વિદ્યાર્થીઓની મન:સ્થિતિ સારી રીતે જાણતો હોઉં છું. ખાસ કરીને પલાંઠી વાળીને જ્યારે બેસવાનું આવે ત્યારે. પણ મને પંચમભાઈએ એવું કીધું કે તમે પ્રતિભાવ આપજો. મેં કીધું કે હા, હું વાત કરીશ, કારણ કે એક નવું પુસ્તક આવે એનો આપણા મનમાં ઉમળકો હોય. પ્રતિભાવ જવા દો, પણ હું પુસ્તક વિષે જે જે લાગ્યું એ અંગે મારી વાત બહુ ખુશીથી શૅર કરીશ.

સૌથી પહેલાં તો મંચ પરના સહુ, આપણે એકબીજાને જાણીએ છીએ એટલે સીધી પુસ્તકની વાત પર આવું તો મારે કહેવું છે કે આ પુસ્તકના સંપાદકો, બે સંપાદક કહેવાય છે. એક, અદમ ટંકારવી, જેને આપણે ઓનલાઇન સાંભળ્યા અને બીજા અહીંયા બેઠા છે એ પંચમભાઈ શુક્લ, તેઓ અત્યારે પરિસંવાદમાં ઉપસ્થિત ન રહી શકનારા અધ્યક્ષ ચંદ્રકાન્ત ટોપીવાળાનું વ્યાખ્યાન વાંચી ગયા. પંચમભાઈ, તમારું અને અદમભાઇનું અહીં પરદા પાછળનું કામ છે. આપ બંનેનું ખૂબ અભિવાદન કરું છું. પંચમભાઈનું આમ ભલે અહીંયા નામ છે પણ વકતા નથી. એ ધારે તો સૌથી વધારે કે સૌથી સરસ બોલી શકે, કારણ કે સંપાદન પાછળ ખૂબ મહેનત અદમભાઈ સાથે પંચમભાઈએ કરી હશે કે આવું સરસ પુસ્તક આપણને આપ્યું.

આ પુસ્તક એટલું સરસ છે …. પુસ્તક હાથમાં પકડી બહારથી જોઉં તો પણ મને ખૂબ આકર્ષે છે. મુખપૃષ્ઠ પર નોબેલ અકૅડમીનું મકાન અને ઉપસી રહેલો ચંદ્રક છે અને સરસ રંગ સોહે છે. આ પુસ્તકને લઈને તેને અંતિમ ઓપ આપનાર કેતન રુપેરાએ સંચાલનમાં વચ્ચે વચ્ચે વાત કરી. મને સૌથી વધારે જે મજા આવીને એ છે પુસ્તકનું નામ. ‘સાહિત્યત્વ’—આ શબ્દ સાહિત્યકારોએ, વિવેચકોએ સાંભળ્યો હશે, પણ મેં આ શબ્દ સાંભળ્યો નહોતો. ‘સાહિત્ય-તત્ત્વ’ મને ખબર હતી પણ સાહિત્યત્વ શબ્દ, આ બંને સંપાદકો અને આ પુસ્તક કરનારા લોકોએ ગુજરાતી ભાષાને આપ્યો છે. I will cherish that word. આ શબ્દ મારા હૃદયમાં અનુભવી રહ્યો છું. કાર્યક્રમની શરૂઆતમાં કેતને વાત કરી એ પ્રમાણે યોગાનુયોગ આજે નર્મદની જન્મજયંતી છે. નર્મદને આપણે બીજી ઘણી રીતે યાદ કરીએ છીએ. બહુ માનપૂર્વક યાદ કરીએ છીએ પણ આજે એની ‘કસ્તૂરી’ સાહિત્યત્વ શબ્દના સંદર્ભમાં એ છે કે—હું ભાષાશાસ્ત્રી નથી, પણ ગુજરાતી સાહિત્ય મારું છે ને નથી પણ. ખોટો હોઉં તો માફ કરજો પણ—ગુજરાતી ભાષાનો પહેલો systematic, પદ્ધતિસરનો કોશ, ચાર ભાગમાં, નામે ‘નર્મકોશ’, નર્મદે આપણને આપ્યો. ભાષા વિશેની આવી સભાનતા 28 વર્ષની વયે! મારી 55-56 વર્ષની જિંદગી છે, 28 વર્ષની વયે આ માણસે આપણને ગુજરાતી ભાષાનો શબ્દકોશ આપ્યો! આ પુસ્તક થકી આપણને ‘સાહિત્યત્વ’ નામે એક નવો શબ્દ મળે છે.

આ પુસ્તકમાંથી હું જ્યારે પસાર થતો હતો—પુસ્તક આખું વાંચ્યું એમ કહેવું એ મારા માટે જવાબદારી અને જોખમભર્યું કામ છે, કારણ કે પુસ્તક આખું વાંચ્યું એ કંઈક બીજી જ વાત છે. એના અનુવાદ વિશે judgmental બનવું, અનુવાદ વિશે categorical statement કરવું કે અનુવાદ સરસ છે કે આવું કંઈક કહેવું એ બહુ જવાબદારીભર્યું કામ હોય છે કારણ કે આવું જ્યારે આપણે, હું કહેતો હોઉં ત્યારે મૂળ અને અનુવાદ બંને મોટા હિસ્સામાં સરખાયેલા હોવા જોઈએ. આવી મારી પોતાની એક સમજ છે એટલે હું કહીશ કે પુસ્તકનાં પાનાં મેં ફેરવ્યા છે—ત્યારની મારી જે ઇમ્પ્રેશન છે, તે વિશેની વાત કહીશ.

આ પુસ્તક વિપુલભાઈ કલ્યાણીને અર્પણ કરાયું છે. આપણે એમને અહીંયાં વીડિયો રેકોર્ડિંગમાં જોયા-સાંભળ્યા. વિપુલભાઈ કલ્યાણી … થોડું લંબાવું તો માફ કરજો. વિપુલભાઈ કલ્યાણી માટે ‘અર્પણ’માં લખ્યું છે કે “બ્રિટિશ ગુજરાતીઓ ગુજરાતી સાંભળે, બોલે, વાંચે, લખે, જીવે તે માટે એમણે કરેલ અથાગ પુરુષાર્થની કદરરૂપે …” હું હજી ઉમેરીશ કે ગુજરાતીઓને, દેશાવરનાં કે એમના દેશનાં—‘ઓપિનિયન’માં મેં એક સરસ શબ્દ વાંચ્યો હતો, એ શબ્દ છે ‘વસાહતીનો જન ગણ મન’, [પંચમભાઈ સામું જોઈને] બરાબર?! એ જન ગણ મન ‘ઓપિનિયન’ થકી સરજ્યું અને માત્ર ભાષા નહીં … ના ભૂલીએ કે વિપુલભાઇએ એક Value System …. Humanity, Equality, fraternity, Secularism – આ મૂલ્યોનું જતન કર્યું છે. ‘ઓપિનિયન ઓનલાઇન’ થકી અત્યારે 80 વર્ષની ઉમરે પણ એ કરી રહ્યા છે. એટલે કદાચ, વિપુલભાઈ જેવા વ્યક્તિને અર્પણ થયું છે, બહુ યોગ્ય વ્યક્તિને અર્પણ થયું છે.

મારે એ પણ કહેવું જોઈએ કે આ પુસ્તકમાંથી જ્યારે પસાર થતો હતો ત્યારે કેટલા બધા દેશો, કેટલાં બધાં નામો, કેટલી બધી સંસ્કૃતિઓ, કેટલા બધા પ્રદેશો … આપણે ફિલ્મ થકી જેવી રીતે જોઈએ એવી રીતે આ વ્યાખ્યાનો થકી, આ પુસ્તક થકી હું જોતો રહ્યો છું એનો મને આનંદ છે. ચંદ્રકાન્ત ટોપીવાળાએ વ્યાખ્યાનમાં બહુ ટૂંકમાં, પણ બહુ precisely, પુસ્તકમાં જે value addition કર્યાં છે સંપાદકોએ અને કેતન રુપેરાએ—કેતન રુપેરાને હંમેશાં હું ‘છાપેલાં પાનાં પાછળનો કલાકાર’ કહેતો હોઉં છું—જેને પૂરક સામગ્રી કહેવામાં આવે છે તેની નોંધ લીધી છે. પુસ્તકને વાંચનીય બનાવવામાં તેનો મોટો ફાળો હોય છે. એ વાતને repeat નથી કરતો પણ એમણે બીજી જે વાત કરી છે, ઉચ્ચારણને લઈને, અને ક્યારેક વિવિધ ભાષી multi cultural contextમાં જ્યારે વાત કરતાં હોઈએ ત્યારે શબ્દોના proper nounsના, વ્યક્તિવાચક nounsના ઉચ્ચારો બહુ મહત્ત્વના હોય છે. Anton Chekhov માટે ગુજરાતીમાં  ‘ચેખવ’ બોલશો કે ચેહક બોલશો? [હસમુખ] બારાડીસાહેબ ચેહક કહે છે. ઘણા બધા ચેખવ કરે છે. એ જ રીતે [જર્મન કવિ Johann Wolfgang von Goethe માટે] ‘ગટે’ અને ‘ગથે’. ઉમાશંકર કદાચ ગટે કરે છે. તો આ proper nounsનું standardization / પ્રમાણીકરણ કરવું અને એ accept કરવું એ કેતને કર્યું છે. કેતને British Accent accept કરેલા છે અને ગુજરાતીમાં એનું સંવૃત્ત અને વિવૃત્ત માત્રાની સાથે, જોડાક્ષર સાથે લિપિયાંતર કરવું એ આ સંપાદકમંડળ માટે બહુ મહત્ત્વનું હોય છે અને એ એમણે બહુ જવાબદારીપૂર્વક, બહુ સભાનતાપૂર્વક કરેલું છે.

અશોક વિદ્વાંસના અનુવાદમાંથી હું અમસ્તો પસાર થતો હતો … સહેજ ધીરજ રાખજો. થોડી મજાની આ વાત છે. એમાં નેડીન ગોર્ડિમર[1], સાઉથ આફ્રિકન લેખક અંગ્રેજીમાં લખનારા, પહેલું જ વાક્ય અશોક વિદ્વાંસે આવું કર્યું છે, “નાદ-બ્રહ્મ સ્વરૂપે શબ્દ ઈશ્વરને આધીન હતો, એનું અસ્તિત્વ સર્જનમાં સમાયેલું હતું ….” એટલે અનુવાદનો સાંસ્કૃતિક પરિવેશ. આ વિચાર મારા મનમાં આવી ગયો. [વિદ્યાર્થીગણને ઉદ્દેશીને] સમજો છો ને તમે? નેડીન ગોર્ડીમર, સાઉથ આફ્રિકાના ઇંગ્લિશમાં લખતા લેખક, એના માટે આ ભારતીય દર્શનની પાર્શ્વભૂમિ હશે કે કેમ? ‘નાદ-બ્રહ્મ’ અથવા ‘બ્રહ્મન’ એ શબ્દ ભારતીય દર્શનનો છે. બરાબર ને! અને નેડીન ગોર્ડીમરના સમસ્ત જીવન પર, આ વાંચતાં વાંચતાં મેં નજર ફેરવી તો ભારતીય દર્શનોના અભ્યાસનો કોઈ નિર્દેશ મને મળતો નથી. એટલે ‘નાદ-બ્રહ્મ’ એ ક્યાંથી આવ્યું એ મને સહેજ ઉત્સુકતા હતી. પછી હું મૂળમાં ગયો. એ વાક્યના મૂળ અંગ્રેજીના બે જ વાક્ય અહીંયાં ટાંકીશ. ‘The word was with God, signify God’s world. The World that was creation.’[2] એટલે સાંસ્કૃતિક પરિવેશ, એક સાંસ્કૃતિક પરિવેશનાં શબ્દને બીજામાં કેવી રીતે મૂકવો, એનું આ બહુ રસપ્રદ દૃષ્ટાંત છે. હવે એનાં સાચા-ખોટાનાં લેખાંજોખાંનાં experts હશે. પણ મારી સમજમાં આ પુસ્તક બહુ જ રસપ્રદ પ્રકારનું રૂપાંતરણ છે.

બીજો એક અનુવાદ. દારિયો ફો-નો અનુવાદ મેં વાંચ્યો, તો એમાં વ્યાખ્યાનની અંદર ચિત્રો પણ reproduce કર્યાં છે. દારિયો ફો ઇટાલિયન લેખક છે[3] અને બહુ ક્રાંતિકારી લેખક છે. મજાકિયા gesture કરનારા લેખક છે. એમનું મોંઘવારી પરનું એક નાટક હિન્દીમાં ખૂબ પ્રસિદ્ધ થયેલું. તો એમના વક્તવ્યનો પ્રારંભ આમ છે :  “વિદૂષકો, કે જે ઠઠ્ઠા મશ્કરી અને અપમાન કરે છે, તેના વિરોધમાં” એટલે મને થયું કે આ શબ્દક્રમ કંઈક ગરબડિયો છે. આમ કેમ? હું હોઉં તો કદાચ એવું કરું કે “જે ઠઠ્ઠા-મશ્કરી મજાક કરે એવા વિદૂષકોના વિરોધમાં” પણ હું મૂળ વ્યાખ્યાનમાં ગયો અને મને સમજાયું કે આ જે exact phrase કે જેનો ઉલ્લેખ ટોપીવાળાએ કર્યો છે આ exact phrase વિશેષણનો શબ્દસમૂહ જ્યાં મૂક્યો છે, એ બરાબર વિદૂષકોને ઉપસાવવા માટે ત્યાં મૂકેલો હતો. અનુવાદ કેવી રીતે થાય છે તેનો બીજો એક રસપ્રદ દાખલો હું અહીં આપીશ. આમાં એક પ્રયોગ આવે છે.

 બૂડ બૂડ બૂડ બૂડ બોલે છાલક. એમાં બેઠેલા લોકો ડૂબ્યા.

હવે સવાલ એ આવે છે કે આનું ઇંગ્લિશ શું હશે? ઇંગ્લિશમાં તો ‘બૂડ બૂડ …’ હોય નહીં, તો શું? તો ત્યાં લખ્યું છે burble burble and splash. બૂડ બૂડ બૂડ છાલક, બરાબર! એટલે અનુવાદકો કેવા પ્રકારની સર્જક્તા વાપરી શકે છે. ભાષાના કેવા નવા પ્રયોગો તમને આપી શકે છે એનો આ દાખલો છે.

 Value additionની મેં તમને વાત કરી. કેતને પરિચયો લખ્યાં છે, સંપાદિત કર્યા છે. દરેક Nobel Laureateનાં પરિચય આ પુસ્તકમાં છે. આટલા ટૂંકમાં, અને છતાં મહત્ત્વપૂર્ણ બધી વિગત સમાવતા પરિચય લખવા એ સહેલાં નથી, બહુ જ પ્રયત્નોથી એણે એ કરેલું છે.

 હવે વાત કરું સંપાદકીયની, તો બહુ જ exhaustive, એવા પ્રકારનું સંપાદકીય છે. મોટા ભાગનાં વ્યાખ્યાનોનો નિચોડ એમાં આવી જાય છે. આ મુશ્કેલ કામ છે. પણ ટોપીવાળા સાહેબે જે વાત કરી—ટોપીવાળાસાહેબ એ વખતે ત્યાં લખતા હશે અને હું અહીંયા લખતો હતો—મેં કેતન સાથે પણ પહેલી વખત પુસ્તક જોયું ત્યારે કીધું હતું એમ, અનુવાદકોને તમે આટલાં low, આટલાં underneath કેમ રાખ્યાં છે? આ પુસ્તકનાં સંપાદકીયમાં જ અનુવાદનો જે મહિમા કરવામાં આવ્યો છે એ વાક્યો વંચાઈ ગયા છે, કે કાફ્કા જેવી કૃતિ તમને મળે વગેરે વગેરે. અનુવાદકોનો આટલો મહિમા તમે જ્યારે કરતાં હોવ—અને અનુવાદ પ્રવૃતિ જ, it is almost as creative, બરાબર?! અનુવાદની અમુક ચેષ્ટાઓ મેં પણ કરેલી છે. અનુવાદ કરવાની અને અનુવાદ તપાસવાની એટલે મને ખબર છે કે—ત્યારે આ નામો અનુવાદના છેડે મૂકવાં જેવાં ચોક્કસ નથી. કદાચ અનુવાદકના પાનાં ભરીને ફોટા છાપવાં જવા સુધી હું ના જઉં પણ અનુવાદકોને આટલાં low પ્લે કરવાં એ હું સમજું છું કે …. second edition છપાય, હું ઇચ્છું કે 1000 પ્રતો ખપી જાય, એમ કહેવું સાહસ જ છે, પણ આપણે ઇચ્છીએ કે નવી edition મળે તેમાં આ વસ્તુ કદાચ જોવા મળે. અહીંયા જે age group બેઠું છે એમાં હું તમને નિખાલસતાથી કહું કે આ મારો personal perception છે, મારું પોતાનું mind, મારો પોતાનો respond છે કે આ અનુવાદો વાંચનીય છે, અનુવાદકોએ ભાષા સાથે બહુ મથામણ કરી છે. ક્યાંક તત્સમ્ શબ્દો, ક્યાંક તદ્ભવ શબ્દો, ક્યાંક લોકબોલીના શબ્દો, ક્યાંક અંગ્રેજી શબ્દો એમના એમ …. આ બધી કસરતો તમને અનુવાદમાં દેખાય, આ બધા વ્યાયામો તમને અનુવાદમાં દેખાય. પણ All said and done—બહુ જ વાંચનીય અનુવાદો છે ….

…. પણ જો તમે આમાંથી રંજકતાની અપેક્ષા રાખતા હોવ, એમાં રસિકતાની અપેક્ષા રાખતા હોવ, એમાં હળવાશની અપેક્ષા રાખતા હોવ, એમાં કથાતત્ત્વની અપેક્ષા રાખતા હોવ … સાદી ભાષામાં કહું તો amusement કે entertainmentની અપેક્ષા રાખતા હોવ તો એ આ પુસ્તકમાં નથી. એટલા માટે નથી, કેમ કે દુનિયાના કેટલાક અત્યંત પ્રતિભાશાળી એવા સર્જકોએ પોતાની સર્જનપ્રક્રિયા, પોતાનાં પરિવેશની વાત કરી છે અને એ ગંભીર જ હોવાની. They are not popular lecturers. થોડાક નુસખા હોય ને થોડા જોકસ હોય એવાં આ વ્યાખ્યાનો નથી. They are serious lectures; they need your concentration, your interest, efforts; when you read it. એટલે આ ખ્યાલ સાથે તમે આ પુસ્તક પાસે જજો …. ખૂબ મળશે. હું માત્ર કેટલાંક પાનાંમાંથી પસાર થયો છું તો પણ મારી આંતર-સમૃદ્ધિ ખૂબ વધી છે, વધશે અને આપની પણ વધો.

તો, આ જે પ્રયત્ન છે અદમ ટંકારવી, પંચમભાઈ શુક્લ, વિપુલભાઈ, અકાદમી અને કેતન …. એ પ્રયત્નો લેખે લાગશે. આ વાતથી મારું અભિવાદન પૂરું કરું છું. આપ સૌનો આભાર.

[1] 1991નાં વર્ષનાં નોબેલ પારિતોષિક વિજેતા લેખિકા

[2] Courtesy : www.nobelprize.org/prizes/literature/1991/gordimer/lecture/

[3] 1997ના વર્ષના નોબેલ પારિતોષિક વિજેતા લેખક

 

* * * * *

છબીઝલક: