મહેન્દ્રભાઈ મેઘાણીનાં જીવનકવનને અંજલિ અર્પવાના ઉપક્મ રૂપે પ્રા. સંજય સ્વાતિ ભાવે સાથે એક બેઠક

વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી

– સંજય સ્વાતિ ભાવે

આદરણીય મહેન્દ્રભાઈ મેઘાણીને વંદન.

યુનાઇટેડ કિન્ગડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સહુને નમસ્કાર. આદરણીય વિપુલભાઈને નમસ્કાર.

ગુજરાતના લોકોત્તર વાચન-પ્રસારક મહેન્દ્રભાઈ મેઘાણી 20 જૂને 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એ અવસરે આપણું હોવું એ આપણું સદ્દભાગ્ય છે. ગુજરાતી વાચકો પર મહેન્દ્રભાઈના અનંત ઉપકાર છે.

સંજય ભાવે

મહેન્દ્રભાઈ એટલે લોકમિલાપનો પર્યાય. ઘરઆંગણે અને દેશાવરના પુસ્તક-રસિયાઓ માટે લોકમિલાપ એટલે લોકમિલાપ પ્રકાશન સંસ્થા; અને ગુજરાતના સૌરાષ્ટ્રનાં એક નાનાં સંસ્કારનગર ભાવનગરના નિવાસીઓ માટે લોકમિલાપ એટલે એક સુંદર પુસ્તકભંડાર. 26 જાન્યુઆરી 2020ના દિવસે વિદાયમાન થયેલા આ પુસ્તકભંડાર સાથે ભાવેણાનાં સેંકડો પુસ્તકરસિકોને ગાઢ લાગણીનો સંબંધ હતો. અત્યારે વીસેક વર્ષની ઉંમરની નવી પેઢી માટે ‘લોકમિલાપ’ ગુજરાતી ભાષાનાં ઉત્તમ પુસ્તકો અને સંગીતની ચૂંટેલી સી.ડી.પૂરાં પાડનાર ‘કૂલ બુકશૉપ’ હતી. પણ તે પહેલાંની અરધી સદી જેમણે જોઈ હોય તે સહુ પુસ્તકરસિયાઓ માટે ‘લોકમિલાપ’ એટલે ભાવવિશ્વનો એક સમૃદ્ધ હિસ્સો. કેટલા ય વાચકોનાં કિતાબી દુનિયામાં પગરણ કિશોરવયમાં ‘લોકમિલાપ’ની મુલાકાતોથી કે કૉલેજનાં વર્ષોમાં ત્યાંથી કરેલી પુસ્તકોની ખરીદીથી થયાં હતાં. ‘લોકમિલાપે’ ગયાં સિત્તેર વર્ષમાં બસો કરતાં વધુ પુસ્તકો પ્રકાશિત કરીને લાખો વાચકોને સત્ત્વપૂર્ણ સાહિત્ય ઘણી ઓછી કિંમતે પૂરું પાડ્યું. તદુપરાંત તેણે ગુજરાતમાં અને દેશવિદેશમાં પુસ્તક-મેળા કર્યા. પુસ્તક-મેળા શબ્દ મહેન્દ્રભાઈને કારણે લોકજીભે ચઢ્યો. ભાવનગરના તેના વાર્ષિક પુસ્તકમેળાની તો આખા ય પંથકના લોકો રાહ જોતા, અને મેળાના દિવસો જાણે અવસર બની જતા ! લોકમિલાપે ‘ફિલ્મ મિલાપ’ નામના ઉપક્રમ હેઠળ વર્ષો લગી ભાવનગરનાં બાળકોને મોટા પડદે નજીવા દરની ટિકિટમાં સુંદર ફિલ્મો બતાવી. ગુજરાતી વાચકો માટે 1950થી ઓગણત્રીસ વર્ષ સુધી ‘મિલાપ’ નામનું વાચન-સમૃદ્ધ માસિક ચલાવ્યું.

‘મિલાપ’ તે ‘લોકમિલાપ’નું પ્રારંભબિંદુ. ‘લોકમિલાપ’ના સ્થાપક-સંપાદક મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં ‘ગ્રંથના ગાંધી’ બિરુદ પામ્યા છે. ગયા સાત દાયકા દરમિયાન ‘લોકમિલાપ’ના બસો કરતાં ય વધુ પ્રકાશનોનાં નિર્માણની કામગીરી લગભગ સંપૂર્ણપણે મહેન્દ્રભાઈનાં શબ્દકર્મને આભારી છે. પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરવા માટેની સામગ્રીની પસંદગી તેમ જ તેની મઠારણીથી શરૂ કરીને પુસ્તક એક પણ ભૂલ વિના છપાય, બંધાય, ટપાલી કે દુકાનદાર થકી સમયસર તે વાચકના હાથમાં અને ત્યાંથી સોંસરું તેના હૈયામાં પહોંચે ત્યાં લગીની આખી ય સાંકળની દરેક કડીમાં ‘શબદના સોદાગર’ મહેન્દ્ર મેઘાણીની મંજાયેલી સમજ અને સખત મહેનત છે. પોણી સદીથી તેમણે પુસ્તકો તેમ જ સામયિકોનાં લખાણોનાં સંક્ષેપ, સંકલન, સંપાદન, પ્રકાશન, પ્રદર્શન અને નિવડેલાં સાહિત્યનાં સમૂહવાચન થકી વાચન-પ્રસારનું જે કામ કર્યું છે તે લોકોત્તર છે. તેમાં ન્યોછાવરી કે ત્યાગનો દાવો તેમણ્રે ક્યારે ય કર્યો નથી. પણ ટૉલ્સ્ટૉય-ગાંધી પ્રણીત ‘બ્રેડ-લેબર’ એટલે કે ઇમાનદારીપૂર્વકના સખત સતત ઉત્પાદક પરિશ્રમ દ્વારા વધુ સારી દુનિયા બનાવવાની કોશિશની વાત જરૂર કરી છે. ‘ઇતિહાસમાં બૅલટ કે બુલેટથી ક્રાન્તિઓ આવી હશે, ‘લોકમિલાપ’ બુક્સથી ક્રાન્તિ લાવવા ધારે છે’, એવું મહેન્દ્રભાઈનું જાણીતું કથન છે.

મહેન્દ્રભાઈ માટે પુસ્તક પ્રકાશન અને પ્રસાર એ વ્યવસાય નથી. આ વાત લોકમિલાપની પ્રકાશન પ્રવૃત્તિ અને તેનાં પુસ્તક ભંડાર બંનેને લાગુ પડે છે. મહેન્દ્રભાઈ સ્પષ્ટ કહે છે : ‘પુસ્તક અમારા માટે વેચાણની વસ્તુ નથી પણ સામાજિક પરિવર્તનનું સાધન છે.’ આ મૂલ્ય પરત્વે તેઓ કોઈ બાંધછોડ કરતા નથી અને એટલે જ એ ખુમારીથી કહી શકતા કે ‘અમે લેખકો કે પ્રકાશકો સાથે બંધાયેલા નથી. અમે વાચકો સાથે પણ બંધાયેલા નથી. વાચક માગે અને અમને જો લાગે કે તે યોગ્ય વાચન નથી, તો અમે તેને એ સામગ્રી પૂરી ન પાડીએ. અમે બંધાયેલાં છીએ અમારા અંતરાત્મા સાથે કે જેણે વાચકોની સેવા કરવાની નેમ લીધી છે. ઝવેરચંદ મેઘાણીએ ‘શબદના સોદાગરને’ કવિતામાં જે સાહિત્ય સર્જન માટે કહ્યું છે તે અમે વાચન સંદર્ભે અપનાવ્યું છે.’

જાણીને આશ્ચર્ય થાય કે લોકમિલાપના નફાનો સ્રોત તેના પોતાના પ્રકાશનોનું વેચાણ ન હતું, કારણ કે તે વેચાણ દ્વારા થતી આવકનો ઉપયોગ સંસ્થાના વિકાસ-પ્રસાર માટે કરવાનો હતો. વર્ષો લગી લોકમિલાપ સંભાળનારાં મહેન્દ્રભાઈના પુત્ર ગોપાલભાઈ અને તેમનાં પત્ની રાજુલબહેન સંસ્થાનાં પગારદાર કર્મચારીઓ હતાં.

લોકમિલાપ પુસ્તક ભંડારની આવક અન્ય પ્રકાશકોએ બહાર પાડેલાં પુસ્તકોનાં વેચાણ દ્વારા થતી. વળી તેમાં પણ ગમે તેવાં પુસ્તકો નહીં, પણ લોકમિલાપની મૂલ્યવ્યવસ્થા સાથે બંધબેસતાં હોય તેવાં પુસ્તકો. લોકમિલાપે પુસ્તક વેચવા માટે સ્વીકાર્યું એનું પ્રકાશકને ગૌરવ હોય, અને લોકમિલાપના ઘોડા પરનું પુસ્તક ઉત્તમ જ હોય તેવો વાચકને વિશ્વાસ હોય. લોકમિલાપે તેનાં નામ પ્રમાણે પુસ્તકો અને લોકો વચ્ચે મિલાપ કરાવ્યો. લોકમિલાપે આપ્યું એમ નહીં, પણ લોકોએ લીધું.’ લોકો એટલે જનસામાન્ય. Everyman I will go with thee’ એવું Everyman પ્રકાશનનું બોધવાક્ય મહેન્દ્રભાઈનું પણ બોધવાકય છે : ‘સામાન્ય માણસ મારો આરાધ્ય છે’. એમને જુગતરામ દવેએ અનુવાદિત કરેલી રવીન્દ્રનાથની કવિતા ખૂબ ગમે છે :

‘ચરણ આપના ત્યાં વિરાજે ચરણ આપના ત્યાં
સૌથી દલિત, સૌથી પતિત રંકનાં ઝૂંપડાં જ્યાં …’

સામાન્ય માણસોમાં રહેલાં અસામાન્યત્વમાં મહેન્દ્રભાઈને દૃઢ વિશ્વાસ છે : ‘સારું કામ કરો તો લોકો એમાં રસ લે છે એટલું જ નહીં પણ સહકાર સુધ્ધા આપે છે. સારું કામ અનેક લોકોના સદ્દભાવથી ચાલતું હોય છે. મહેન્દ્રભાઈ ઝવેરચંદ મેઘાણીને યાદ કરીને કહે છે કે મેઘાણીએ ગિજુભાઈને અંજલિ આપતાં કહ્યું હતું કે આપણને લોકો આપણી લાયકાત કરતાં વધુ સદ્દભાવ આપે એ મનુષ્ય જાતિની ગળથૂથી છે. મારો અનુભવ એમ કહે છે કે સારાં કામને ઝીલવા લોકો આપણે ધારીએ એનાં કરતાં વધુ તત્પર હોય છે.’

મહેન્દ્રભાઈ મેઘાણી

મહેન્દ્રભાઈને વિશ્વાસ છે કે લોકો પુસ્તકો વાંચે તો બદલાવ આવે. પણ લોકો પુસ્તકો વાંચતા નથી એની તેમને ખબર છે. એટલે લોકો જે કારણોસર પુસ્તકો વાંચતા નથી તે બધાં કારણોનું તેમણે લોકમિલાપ પ્રકાશન થકી નિવારણ કર્યું. લોકોને લાંબાં લખાણો વાંચવાનો સમય નથી એટલે મહેન્દ્રભાઈએ ટૂંકાં લખાણો આપ્યાં. પુસ્તકો મૂકવા માટે જગ્યા નથી, તો મહેન્દ્રભાઈએ નાનાં કદનાં છેક ખીસામાં સમાઈ જાય એવડાંક પુસ્તકો ય બનાવ્યાં. લોકો કહે છે કે ‘વાંચવાનું અઘરું પડે છે’, મહેન્દ્રભાઈએ કહ્યું ‘લો સરળ સોંસરું વાંચન’. લોકોએ કહ્યું રસ નથી પડતો, મહેન્દ્રભાઈએ કહ્યું કે ‘લેખકો કંઈ બધું કંટાળાજનક નથી લખતાં, લો હું તમારા માટે એકદમ સરસ લખાણો વીણી લાવ્યો છું’. આપણા દેશમાં કરોડો લોકોને ખરેખર પુસ્તકો પોષાતાં નથી એ જાણનાર મહેન્દ્રભાઈએ પુસ્તક પ્રકાશક તરીકે કરકસર અને સાદગીભર્યું જીવન સ્વીકારીને વાચકોને ઓછી કિંમતે પુસ્તકો પૂરાં પાડ્યાં. આ આખી ય વ્યવસ્થાને મહેન્દ્રભાઈ ‘પુણ્યનો વેપાર’ કહે છે. તેનાં રૂડાં ફળ ગુજરાતને મળ્યાં છે. વાંચવામાં રસ ધરાવતાં ગુજરાતનાં લગભગ દરેક સ્ત્રી-પુરુષ પાસે લોકમિલાપનાં પુસ્તકો છે.

મહેન્દ્રભાઈ મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનાં સંતાનોમાંના એક. ભાવનગર અને મુંબઈની શાળાઓમાં ભણીને, અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજ 1942માં અધવચ્ચે છોડીને પિતાની લેખનની અને પત્રકારત્વની પ્રવૃત્તિમાં સાથી બન્યા. 1948માં ન્યૂયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કરવા ગયા. ત્યાંથી ગુજરાતી દૈનિક ‘નૂતન ગુજરાત’ અને ‘જાન્મભૂમિ’ માટે નિયમિત લખાણો મોકલતા. 1950માં મુંબઈ પાછા આવીને કોઈ પણ ભારતીય ભાષામાં કદાચ પહેલવહેલું કહી શકાય તેવું ‘રિડર્સ ડાયજેસ્ટ’ ઢબનું ‘મિલાપ’ શરૂ કર્યું. તેમાં ઓગણત્રીસ વર્ષ લગી વિવિધ સામાયિકોમાંથી સુંદર સામગ્રી વીણીવીણીને અનુવાદ કરીને, ટૂંકાવીને, માવજત કરીને ગુજરાતી વાચકોને પૂરી પાડી.

મહેન્દ્રભાઈ 1951માં મુંબઈથી ભાવનગર આવ્યા અને 1954માં ‘લોકમિલાપ કાર્યાલય’ શરૂ કરી તેના પુસ્તક-ભંડાર દ્વારા પુસ્તકોનાં પ્રકાશન અને વેચાણનાં મંડાણ કર્યાં. ભણતરનું પ્રમાણ ઓછું હોય તેવા જમાનામાં ઓછી વસ્તીવાળા એક કસબામાં પુસ્તકોનો વ્યવસાય શરૂ કરવામાં ધંધાકીય સાહસવૃત્તિ ઉપરાંત પુસ્તક અને વાચનમાં આદર્શવાદી શ્રદ્ધા પણ હતી. લોકમિલાપે આરંભે ઝવેરચંદ મેઘાણીનાં ઇતિહાસપુસ્તકો અને તેમની કિશોરકથાઓ, તેમ જ કુમારવયના વાચકો માટે પોતે અંગ્રેજીમાંથી અનુવાદિત કરેલી સાહસકથાઓ જેવાં પુસ્તકો બહાર પાડ્યાં. 1968માં ‘લોકમિલાપ કાર્યાલય’નું ‘લોકમિલાપ ટ્રસ્ટ’માં રૂપાંતર કરીને તેને સારાં પુસ્તકોના પ્રચાર અને બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવા માટેની બિનધંધાદારી સંસ્થા બનાવી.

લોકમિલાપ પુસ્તક-ભંડારની સુવાસ ફેલાતી ગઈ. તેમાં મૂકવામાં આવતાં પુસ્તકોની પસંદગી, ગ્રાહક માટેની કદરબૂજ, સંચાલકોની અકૃત્રિમ સંસ્કારિતા અને એકંદર આહ્લાદક વાતાવરણને કારણે લોકમિલાપ વાચકો માટે મિલનસ્થાન, વાચનસ્થાન, પુસ્તકતીર્થ બનતું ગયું. તેમાં મહેન્દ્રભાઈ સાથે જુદા જુદા તબક્કે વત્તા-ઓછા સમયગાળા માટે તેમના ભાઈઓ નાનક અને જયંત તેમ જ દીકરો ગોપાલ અને દીકરી મંજરી જોડાઈને લગનથી કામ કરતાં રહ્યાં (નાનક, જયંત અને મંજરીએ પછી પોતપોતાના પુસ્તક-ભંડાર પણ કર્યા) મહેન્દ્રભાઈએ વીસેક વર્ષ પહેલાં ‘લોકમિલાપ’ પુસ્તક-ભંડારના રોજ બ રોજના કામમાંથી નિવૃત્તિ લીધી પછી પુસ્તકભંડારની બહોળી જવાબદારી અત્યારે 65 વર્ષનાં ગોપાલભાઈ અને તેમનાંથી એક જ વર્ષ નાનાં તેમનાં પત્ની રાજુ(રાજશ્રી)બહેન સંપૂર્ણ સમર્પિત ભાવે ભારે ખંત અને ચોકસાઈથી નિભાવી છે. એક સમયે અરવિંદભાઈ શુક્લ અને વલ્લભભાઈ ચિખલિયા ‘લોકમિલાપ’ના યાદગાર કર્મચારીઓ હતા. વર્ષો સુધી પુસ્તકભંડારની બહાર રોજનો એક સુવિચાર વાંચવા મળતો. કાળા પાટિયા પર ચૉકથી સુંદર અક્ષરોમાં લખવામાં આવતું અવતરણ ભાવેણાવાસીઓનું એક સંભારણું છે. એ દૈનિક સુવિચાર અને નવાં પુસ્તકોની સાપ્તાહિક યાદી ખૂબ નિષ્ઠાવાન કર્મચારી વલ્લભભાઈ લખતા.

પુસ્તકોનાં વેચાણમાંથી ધોરણસરની આવક થતી ગઈ એટલે સમાજ માટે ઘસાઈને ઉજળા થવામાં માનનાર મહેન્દ્રભાઈએ ‘નહીં નફો નહીં નુકસાન’નાં ધોરણે ઉત્તમ સાહિત્ય સસ્તા દરે લોકોને પૂરું પાડવા માટે જાણે ઝુંબેશ હાથ ધરી. ગુજરાતી સાહિત્યકૃતિઓની ઓછી કિંમતની આવૃત્તિઓ લાખોની સંખ્યામાં પ્રકાશિત કરી વિક્રમો સર્જ્યા. વળી,આ પ્રકાશનોમાં આગોતરા ગ્રાહક નોંધાતા હોવાથી, પ્રકાશન પહેલાં જ તમામ નકલો ખલાસ થઈ જતી ! ‘લોકમિલાપે’ ઝવેરચંદ મેઘાણીની પંચોતેરમી જયંતી નિમિત્તે 1972માં મેઘાણી સાહિત્યનાં ત્રણ પુસ્તકોનો સંપુટ ‘કસુંબીનો રંગ’ નામે પ્રકટ કર્યો, જેની એક લાખથી ય વધુ નકલોની આગોતરી વરધી નોંધાઈ. પછીનાં વર્ષે ‘આપણો સાહિત્યવારસો’ શ્રેણી હેઠળ પાંચ-પાંચ પુસ્તકોના ચાર સંપુટો ગ્રાહકો નોંધી પ્રકટ કર્યા, જેમાં વિવિધ લેખકોની કૃતિઓને ટૂંકાવીને લોકો સામે મૂકી. તેની સવા બે લાખ નકલો વાચકોએ વસાવી હતી. ‘વારસો’માં અનેક સર્જકો આવરી લેવાયા. કેટલાંક નામ આ મુજબ : કવિઓ – કલાપી, કૃષ્ણલાલ શ્રીધરાણી, નાન્હાલાલ, પ્રહ્લાદ પારેખ, સુંદરમ; વાર્તાકારો – ગિજુભાઈ બધેકા, દ્વિરેફ, ધૂમકેતૂ, શરદચન્દ્ર, ટૉલ્સ્ટૉય; નવલકથાકારોમાં – ઇશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ, ર.વ. દેસાઈ; ગદ્યકારોમાં – કાકા કાલેલકર, ચન્દ્રવદન મહેતા, જ્યોતીન્દ્ર દવે, રસિકલાલ ઝવેરી. આ બધા સંપુટોની ખાસિયત એ હતી કે ભૂલો વિના, ખૂબ સુઘડ રીતે છપાયેલાં, સાદગીભરી સુંદરતાવાળા મુખપૃષ્ઠો સાથેનાં, સાતસોથી નવસો પાનાંનું વાચન વધુમાં વધુ દસથી બાર રૂપિયામાં મળી રહેતું. એ જ ક્રમમાં લોકમિલાપે ઝવેરચંદ મેઘાણીની છ નવલકથાઓ સમાવતાં ત્રણ પુસ્તકોના, રવીન્દ્રનાથના સાહિત્યવારસાના છ પુસ્તકોના અને ત્રણ ગુજરાતી વાર્તાકારોના સંપુટ પણ સસ્તા દરે બહાર પાડ્યા. સ્વામી આનંદનાં ચૂંટેલાં લખાણોનો સંચય ‘ધરતીની આરતી’, ચારુચન્દ્ર ચક્રવર્તી ‘જરાસંધ’ની નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત નવલકથા ‘ઊજળા પડછાયા કાળી ભોંય’ જેવાં પુસ્તકો પણ નોંધી શકાય. પાંચ ગુજરાતી ચરિત્રગ્રંથોને ટૂંકાવીને મહેન્દ્રભાઈ તૈયાર કરેલાં ‘ચંદનનાં ઝાડ’ નામનાં છણ્ણું પાનાંના પાંચ રૂપિયાના (જેની બજાર કિંમત તેર રૂપિયા થાય) પુસ્તકનો એક લાખ નકલોનો પ્રિન્ટ ઑર્ડર ‘લોકમિલાપે’ આપ્યો હતો. કિશોરો માટેની વાર્તાઓના અને બાળકો માટેની ચિત્રકથાઓના સંપુટો પણ બહાર પડ્યા. બે નોખાં પુસ્તકોનો ઉલ્લેખ કરવો જોઈએ. ‘ચાલો બાળ ફિલ્મો બનાવીએ’ અને ‘લોક-ગંગા : ભારત-પાક સંઘર્ષ’ (1966). આ બીજાં પુસ્તકમાં 1965ના ઉત્તરાર્ધમાં થયેલા સંઘર્ષ અંગે ગુજરાતી અને અંગ્રેજી અખબારોમાં આવેલા પંચોતેર જેટલા ચર્ચાપત્રોનો સંચય છે.

‘કાવ્ય-કોડિયાં’નું પ્રકાશન એ તો ‘લોકમિલાપ’નું એવું કામ કે જેનો આટલાં વર્ષોમાં ભાગ્યે જ કોઈ સમાંતર જડે. ‘કાવ્ય-કોડિયાં’ એ કવિતાની રૂપકડી ખીસાપોથીઓ અર્થાત્‌ પૉકેટ-બુક્સ હતી. સરેરાશ સિત્તેર પાનાંની એક ખીસાપોથીમાં એક કવિની કવિતાઓ, અને દસ ખીસાપોથીઓનો એક સંપુટ જેનું સંપાદન એક અગ્રણી સાહિત્યકારે કર્યું હોય. એક સંપુટની કિંમત બારથી પંદર રૂપિયાની વચ્ચે. આઠમા આખા દાયકામાં ગુજરાતી કવિતાઓ ઘરે-ઘરે પહોંચી તે ખીસાપોથીઓ થકી. ખીસાપોથીઓની સાથે વળી ચાર ઇંચ x અઢી ઇંચનાં કદની ટચૂકડી કાવ્યકણિકાઓની લઘુખીસાપોથીઓ કરી. આવી ચાળીસ પાનાંની દરેકમાં એક કવિની સો નાની પંક્તિઓ દસ કવિઓનો એક એવાં ત્રણ સંપુટ, એક સંપુટની કિંમત પાંચ રૂપિયા.

ઘાટ-ઘડામણમાં થોડા ફેરફાર સાથે ખીસાપોથીઓની હારમાળા પછીનાં વર્ષોમાં, છેક હમણાં 2011 સુધી ચાલુ રહી. અનેક પ્રકારનાં લખાણો પરની ખીસાપોથીઓ આવી. શરૂઆતમાં ‘મેઘાણીની કિશોરકથાઓ’ અને ‘દાદાજીની વાતો’ આવી. પછી કિશોરીઓને મનોશારિરીક રીતે નાજુક વયમાં વાત્સલ્યમય સલાહ આપતી ખૂબ લોકપ્રિય ‘મુગ્ધાવસ્થાને ઉંબરે’ અને નાનાભાઈ ભટ્ટનાં જીવનનમાંથી શિક્ષણની સ્વાયત્તતાનો પ્રેરણાદાયી પ્રસંગ કહેતી ‘શિંગડાં માંડતાં શીખવશું’ ખીસાપોથીઓ આવી. અનેક પુસ્તકોનાં સંક્ષેપ ખીસાપોથી તરીકે આવ્યા : અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર, દર્શકનું ‘મારી વાચનકથા’, કાકાસાહેબનું ‘ઓતરાદી દીવાલો’ જયંત પાઠકનું ‘વનાંચલ’, ગ્રામસેવક બબલભાઈ મહેતાનું ‘મારી જીવનયાત્રા’ અને ગુજરાતનાં પહેલાં નર્સ કાશીબહેન મહેતાનું ‘મારી અભિનવ દીક્ષા’, જાપાની શિક્ષક સેઈક્યો મુચાકોનું ‘ઇકોઝ ફ્રૉમ અ માઉન્ટેઇન સ્કૂલ’ (પહાડી નિશાળના પડઘા) અને અન્ય. અવતરણો, વિચારમૌક્તિકો, કાવ્યકંડિકાઓ ને ટૂચકાની પણ ખીસાપોથીઓ કે તેનાથી થોડાં મોટાં કદની પુસ્તિકાઓ બની. તે બંનેની સંખ્યા પચાસે પહોંચી શકે. કિંમત અચૂકપણે દસ રૂપિયાથી ઓછી હોય, છેક 2016-17માં પણ ! ગયાં દસેક વર્ષમાં પંદર લાખ ખીસાપોથીઓ ગુજરાતી વાચનારા લોકોના ખીસામાં ગઈ છે !

લોકમિલાપ નામે એક મોટું મોજું હજારો ઘરો અને ગ્રંથાલયોમાં પહોંચ્યું તે 2003થી ચાર વર્ષ દરમિયાન બહાર પડતાં રહેલાં ‘અરધી સદીની વાચનયાત્રા’ના ચાર ભાગ થકી. પાંચસો જેટલાં પાનાંના દરેક ભાગની કિંમત પંચોતેર રૂપિયા, જેનો બજાર ભાવ ચારસો રૂપિયા હોય. દસ નકલોના પાચસો રૂપિયા. દરેક પુસ્તકમાં એક કે બે પાનાંનાં ઉમદા લખાણો. એ વર્ષોમાં જ્યાં જ્યાં પુસ્તકો હોય ત્યાં ‘અરધી સદી’નો કોઈ ને કોઈ ભાગ હોય જ. તેને સમાંતરે ‘રોજેરોજની વાચનયાત્રા’ના પાંચ ભાગ આવ્યા જેમાં સાઠ દિવસ સુધી રોજનું એક પાનું વંચાય એવી રીતે દરરોજનું પાંચ મિનિટનું વાચન આપવામાં આવ્યું.

‘વાચનયાત્રા’ પછીનાં તરતનાં વર્ષે મહેન્દ્રભાઈએ તેમના આજીવન આરાધ્ય મહાત્મા ગાંધી વિશેનાં લખાણોનાં બે સંચયો ‘ગાંધી-ગંગા’ (2007) નામે આપ્યા. અલબત્ત, આ પહેલાંના પચાસ વર્ષમાં લોકમિલાપે રાષ્ટ્રપિતા વિશેનાં મધ્યમ તેમ જ નાનાં અનેક પુસ્તકો કર્યાં જ હતાં. વળી, 2009માં ‘લોકમિલાપે’ ‘ગાંધીજીની જીવનયાત્રા એમના જ શબ્દોમાં’ નામનું પુસ્તક આપ્યું. તેમાં મહેન્દ્રભાઈએ ગાંધીજીનાં બે પુસ્તકો એટલે કે આત્મકથા અને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માંથી સંકલન અને સંક્ષેપ કર્યાં છે. કુલ સવા બે લાખ શબ્દોના બંને પુસ્તકોને તેમણે 58,000 શબ્દોમાં મૂક્યા છે. પાકા પૂંઠાના 185 પાનાંનાં આ પુસ્તકની ‘લોકમિલાપે’ જુદી જુદી સવલતો હેઠળ ચાળીસથી દસ રૂપિયા જેટલી કિંમત રાખી હતી. આ પુસ્તકની મહેન્દ્રભાઈએ કરેલી અંગ્રેજી આવૃત્તિ નવજીવન ટ્રસ્ટે બહાર પાડી છે. એ વખતે દીકરીને ત્યાં અમેરિકા ગયેલાં મહેન્દ્રભાઈએ એ પુસ્તક પ્રમુખ બરાક ઓબમાને પણ આપવા માગતા હતા !

ગાંધીજી પરનાં એક પુસ્તકનાં મહેન્દ્રભાઈએ ‘આંસુ લૂછવા જાઉં છું…’ નામે કરેલાં બેનમૂન સંપાદનને પણ યાદ કરવું રહ્યું. આ પુસ્તકમાં પ્યારેલાલ નૈયરનાં અંગ્રેજી પુસ્તક ‘ગાંધી : ધ લાસ્ટ ફેઝ’ના મણિલાલ દેસાઈએ ‘પૂર્ણાહૂતિ’નામે કરેલાં અનુવાદના ત્રીજા ભાગના છસો પાનાંને દોઢસો પાનાંમાં સારવીને મૂક્યો છે.

ડિજિટલ મીડિયાને કારણે વાચનમાં આવેલી ભારે ઓટની વચ્ચે પણ ‘લોકમિલાપ’નાં પ્રકાશનો પ્રકટ થતાં જ રહ્યાં. મેઘાણીનાં લોકસાહિત્ય પરનાં લખાણો પરથી ‘લોકસાહિત્યની વાચનયાત્રા’(2008)ના સાઠ પાનાંનું એક એવાં ચાર બહુ વાચનીય સંપાદનો આવ્યા. 1978માં સંકેલી લીધેલાં પેલાં ‘મિલાપ’નો ખજાનો ‘અરધી સદી’નાં હજારો પાનાં પછી પણ ખૂટતો ન હતો. એટલે તેમાંથી ‘મિલાપની વાચનયાત્રા’ (2013) નામે સરેરાશ દોઢસો પાનાંનું એક એવાં પાંચ પુસ્તકો કર્યાં, જેમાંથી દરેકની બબ્બે હજાર નકલો છાપી. એ જ વર્ષે બેતાળીસ પાનાંની ‘સાત વિચારયાત્રા’માં ગુજરાતનાં સાત ચિંતકોનાં લખાણો એકઠાં કર્યા. ચિંતકો આ મુજબ છે : ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, ગિજુભાઈ બધેકા, ગુણવંત શાહ, ફાધર વાલેસ, મનુભાઈ પંચોળી અને વિનોબા ભાવે. ‘અંતિમ વાચનયાત્રા’ તરીકે મહેન્દ્રભાઈએ સંપાદિત કરેલ પાંચસો પાનાંનું ‘ચરિત્રસંકિર્તન’ પુસ્તક બરાબર ત્રણ વર્ષ પહેલાં પ્રસિદ્ધ થયું. તેમાં ‘અરધી સદી’ના બધા ભાગમાંથી ચૂંટેલાં ‘સરસ માણસો’ વિશેનાં દોઢસોથી વધુ ચરિત્રલેખો, રેખાચિત્રો અને જીવનપ્રસંગો વાંચવા મળે છે. સવા ચારસો પાનાનું આ પુસ્તક ‘સંસ્કાર સાહિત્ય મંદિરે’ કર્યું છે, લોકમિલાપે નહીં. લોકમિલાપે ઘણું કરીને છેલ્લાં પ્રકાશન તરીકે 2015માં ‘ઝવેરચંદ મેઘાણીની વિચાર-કણિકા અને ઝવેરચંદ મેઘાણી : સ્મરણાંજલિ’ નામની ત્રીસ પાનાંની પુસ્તિકા બહાર પાડી. ગયાં વર્ષથી સંકેલો કરવાનાં આયોજન સાથે ખીસાપોથીઓ છાપવાની પણ બંધ કરી હતી. બાય ધ વે, મેઘાણીની 75મી જયંતી નિમિત્તે ‘કસુંબીનો રંગ’ નામે ત્રણ ખંડમાં પ્રસિદ્ધ કરેલી મેઘાણીની ચૂંટેલી કૃતિઓનાં 750 પાનાંના સંપુટની એક લાખ નકલો આગોતરા ગ્રાહક યોજનામાં જ નોંધાઈ ગઈ. આ આંકડો ધાર્યા કરતાં પચીસ હજાર વધુ હતો ! આ સંપુટની પ્રસ્તાવનામાં લોકમિલાપનાં પ્રકાશન અને વેચાણની અર્થવ્યવસ્થાનો ખ્યાલ ટૂંકમાં મળે છે. મહેન્દ્રભાઈ નોંધે છે : ‘પ્રજાના હૃદયને સ્પર્શે અને ખીસાને પરવડે તેવી યોજના તેની પાસે રજૂ કરીએ તો તે તેનો અણધારેલા ઉમંગથી જવાબ વાળે છે. 86% જેટલો ખરચ પુસ્તકનાં કાગળ-છપાઈ પાછળ થાય.બાકીના 14 %માંથી અરધી રકમ લેખકોના પુરસ્કારમાં અને અરધી વ્યવસ્થા ખર્ચમાં વપરાય. લોકમિલાપ ટ્રસ્ટ સામાજિક માલિકીની સંસ્થા છે. તેમાં નફાનો જેમ સવાલ ન હોય તેમ ખોટનો અવકાશ પણ ન રહે .કોઈના દાન કે સહાય પર એનો મદાર બાંધવો ન પડે એ રીતે બને તેટલું ઝીણવટથી આયોજન કરેલું હોય છે. યોજનાના હિસાબો દર વર્ષે પ્રગટ થતા રહે છે.’

‘લોકમિલાપ’નાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પરનાં કેટલાંક કામ ઓછાં જાણીતાં છે. 1969નાં ગાંધી શતાબ્દી વર્ષ દરમિયાન લોકમિલાપ ટ્રસ્ટે ‘ડિસ્કવરિન્ગ ઇન્ડિયા’ નામે એક પ્રદર્શનની યોજના તૈયાર કરી. તેમાં જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ બનેલી મુલ્કરાજ આનંદ, ઉમાશંકર જોશી અને ગગનવિહારી મહેતા જેવા સભ્યોની બનેલી એક સમિતિએ ભારતમાં પ્રગટ થયેલાં એક હજાર ચૂંટેલાં અંગ્રેજી પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો અને વિશ્વના પાંચ ખંડોના વિવિધ દેશોમાં સતત એક વર્ષ સુધી પુસ્તક પ્રદર્શનોનું આયોજન કર્યું. જેમાં યુરોપ અને અમેરિકાના દેશોમાં મહેન્દ્રભાઈ અને બીજા ખંડોમાં જયંતભાઈ ગયા. તેનાથી લોકમિલાપની શાખ એવી બંધાઈ કે તેમને પરદેશની સંસ્થાઓ પ્રદર્શનો માટે નિમંત્રણ આપતી. તેનો સ્વીકાર લોકમિલાપ એ શરતે કરતું કે સંસ્થાએ લોકમિલાપે પસંદ કરેલાં પુસ્તકોનો એક સેટ ખરીદવાનો, તેને પ્રદર્શન તરીકે લોકો સામે મૂકવાનો અને તેમાંથી ગ્રાહકો પુસ્તકોની વધુ નકલોના ઑર્ડર લોકમિલાપને આપે. તે મુજબનાં પુસ્તકો ભારતમાંથી લોકમિલાપની ખૂબ કાર્યક્ષમ લૉજિસ્ટિક વ્યવસ્થાને આધારે પરદેશના વાચક સુધી પહોંચે. પરદેશમાં લોકમિલાપના પ્રતિનિધિઓની રહેવા-જમવાની વ્યવસ્થા યજમાન સંસ્થા કરે અને પ્રવાસખર્ચ પુસ્તકોનાં વેચાણમાંથી નીકળે એવું આયોજન લોકમિલાપ કરતું.

મહેન્દ્રભાઈ મેઘાણી

પછીનાં વર્ષોમાં મહેન્દ્રભાઈએ લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ આફ્રિકા, યુરોપ અને અમેરિકાના દેશોમાં સતત પ્રવાસ કરીને ભારતીય સાહિત્ય દ્વારા આપણી કલા અને સંસ્કૃતિની ઓળખ જગતને આપવાની પ્રવૃત્તિ કરી. અમેરિકાથી માંડીને ન્યૂઝીલૅન્ડ અને સ્વીડન સુધીના દેશોમાં ગુજરાતી અને ભારતીય સાહિત્યનો પ્રચાર-પ્રસાર કર્યો. અનેક દેશોનાં સંગ્રહાલયો, જાહેર પુસ્તકાલયો, સંસ્થાઓમાં મહેન્દ્રભાઈ બાળસાહિત્ય અને કળાના સંપુટો ભરેલા થેલા ખભે નાખીને જતા. વળી, દેશ-વિદેશના વાચકો ભાવનગરનાં પુસ્તક ભંડારમાંથી ભારતીય પ્રકાશનોની માહિતી મેળવતાં અને પુસ્તકો મગાવતા. લોકમિલાપે 1970માં જર્મનીનાં વિશ્વવિખ્યાત ‘ફ્રેન્કફર્ટ બુક-ફેઅર’ અને ઇટાલીના ‘બોલ્યોના ચિલ્ડ્રન બુક ફેઅર’માં ભાગ લીધો હતો.

લોકમિલાપનો એક કિસ્સો તો બેનમૂન છે. 1979નું વર્ષ યુનેસ્કોએ આંતરરાષ્ટ્રીય બાળક વર્ષ તરીકે જાહેર કર્યું હતું. એ વર્ષની ઉજવણી કરવા મહેન્દ્રભાઈએ ભારતના વિવિધ પ્રકાશકોએ બહાર પાડેલાં બાળસાહિત્યનાં અંગેજી પુસ્તકોનો એક સેટ તૈયાર કર્યો. ત્યાર પછી મહેન્દ્રભાઈએ ‘એર ઇન્ડિયા’ને સૂચન કર્યું કે લોકમિલાપના બે પ્રતિનિધિઓને યુરોપ અને અમેરિકાના પ્રવાસ માટેની બે ટિકિટો ‘એર ઇન્ડિયા’ આપે. તેની સામે લોકમિલાપ એર ઇન્ડિયાને એટલી કિંમતના બાળસાહિત્યના સેટ આપશે. એ પુસ્તકોનું એર ઇન્ડિયા શું કરશે તેનો પણ અદ્દભુત વિચાર તેમણે કરેલો. તેમણે કંપનીના સંચાલકોને કહ્યું કે એ પુસ્તકો દુનિયાભરના દેશોમાં આવેલી એર ઇન્ડિયાની કચેરીઓમાં રાખવાં ને કચેરીમાં આવનાર યજમાન દેશનાં બાળકોને બાળવર્ષની ઉજવણી નિમિત્તે ભારતનાં બાળકો તરફથી ભેટ આપવાં. એર ઇન્ડિયાએ આ સૂચન તરત વધાવી લીધું, અને એ મુજબ યુરોપ-અમેરિકાના દેશોમાં લોકમિલાપના બે પ્રતિનિધિઓએ કુલ અગિયાર મહિના સુધી બાળસાહિત્યનાં પ્રદર્શનો યોજ્યાં.

મહેન્દ્રભાઈએ બાળકો અને કિશોરો માટે પણ પુસ્તકો આપ્યાં છે. આ વયજૂથના વાચકો માટે તેમણે વિદેશી કથાઓના અનુવાદ-સંક્ષેપોની એક આખી શ્રેણી આપી છે. જેમાં ‘ભાઈબંધ’, અત્યારે પણ ખૂબ વંચાતી ‘કોન ટિકી’, ભાઈ નાનકની સાથે કરેલી ‘તળાવડીને આરે’, ‘તિબેટની ભીતરમાં’, ત્રણ ચીની ચિત્રવાર્તાઓ ‘તિરંદાજ લી’, ‘ઉગા મહેતાજી’ અને ‘ચાંગ અને ચતુરા’. આ પુસ્તકો માટેનાં મૂળ ચીની ચિત્રોની શીટસ ચીનથી મગાવવામાં આવી હતી .ત્રણમાંથી પહેલું પુસ્તક પેકિન્ગ (હવે બેઇજિન્ગ) ખાતે આવેલાં વિદેશી ભાષા પ્રકાશન ગૃહ દ્વારા 1957માં બહાર પાડવામાં આવ્યું હતું. મુદ્રણ-પ્રકાશનના ઇતિહાસના એ તબક્કા સુધી તે ચીન દ્વારા પ્રકાશિત એક માત્ર ગુજરાતી બાળપુસ્તક ગણાય !

બાળકો માટે મહેન્દ્રભાઈએ પુસ્તકો તો આપ્યાં જ પણ બાળકોના રુચિઘડતરની દૃષ્ટિએ તેમને ‘ફિલ્મ મિલાપ’ નામના ઉપક્રમ દ્વારા ફિલ્મો ય બતાવી. સાઠના દાયકામાં દર રવિવારે એક રૂપિયાની ટિકિટમાં ભાવનગરનાં સેંકડો બાળકોને સુંદર ફિલ્મ જોવા મળતી. આ ઉપક્રમ દ્વારા બાળકોને નવા જમાનાનું સુરુચિપૂર્ણ મનોરંજન તો આપ્યું જ પણ સાથે તેમનામાં શિસ્ત, સમયપાલન, અને સમાનતાના સંસ્કાર પણ સીચ્યા. ફિલ્મ મિલાપની વિગતે વાત કરતાં મહેંદ્રભાઈના ચહેરાપણ આનંદ છલકાય છે :’ પ્રભુએ મારા કામનો બદલો ‘ફિલ્મમિલાપ’માં બાળકોનાં મળેલાં પ્રેમ દ્વારા જ આપ્યો છે. બાપુજી કહેતાં કે કયામતને દિવસે ભગવાન મારાં નામની બૂમ પાડે તો કહે ‘ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો?’ હું ઇચ્છું કે ભગવાન મારા માટે કહે ‘ક્યાં ગયો પેલો બાળાફિલ્મોવાળો ?’

લોકમિલાપના પુસ્તકનું મૂલ્ય આમ તો અમૂલ્ય હોય છે. એ હાથમાં લઈને પૂરું કરો ત્યાં સુધી દરેક ક્ષણે એક ગ્રંથજ્ઞ અને પ્રકાશન-મહર્ષીનો પરિસ્પર્શ અનુભવાય. વિષયવસ્તુની પસંદગી એક વિદગ્ધ વાચકની. એટલે માનવજીવનના આખા ય ભાવવિશ્વને સ્પર્શતું અને બધાં સ્વરૂપોમાં લખાયેલું સ્વચ્છ-સુંદર સાહિત્ય વાંચવા મળે. સામગ્રીના ચયન માટે મહેન્દ્રભાઇ પોતે ખૂબ વાંચે, તેમના બાપુજીએ કહ્યું હતું તે પ્રમાણે બેઠાં બેઠાં (સૂતાં સૂતાં) વાંચે. ‘મિલાપનાં પચાસ પાનાં માટે પાંચસો પાનાં વાંચવાં પડે.’ પોતે જેટલું વાંચે એટલું બધું વાચક સુધી પહોંચાડવાનો દુરાગ્રહ ન રાખે. સંપાદક તરીકે નિર્મમપણે તારવણી-સારવણી કરે. મહત્ત્વનું એ છે કે જનસામાન્યનું જીવન, તે જીવનનું પ્રતિબિંબ ઝીલનાર સાહિત્ય અને તે સાહિત્યની જનસમાન્યના જીવનને સુંદર બનાવવાની ક્ષમતા – આ ત્રણ ઘટકો વચ્ચે સંવાદિતા મહેન્દ્રભાઈ સાધી શકે. ‘મિલાપ’ના પહેલાં અંકમાં તેમણે નોંધ્યું છે : ‘ચોપાસની દુનિયા વિશે જ્ઞાન વધારનારા, સાદા, સમજી શકાય તેવાં વાચનની જરૂરિયાત પૂરી કરવા ‘મિલાપ’ પ્રયત્ન કરશે.’

મિલાપના અંકોની સાથે પુસ્તક નિર્માણ માટે પણ સૂઝપૂર્વકનો પરિશ્રમ કરે. યાદ કરીએ ગાંધીજીને : ‘નાનામાં નાનાં કામમાં તમારો આત્મા રેડો, યોગ: કર્મસુ કૌશલમ’નો એ જ અર્થ છે.’ પુસ્તકના આકાર, કદ, પાનાંની સંખ્યા, છપાઈ, બાંધણી એમા અનેક પાસાંમાં પ્રમાણભાન જાળવે. મુખપૃષ્ઠ પરનાં ચિત્રો કે ભાતનો સામાન્ય વાચકની ઘરઘથ્થુ કલારુચિ કે પુસ્તકના વિષય સાથે સંબંધ હોય. માહિતીપૂર્ણ પૂંઠાં અને પરિશિષ્ટોમાં હકીકતદોષ ન જોવા મળે, છાપભૂલ ન થાય તેની ખૂબ કાળજી રાખે. અનુવાદક, સંક્ષેપકાર કે સંપાદક તરીકેની નોંધ સચોટ અને લાઘવપૂર્ણ શૈલીમાં લખે. તેમની શૈલી સરળ અને સંઘેડાઊતાર. તેમના ગુજરાતી અને અંગ્રેજી બંને લખાણોમાં બિબ્લિકલ સિમ્પ્લિસિટી જોવા મળે. તેમણે ગુજરાતી લિપિ સરળ બને તે માટે એકલપંડે ખૂબ પ્રયત્નો કર્યા. તેમનું અંગત લખાણ તેઓ હંમેશાં તેમની પરિકલ્પના મુજબની સરળ લિપિમાં જ કરતા.

લોકમિલાપની ગયાં વીસેક વર્ષની સિદ્ધિઓના, કદાચ મહેન્દ્રભાઈ કરતાં ય ચાર વેઢા વધારે યશભાગી ગોપાલભાઈ અને રાજુ(રાજશ્રી)બહેન છે. ‘અરધી સદી’નાં ઑર્ડર તો સેંકડાના આંકડામાં અને ખીસાપોથીના હજારના આંકડામાં આવતા. તે બધાને લોકમિલાપનાં શિસ્ત અને સમયપાલન સાથે ગ્રાહકોને પહોંચાડવાનું કામ આ દંપતીએ અપાર પરિશ્રમથી પાર પાડ્યું છે. મહેન્દ્રભાઈએ કરીને મૂકેલાં સંપાદનોને પુસ્તકનું અંતિમ સ્વરૂપ તો ગોપાલભાઈને લીધે જ મળતું. ઉપરાંત લોકમિલાપ માટે થઈને આ દંપતીએ સુખચેન, મોજશોખ, આનંદપ્રમોદ, પ્રસંગ-પ્રવાસ, સાવ અનુભવ્યા નહીં હોય એવું કદાચ નથી. પણ તેમનાં જીવનની અગ્રતા લોકમિલાપ પ્રકાશન અને પુસ્તક-ભંડાર હતાં એ જોઈ શકાતું હતું. તેમનાં ઉજમ અને તરવરાટ જાણે આખા ય પુસ્તક ભંડારને અજવાળેલો રાખતા.

લોકમિલાપે વિદાય લીધી તે 26 જાન્યુઆરી 2020ના દિવસે જાણીતા સંશોધક-સંપાદક ઉર્વીશ કોઠારીએ મહેન્દ્રભાઈ પર તૈયાર કરેલાં એક અનોખા પુસ્તકનું ભાવનગરમાં લોકમિલાપના પ્રાંગણમાં મહેન્દ્રભાઈના કેટલાક ચાહકોની હાજરીમાં ખાસ કોઈ ઔપચારિકતા વગર પણ ખૂબ ભાવપૂર્વક પ્રકાશન કરવામાં આવ્યું. આ પુસ્તકનો મુખ્ય હિસ્સો ઉર્વીશે લીધેલી મહેન્દ્રભાઈની અંતરંગ મુલાકાતનો છે. તેમાં મળતી માહિતી ઠીક ઓછી જાણીતી છે. પિતા અને માતાઓ સાથેનાં મહેન્દ્રના સંબંધ, બીજી માતા માટે સમભાવનો અભાવ, લેખન-પ્રકાશનની તાલીમનાં વર્ષો, પિતાના અવસાન પછી તેમની ચિતામાં કૂદી જવાની ઇચ્છા, આઝાદ હિંદ ફોજના અફસરો પર ચાલેલા કેસનું ‘લાલાકિલ્લાનો મુકદ્દમો’ પુસ્તક, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી અને જયપ્રકાશના આંદોલન દરમિયાન ‘મિલાપ’ના સંપાદકની ભૂમિકા, બાળકો માટેની ‘ફિલ્મ મિલાપ’ પ્રવૃત્તિ, લિપિ સુધારણાની કોશિશ, ગાંધી ટોપી, દીકરાનું અબુલ એવું નામકરણ અને અન્ય. મુલાકાતને અંતે મહેન્દ્રભાઈ એ મતલબનું કહે છે કે સરકાર આત્મહત્યાને ગુનો ગણતો કાયદો જો દૂર કરે તો ‘મારે પહેલો એનો અમલ કરવો છે’ ! મુલકાત ઉપરાંત પુસ્તકમાં બે આગત્યની બાબતો મળે છે : મહેન્દ્રભાઈનો જીવનક્રમ અને તેમણે કરેલાં તમામ પુસ્તકોની યાદી મળે છે.

ઇન્ટરવ્યૂનો એક બહુ રસપ્રદ હિસ્સો મહેન્દ્રભાઈએ 1948માં કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વના અભ્યાસ નિમિત્તે અમેરિકામાં કરેલા એક વર્ષના વસવાટને લગતો છે. તેઓ નવા જ સ્થપાયેલા યુનાઇટેડ નેશન્સની ઓફિસની કાર્યવાહીમાં વારંવાર હાજરી આપતા, તેમનાં પ્રિય અખબારો ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ તેમ જ ‘ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર’નું સઘન વાચન કરતા અને મુંબઈના જન્મભૂમિ જૂથના ‘નૂતન ગુજરાત’ અખબારમાં તેના એક્રેડિટેડ કૉરસપૉન્ડન્ટ તરીકે ‘અમેરિકાની અટારીએથી’ કૉલમ લખતા.

એપ્રિલ-જૂન 2015ના ગાળામાં મહેન્દ્રભાઈ અમેરિકાની અટારીએથી ‘મન્રો ડાયરી’ લખતા. અમેરિકાના ન્યુ જર્સીના મન્રોમાં તેમનાં દીકરી અંજુબહેનને ત્યાં એ દર વર્ષે ચાર-છ મહિના રહેતા. મહેન્દ્રભાઈનાં લખાણો કેટલાક વાચકસ્નેહીઓને અંજુબહેન બહુ સુઘડ રીતે મેઇલ કરતાં. ડાયરીમાં મોટે ભાગે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના લેખોના સંક્ષેપો કે તાજેતરમાં ગમી ગયેલાં પુસ્તકોમાંથી સારવેલા અંશોનો સમાવેશ થાય છે.

પહેલી એપ્રિલથી ચાલેલી ‘મન્રો ડાયરી’ના લખાણોમાં પોણી સદીથી અચૂક જળવાયેલ વાચનની પૅશન, રુચિવૈવિધ્ય, જાહેર જીવન માટેની નિસબત અને માનવતાવાદી મૂલ્યો દેખાય છે. ડાયરીમાં મોટે ભાગે ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના લેખોના સંક્ષેપો કે તાજેતરમાં ગમી ગયેલાં પુસ્તકોમાંથી સારવેલા અંશોનો સમાવેશ થાય છે. જેમ કે, અન્ય લેખકોની કૉપી પર ભાષા અને રજૂઆત, સંશોધન અને સંમાર્જનના કામ માટે સુખ્યાત મેરિ નૉરિસ અને વિલ્યમ ઝિન્સર પરનાં લેખો મહેન્દ્રભાઈએ ટૂંકાવ્યા છે. આર્થ્રાઇટીસ અને આકંઠ જીવન વિશેનાં લખાણો છે. લિંકનની હત્યાના દોઢસોમા સ્મૃતિદિનના અનુસંધાને લિંકનના અંતિમ પ્રવાસ વિશે અને અમેરિકાના મોટાભાગના પ્રમુખો પરના તેમના પ્રભાવ વિશે વાંચવા મળે છે. દેશકાળની સભાનતા સતેજ છે. વૈશ્વિક રાજકારણને લગતો ‘ન્યુ ડિક્ટેટર્સ રૂલ બાય વેલેવેટ ગ્લોવ્ઝ’ લેખ છે. મન્રોમાં ય મહેન્દ્રભાઈને ભારતના કોમવાદની ચિંતા છે. ભાવનગરમાં એક મુસ્લિમ પરિવારને હિન્દુ વિસ્તારમાંથી ઘર છોડવાની ફરજ પાડવામાં આવી તે અંગે બારમી એપ્રિલના ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના એક લેખની સારવણી મન્રો ડાયરીમાં છે. અત્યારે શાંતિસૈનિક બનેલા બીજા વિશ્વયુદ્ધના જાપાની બૉમ્બર પાયલોટ કનામા હારોડાની વાત છે. નિર્ભયા અત્યાચાર પર ન્યુયૉર્કમાં એક મહિના પહેલા ભજવાયેલા નાટકનું અવલોકન છે. કુરાન બાળવાના કથિત આરોપ માટે કાબુલમાં ઓગણીસમી માર્ચે જાહેરમાં જેની હત્યા થઈ તે મહિલા ફર્ખુન્દા પરના અત્યાચારના કર્મશીલોએ કરેલા ‘રિઍનેક્ટમેન્ટ’ની મહેન્દ્રભાઈ નોંધ લે છે. પુસ્તકોની દુકાનો અને ગ્રંથવિક્રેતાઓ વિશેના લેખો મહેન્દ્રભાઈની નજરે ન પડે તો જ નવાઈ. મન્રોના જાહેર ગ્રંથાલયોમાં જઈને તેમને ગમેલાં પુસ્તકોમાંથી નોંધો ચાલતી રહે છે. તેમાંનાં કેટલાંક પુસ્તકો છે : ‘એન વાય ટી પે ઇ જ વન’, ‘ચાર્લ્સ ચૅપ્લિન, ધ જિનિયસ ઑફ સિનેમા’, ‘ રિડર્સ ડાઇજેસ્ટ બાઇબલ’, ‘ઓબામા ધ હિસ્ટૉરિક જર્ની’.

‘લાઇબ્રેરી ઇન અમેરિકા’ પુસ્તક મહેન્દ્રભાઈના મનમાં વસી ગયું. તેમાં અમેરિકામાં સદીઓથી ચાલતાં જાહેર ગ્રંથાલયોની ચારસો છબિઓ અને નોંધપાત્ર વિગતો છે. આ પુસ્તકને અંતે એક અવતરણ છે : ‘ગ્રંથાલયો એ સ્વવિકાસ માટેનાં તીર્થધામ છે. એ સૌથી ઓપન યુનિવર્સિટીઓ છે કે જ્યાં પ્રવેશ માટે પરીક્ષાઓ નથી અને ઉંમરનો કોઈ બાધ પણ નથી.’ મહેન્દ્રભાઈ લખે છે : ‘આ શબ્દોએ બાણુંમા વર્ષે મને મન્રોની લાઇબ્રેરીની આ ઓપન યુનિવર્સિટીમાં દાખલ થઈને તેમાં દરરોજ ત્રણ કલાક વીતાવવાની પ્રેરણા આપી.’

જાહેર જીવન માટેની ઊંડી નાગરિક નિસબત સાથે મહેન્દ્રભાઈએ કરેલાં કેટલાંક કામ વિરલ અને ઓછાં જાણીતાં છે. તેમાંથી કેટલાક જોઈએ. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારથી મહેન્દ્રભાઈ એમના ટીકાકાર રહ્યા છે. એક અંગ્રેજી લેખનો અનુવાદ કરીને તેની નીચે પોતાનું અનુવાદક તરીકે નામ મૂકીને મેઘાણીસૂતે લખ્યું હતું : ‘ગુજરાતની જનતા તેને (નરેન્દ્ર મોદીને) શાસન ચલાવવા માટે અયોગ્ય ઠેરવે. ખૂબ સાફ કહી દે કે કોમી વેરપિપાસામાં કોઈ જ ગૌરવ રહેલું નથી, નકરી લ્યાનત જ છે.’

આ શબ્દો મહેન્દ્રભાઈએ સપ્ટેમ્બર 2002માં બહાર પાડેલી એક પત્રિકાના છેલ્લા વાક્ય તરીકે છે. પત્રિકાનું શીર્ષક છે ‘જનરલ ડાયરની ગૌરવયાત્રા’. એમાં જાણીતા કટારલેખક સ્વામીનાથન અંકલેસરિયા ઐયરે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં 15 સપ્ટેમ્બર 2002ના રોજ લખેલા લેખનો અનુવાદ છે. લેખનો સંદર્ભ નરેન્દ્ર મોદીએ ગોધરાકાંડને પગલે થયેલા હિંસાચાર પછી આઠમી સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના ફાગવેલથી એક ‘ગૌરવયાત્રા’ કાઢી હતી જેમાં એમણે ભારોભાર ઉશ્કેરણીજનક કોમવાદી ભાષણ કર્યું હતું. અંકલેસરિયા ઐયરે આ ગૌરવયાત્રા અને જનરલ ડાયરે દસમી એપ્રિલ 1919માં પંજાબમાં ભારે રમખાણો થયાં હતાં ત્યારે અંગ્રેજી લશ્કરે કરેલી કૂચની સરખામણી કરી છે. પંજાબમાં મારસિયા શરવૂડ નામના અંગ્રેજ મિશનરી મહિલા દાકતરને તોફાનીઓએ માર મારેલો. જનરલ ડાયરે આ હુમલામાં ‘અંગ્રેજ ગૌરવભંગનું પ્રતીક’ જોયું. ઐયર લખે છે : ‘બ્રિટિશ ગૌરવભંગની પુનર્સ્થાપના કરવા એ કૃતનિશ્ચયી બન્યો. ત્રેંશી વર્ષ પછીના નરેન્દ્ર મોદીની જેમ, બીજી કોમને એ કદી ન ભૂલાવે તેવો પાઠ ભણાવવા માગતો હતો. એટલે પોતાના લશ્કરને લઈને જલિયાનવાલા બાગ સુધીની એક ટૂંકી ગૌરવયાત્રાએ જનરલ ડાયર નીકળી પડ્યો. ત્યાં એ લશ્કરે ગોળીઓ ચલાવી તેમાં 379નાં મોત નીપજ્યાં અને 1600 ઘવાયા. … જલિયાનવાલા અને ગુજરાત વચ્ચે રહેલું સામ્ય સાફ જોઈ શકાય તેવું છે. ગુજરાતમાં પણ એક પક્ષની હિંસાનો સામનો જંગલિયાતભરી વેરપિપાસાથી કરવામાં આવી રહ્યો છે.’ ઐયર માહિતી આપે છે કે ઇંગ્લેન્ડમાં ડાયરના ટોળાંબંધ પ્રશસંકો અને ટેકેદારો હતા છતાં બ્રિટિશ સરકારે ડાયરને બરતરફ કર્યા. ગુજરાતની જનતાએ પણ નરેન્દ્ર મોદીને જાકારો આપવો જોઈએ. ઉપર્યુક્ત લેખની સેંકડો પત્રિકાઓ લઈને રૅડિકલ હ્યુમૅનિસ્ટ યુવાનની જેમ મહેન્દ્રભાઈ ભાવનગરમાં વહેંચવા નીકળ્યા હતા. અગિયાર વર્ષ પહેલાંના અત્યંત ખતરનાક માહોલમાં પરિવારજનોએ માંડ એમને વાર્યા. એટલે પછી એ પત્રિકાઓ ટપાલ દ્વારા મોટો ફેલાવો કર્યો. એટલું જ નહીં પણ ‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ભાગમાં તેને લેખ તરીકે મૂકીને એક પદાર્થપાઠ કાયમ કરી દીધો. વિવાદ સામે ઝૂકી પુસ્તકોને પલ્પ કરી નાખવાના દિવસોમાં તો સેક્યુલારિઝમના મૂલ્ય માટે વિવાદ જ નહીં પણ સંભવિત જોખમેય વહોરી લેનારા મહેન્દ્રભાઈ જુદી જ માટીના બનેલા છે. આ લખનારની દૃષ્ટિએ આપણે ત્યાંના જાહેરજીવન, બૌદ્ધિક જીવન, પ્રકાશનવિશ્વમાં નહીંવત નોંધાયેલી આ અજોડ ઘટના છે. તેની પાછળની રાજકીય સભાનતા, નાગરિક નિસબત,નિર્ધાર અને નીડરતાનો ગુજરાતમાં જોટો જડે તેમ નથી.

ગૌરવયાત્રાની પત્રિકામાં કર્તવ્યકઠોર નાગરિકતા બતાવતાં પહેલાં મહેન્દ્રભાઈએ ક્રૌર્ય વચ્ચે કરૂણાના દર્શન કરાવ્યાં હતાં. તેમણે ‘આંસુ લૂછવા જાઉં છું …’ નામે એક પુસ્તક સંપાદિત કર્યું. ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા પંદર મહિના કોમી દાવાનળ ઠારવા માટે એકલવીર બનીને આત્મબળથી ચલાવેલા શાંતિમિશનની ઝાંખી આ પુસ્તકમાંથી મળે છે. અહીં મહેન્દ્રભાઈએ પ્યારેલાલ કૃત ગાંધીચરિત્રના ‘ધ લાસ્ટ ફેઝ’ના મણિભાઈ ભ. દેસાઈએ ‘પૂર્ણાહુતિ’ નામે કરેલા અનુવાદના ઉપર્યુક્ત વિષયને લગતા છસો જેટલાં પાનાંનો 160 પાનાંમાં સંક્ષેપ કર્યો છે. આ જંગમ કામ તેમણે માત્ર બે મહિનામાં કર્યું. પછી અંગ્રેજી સંક્ષેપ પણ આપ્યો. આ પુસ્તકનાં પ્રકરણોનું મહેન્દ્રભાઈએ ઠેરઠેર વાચન કર્યું. ગૂજરાત વિદ્યાપીઠની પ્રાર્થનાસભામાં તો દરરોજ અરધો કલાકનો સમય લઈને આખું પુસ્તક વાંચ્યું. આ પુસ્તકની પ્રસ્તુતતા વિશે મહેન્દ્રભાઈ કહે છે : ‘તેમાં ગુજરાતનું નામ લીધા વિના ગુજરાતની પરિસ્થિતિનાં વર્ણન અને ઉકેલ ગાંધીજીએ બતાવ્યાં છે.’ પુસ્તકનાં પાનાં પર સહજ નજર કરતાં પણ ધ્યાનમાં આવે છે કે દરેક પાને એવું કંઈક છે કે જે તોફાનગ્રસ્ત ગુજરાતની પરિસ્થિતિ સાથે સામ્ય ધરાવતું હોય. જો કે મહેન્દ્રભાઈ તેમના આ કામ વિશે એ દિવસોમાં કહેતા : ‘કામ જ કરવું હોય તો આ બધા જે રાહત છાવણીઓમાં જઈને કામ કરે છે તેમ કરવું જોઈએ. એને કામ કહેવાય.’ જો કે મહેન્દ્રભાઈએ ગુજરાતનાં રમખાણોના દિવસોમાં તો આપણા અક્ષરસેવીઓને તેમની ભૂમિકા શી હોઈ શકે એનો એક નમૂનો બતાવી આપ્યો. અલબત્ત, આપણા મોટા ભાગના સર્જકોની ભાવભૂમિ પર તેની અસર નહીંવત પડી.

રાજકારણનો જાહેરમાં છોછ અને ખાનગીમાં ડર રાખનારા આપણા શબ્દલોકમાં મહેન્દ્રભાઈએ મૂલ્યનિષ્ઠ રાજકારણની કેટલી બધી વાત કરી છે તેના સંખ્યાબંધ દાખલા વાચનયાત્રાના પાંચેય ભાગો ઉપરાંત મહેન્દ્રભાઈ સામયિકોને જે સારવેલી સામગ્રી હમણાં સુધી મોકલતા રહેતા તેમાંથી મળે છે. પ્રકાશન-સંપાદનના કર્મશીલ મહેન્દ્રભાઈ વાચનને સમાજ પરિવર્તનનું એક સાધન માને છે. એ વિચાર દરેક કામની જેમ ખીસાપોથી બાબતે પણ છે. આઝાદી કી મશાલના સંપાદકીય નિવેદનમાં તે રામમોહન રાય, વિવેકાનંદ, ગાંધીજી જેવાને યાદ કરે છે. પછી કહે છે આઝાદી પછીનાં સાઠેક વર્ષમાં ‘દેશમાં દુષ્ટ બળોની રમણા’ અવારનવાર ચાલતી રહે છે. તેની સામે લડવા મહેન્દ્રભાઈ બુલેટ નહીં, પણ ‘બુક અને બૅલેટ’ના ઉપયોગની હિમાયત કરે છે.

એટલે જ ગુજરાત વિધાનસભાની ગઈ 2017ની ચૂંટણી વખતે લોકમિલાપે સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન એવી સોળ પાનાંની ખીસાપોથી ‘લોકશાહીના ચાહકો તરફથી લોકહિતાર્થે વિનામૂલ્યે’ બહાર પાડી હતી. તેમાં ડેમૉક્રસીનો સૈકાઓનો અનુભવ ધરાવતા બ્રિટન અને અમેરિકાના ‘શાણા નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો’ મૂક્યા છે. જેમ કે, ‘નઠારા રાજ્યકર્તાઓને ચૂંટે છે એવા લોકો જે મતદાન કરવા જતા નથી’, ’ઉત્તમ સરકાર એ કે જે ઓછામાં ઓછું શાસન કરે’, ‘દરેક દેશને તેને લાયક સરકાર મળી રહે છે’, ‘દુષ્ટતાના મહાવિજય માટે જરૂરી એક જ વસ્તુ છે તે સજ્જનોની નિષ્કિયતા’. તાજેતરમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં મહેન્દ્રભાઈએ એક અલગ વિચાર માટે મતદાર જાગૃતિ ઝુંબેશ આદરી હતી. તેમણે મતદારોને ઉમેદવારો પાસે એક એવું પ્રતિજ્ઞાપત્ર માગવાની હાકલ કરી હતી કે જેમાં ઉમેદવાર ચૂંટાયા પછી સંસદમાં અણછાજતું વર્તન ન કરવાની બાંહેધરી આપે.

મહેન્દ્રભાઈની સંવેદનશીલતા પણ કેવી ! તેમનાં દીકરી મંજરીબહેન સંભારે છે કે ગરીબો માટે દિલ કપાતું હોવાથી મહેન્દ્રભાઈ ઘણાં વર્ષો પગમાં ચપ્પલ પહેરતાં ન હતા. વળી થેલીમાં જુદીજુદી સાઇઝના ચપ્પ્લ ભરીને અડવાણે પગે મજૂરી કરતી બહેનોને તે પહેરાવતા. વર્ષો સુધી સાયકલ અને સરકારની એસ.ટી. બસનો જ ઉપયોગ કરતા. અમદાવાદમાં પણ સાયકલ ચલાવતા. સાંજે બગીચામાં ફરવા જાય ત્યારે બગીચામાં પડેલો કચરો ઉપાડાય તેટલો ઉપાડીને કચરાકુંડીમાં નાખે. જમ્યા પછી પોતાનાં વાસણ ઊટકી નાખે, ચોકડીમાં બીજાં પડ્યાં હોય તો તે પણ ઊટકી નાખે. ઘરનાં મહિલાઓ બધાં સાથે જ જમે એવો તેમનો આગ્રહ. ખુદની તંદુરસ્તી અને ઘરની સ્ત્રીઓની મદદ માટે વર્ષો લગી પડવાળી ઘંટી પર મળસ્કે દળણાં ય દળતાં !

ઘઉંનો જાતે દળેલો લોટ ભાવનગરના ખાદીઉદ્યોગના બેકરીવાળાને આપી તેના બિસ્કિટ બનાવડાવવાની પહેલ મહેન્દ્રભાઈએ કરી હતી. તેઓ માને છે કે દળવામાં અને રોટલા બનાવવામાં બહેનોનો ઘણો સમય જાય છે. એટલે પુરુષોએ જાતે દાણા દળતાં અને રોટલી જ નહીં પણ નાશ્તા માટે બ્રેડ-બિસ્કિટ બનવતાં ય શીખવું જોઈએ. પોતે પણ આ શીખેલાં. રઘુવીર ચૌધરી ‘તિલક કરે રઘુવીર’ પુસ્તકના શબ્દચિત્રમાં નોંધે છે : ‘ …પાછળથી બિસ્કિટ બનાવવાનું શીખ્યા છે. લોકમિલાપના સમારંભોમાં જેમણે મોટા મોટા લેખકોને બિસ્કિટ ખાતાં જોયા છે એમને ખબર છે કે મહેન્દ્રભાઈ તુક્કાને તીરમાં પલટી શકે છે. સતી અનસૂયાના પારણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઝૂલતા હતા. મહેન્દ્ર મેઘાણીના બારણે સ્નેહરશ્મિ, યશવંતભાઈ અને નગીનભાઈ હાથમાં બિસ્કિટ લઈને ઊભા હોય.’

ઇશાવાસ્ય ઉપનિષદના એક શ્લોકમાં કહ્યું છે કે કામ કરતાં કરતાં સો વરસ જીવજો. મહેન્દ્રભાઈએ 96મા વર્ષે 2019ની સાલમાં ‘ઘોળી ઘોળી પ્યાલા ભરિયા’ની સંવર્ધિત આવૃત્તિ પ્રકટ કરી. તેમાં ઝવેરચંદ મેઘાણીનાંકાવ્યો, તેમની ટૂંકી વરતાઓ અને તેમના સંશોધિત લોકસાહિત્યમાંથી કૃતિઓ મૂકી હતી. તે પછી 97મા વર્ષે મેઘાણીની ચાર નવલકથાઓના સંક્ષેપ મહેન્દ્રભાઈએ તૈયાર કર્યા : ‘અપરાધી’, ‘તુલસી-ક્યારો’, ‘વેવિશાળ’, અને ‘સોરઠ, તારાં વહેતાં પાણી’. આ બધી કૃતિઓના કુલ 1030 પાનાંને તેમણે 540 પાનાંમાં ટૂંકાવ્યાં છે !

મહેન્દ્ર મેઘાણી ગુજરાતમાં ગ્રંથના ગાંધી છે. વાચનપ્રચારના કાર્ય સંદર્ભે તેમને ગાંધી સમોવડિયા ગણવામાં માત્ર તેમના માટેનો આદર, ગાંધી વિચારની અધૂરી શમ અને મુગ્ધતા કારણરૂપ નથી. મન, વચન અને કર્મથી મહેન્દ્રભાઈ એવું જીવ્યા છે કે જેમાં ગાંધીજીના વિચારોનો વિવેકપૂર્ણ આવિષ્કાર થતો હોય. ગાંધીજી અને મહેન્દ્રભાઈના જીવનકાર્ય વચ્ચે અનેક દેખીતાં સામ્યો અને ઊંડાં સાયુજ્યો બતાવી શકાય.

ગાંધીજીને સત્ય અને અહિંસા દ્વારા ક્રાન્તિ કરવી હતી, મહેન્દ્રભાઈ તે કરવા માગે છે વાચન અને તે થકી વિકસેલી મનુષ્યની વિચારશકિત દ્વારા. તે કહે છે : ‘બૂલેટથી ટૂંકા સમય માટે જ ક્રાન્તિ આવે છે, બૅલટથી આવેલી ક્રાન્તિ બહુ સફળ નથી હોતી એ આપણો અનુભવ છે ,એટલે મારે હવે બુક્સ દ્વારા ક્રાન્તિ લાવવી છે.’

ગાંધીજીએ જે સામાન્ય માણસ માટે કર્યું તે મહેન્દ્રભાઈએ સામાન્ય ગુજરાતી વાચક માટે કર્યું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ભાષણ આપતાં ગાંધીજીએ સાહિત્યના સર્જન અને વાચન પરત્વે ‘કોશિયા’ની ચિંતા વ્યક્ત કરી હતી. ‘કોશિયા’ દ્વારા ગાંધીજીને સમાજના જે લોકો અભિપ્રેત છે તેમના સુધી મહેન્દ્રભાઈ ‘ચંદનનાં ઝાડ’ લઈને પહોંચ્યા છે. ‘લાખ વાચકોના મહાસંઘ’માં તેમણે સામેલ કર્યા છે ‘ગામડાંના ખેડૂતો અને પશુપાલકોને, કાંતનારી બહેનો અને વણકરોને, દરજી-મોચીથી માંડીને સુથાર-કડિયા સુધીના કારીગરોને, રેલ-પાટા ને સડકો પર દિવસ રાત વાહનવ્યવહાર ચાલુ રાખનાર કર્મચારીઓને, ટપાલીઓને, શિક્ષકોને, વિદ્યાર્થીઓને.’

ગાંધીજીએ મહાદેવભાઈને કહ્યું હતું : ‘જે કાવ્ય જનસામાન્યને સુબોધ ન હોય તે મને ન રુચે. તે જ કાવ્ય અને સાહિત્ય ચિરંજીવી રહેશે જે લોકોનું હશે, જેને લોકો સહેજે મેળવી શકે, સહેજે ઝીલી શકે.’

ગાંધીજીના આ વિચારનું મૂર્ત સ્વરૂપ એટલે મહેન્દ્રભાઈએ લોકમિલાપ પ્રકાશન દ્વારા બહાર પાડેલું કોઈ પણ પુસ્તક . મહેન્દ્રભાઈ કહે છે કે ‘લોકમિલાપનું ધ્યેય છે જે અનેક લોકોની રુચિને માટે પોષક હોય અને છતાં ય જેમાં કલાનું ધોરણ નીચું ન આવતું હોય તેવું સાહિત્ય લોકો સુધી પહોંચડવાનું’ આ ધ્યેયને લઈને લોકમિલાપના સંખ્યાબંધ પુસ્તકો બહાર પાડવાનાં કામમાં ‘શાકરોટલો ભરપૂર મળ્યાં’. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો લોકમિલાપનું કામ એટલે ‘બુદ્ધિપૂર્વક કરેલી બ્રેડ લેબર’. તદુપરાંત, મહેન્દ્રભાઈની સુખની વ્યાખ્યામાં ગાંધીજીએ કહેલો ‘જાતમહેનતનો નિરપવાદ કાયદો’ મહત્ત્વનો છે.

ગાંધીજીએ દાંડીકૂચ કરી, મહેન્દ્રભાઈ વાચનયાત્રા કરતાં રહ્યા છે. પોતાનાં કપડાં-વાસણથી લઈને દરેક કામ એ પોતાની જાતે કરતાં રહ્યાં છે : ‘હું આ કોઈની ઉપર ઉપકાર માટે નથી કરતો,પણ મને એમાં આનંદ આવે છે એટલા મટે કરું છું. હું ઇચ્છું છું કે મારું કામ બીજાને કરવાનો વખત આવે તે પહેલાં ભગવાન મને લઈ લે.’

ઓશિંગણભાવ વ્યક્ત કરવા માટે મરાઠીમાં એક એક્સપ્રેશન છે : ‘એમના મારી પર એટલા અહેસાન છે કે મારી ચામડીના જોડા બનાવીને હું તેમને પહેરાવું તો પણ એ અહેસાનની અદાયગી ન થાય.’ એક વાચક તરીકે મહેન્દ્રભાઈ માટે હું આ ભાવ ધરાવું છું.’

મહેન્દ્રભાઈનું ગુણકીર્તન કરવાની મને આ તક આપવા બદલ યુનાઇટેડ કિન્ગડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીનો, અને આ વ્યાખ્યાનના સહુ શ્રોતાઓનો હું આભારી છું.

18 જૂન 2022, અમદાવાદ

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, શનિવાર, 18 જૂન 2022ના રોજ, “કામ કરતાં કરતાં સૌ વર્ષ જીવનારા વાચનસંસ્કૃતિના દીપસ્તંભ” નામક આપેલું ‘ઝૂમ’ વ્યાખ્યાન

વીડિયો: