શતાબ્દી વર્ષ ઓચ્છવ (શનિવાર, 21 સપ્ટેમ્બર 2019)

કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’નું સાહિત્ય સર્જન

• ભદ્રા વડગામા

ડાહ્યાભાઈ લેખક કરતાં કવિ તરીકે વધુ પ્રખ્યાત છે કેમ કે એ એમના નામની આગળ હંમેશ કવિ લખતા. ‘દિનેશ’નું ઉપનામ શા માટે ચૂંટ્યું એની ઝાઝી ખબર નથી.

શરૂઆતમાં એમના જીવન વિષે થોડી માહિતી આપું. ડાહ્યાભાઈનો જન્મ 3/4/1920 તરીકે નોંધાયેલો છે, પણ એમની ખરી જન્મ તારીખ 3/4/1917 છે. સુણાવમાં એમનો જન્મ. તેમની એક વર્ષની કુમળી વયે તેમના પિતા મૃત્યુ પામ્યા, પછી તેમની માતાએ કરેલા ઘડતરની ડાહ્યાભાઈ પર ખૂબ અસર રહી હતી. તેમનો ગીતો પ્રત્યેનો, ગાંધીજી પ્રત્યેનો, તેમ જ તેમની વાર્તાઓમાં સ્ત્રી પાત્રોને મહત્ત્વ આપવાનો મહાવરો, એ બધું એ એમની માતા પાસેથી શીખ્યા હશે એવું લાગે છે. ભારતમાં નાની ઉંમરે જ રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લઈ એ 1938માં કમ્પાલા – યુગાન્ડા આવ્યા. બીજા વિશ્વ યુદ્ધને લીધે બેરિસ્ટર થવાની તેમની ઈચ્છા છેક 1946માં પૂરી થઈ. 1946-1948 સુધી ભણીને તેમણે લંડનમાંથી ‘બેરિસ્ટર એટ લૉ’ની પદવી મેળવી, અને કમ્પાલા પરત થઈ, વકીલાતનો ધંધો આદર્યો.

એમનું લગ્ન પુષ્પાવતીબહેન જોડે 1954માં થયું. ત્યાં સુધીમાં તેમની પ્રવૃત્તિઓ દ્વારા એક સમાજલક્ષી, સાહિત્યલક્ષી તથા રાજયલક્ષી ક્ષેત્રે તે જાણીતા થઈ ચૂક્યા હતા. એમણે યુવક સંઘ આફ્રિકા, ઇન્ડિયન એસોશિયેશન, સતનામ સાહિત્ય મંડળ, એશિયન વેલ્ફેર સોસાયટી, કમ્પાલા કલા કેન્દ્ર અને યુગાન્ડા લો સોસાયટીના પ્રમુખ પદે રહી યુગાન્ડાની એશિયન પ્રજાને તેમના હક મેળવવામાં સક્રિય યોગદાન આપ્યું હતું. આફ્રિકા નિવાસ દરમિયાન જ તેમના દશેક નવલિકાસંગ્રહો પ્રકટ થયા હતા. કવિતા, નાટક અને ‘મોહન ગાંધી મહાકાવ્ય’ની શરૂઆત પણ અહીંથી કરી હતી.

1971માં યુગાન્ડા સ્વતંત્ર થયું, જેના બંધારણ ઘડતરમાં પણ ડાહ્યાભાઈનો ફાળો હતો. એ કાબેલ ‘પૉલિટિશ્યન’ હતા અને ત્યાંની પાર્લામેન્ટના સભ્ય રહ્યા હતા. તેમની સેવા બદલ યુગાન્ડા સરકારે તેમને મેડલ પણ આપેલો.
યુગાન્ડામાં હતા ત્યારે પણ એમનું સાહિત્યસેવન, લેખન, સાહિત્યકારોનું બહુમાન અને સાહિત્યિક કાર્યક્રમ માટે પ્રોત્સાહન એમના વ્યક્તિત્વનું હૃદયસ્પર્શી પાસું હતું. કમ્પાલામાં તેમણે ‘જાગૃતિ’ નામનું માસિક શરૂ કર્યું અને ચલાવ્યું. એમની વાર્તાઓનો વિશેષાંક તૈયાર કરાવ્યો હતો, તેને કદાચ આપણે ગુજરાતી સાહિત્યનો પહેલો ડાયાસ્પોરિક વાર્તા વિશેષાંક ને સંગ્રહ ગણી શકીએ.

1972ની સાલમાં યુગાન્ડામાંથી એશિયન એકસોડ્સમાં એ લંડન આવ્યા, પછી અહીંના સાહિત્યક્ષેત્રે પણ બહુ કામ કર્યું અને 14/8/2008માં તેમનું નિધન થયું, ત્યાં સુધી આ ક્ષેત્રે એ સક્રિય રહ્યા. આજે આપણે તેમની નોંધાયેલી જન્મ તારીખના હિસાબે, તેમની શતાબ્દીની ઉજવણી કરવા એકઠાં થયાં છીએ. એમની શુક્રવારની બેઠકો વિષે વિપુલભાઈએ આરંબે અહેવાલ આપ્યો અને નિરંજનાબહેન દેસાઈએ પણ આ વિષે ડિસેમ્બર 2008ના ‘ઓપિનિયન’માંના તેમના લેખમાં વિગતવાર લખ્યું છે.

અહીં આવ્યા પછી 1974માં તેમણે ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ સ્થાપ્યું, જેમાંથી પરિવર્તન થઈને 1977માં સ્થપાઈ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’. અકાદમીના તેમના યોગદાન વિષે વિપુલભાઈએ આપણને માહિતી આપી. અકાદમીની સ્થાપનાની સાથેસાથે ગાંધીજી પ્રત્યેના તેમના પ્રેમને લીધે તેમણે ‘મહાત્મા ગાંધી ફાઉન્ડેશન’ પણ સ્થાપ્યું અને અને ગાંધી મહાકાવ્યના બે બૃહદ્‌ ગ્રંથો ‘વિગ્રહ પર્વ’ અને ‘વિજય પર્વ ‘ લખ્યા. આ બે ગ્રંથોના લોકાર્પણ સમયે મુરારિ બાપુએ તેમને ‘ગુજરાતી ગીરાનાં અમૂલ્ય આભૂષણ’ તરીકે બિરદાવ્યા હતા.

એમના સાહિત્ય સર્જન વિષે જે માહિતી આજે તમારી સમક્ષ રજૂ કરીશ તે બૃહદ્દ અંશે વંદનાબહેન છોટાલાલ રવૈયાએ ડાહ્યાભાઈ વિષે લખેલા એક મહા નિબંધમાંથી લીધેલી છે, કેમ કે તેમની બધી કૃતિઓ ઉપલબ્ધ ન હોઈ, તે મેળવવાની તેમ જ વાંચવાની મુશ્કેલી છે; અને ન વાંચી હોય તેવી કૃતિઓમાંથી ઉદાહરણો આપું તો કદાચ અરસિક બની જવાનો ભય રહે છે. એટલે તેમના સાહિત્યમાં રહેલી વિવિધતા વિષે સમાવેશક માહિતી આપીશ અને એકાદ બે ઉદાહરણો પણ ક્યાંક ટાંકીશ.

ડાહ્યાભાઈને બધાં ભલે કવિ તરીકે વધારે ઓળખતાં હોય, પણ એમનું સાહિત્ય બહુવિધ હતું. એમની 1954થી 1996 સુધી પ્રકટ થયેલી 11 નવલકથાઓ છે : તેમાં દિલાવરી, વનની વાટે, અતીત આલિંગન, નવા કલેવર ધરો હંસલા, અનુરાગ અને ઉત્થાન, ઉષા અને અરુણ, વિભૂતિ, તિમિરનું તેજ, ઊર્જિત, ઉત્સવી, અને કંચન ભયો કથીરનો સમાવેશ થાય છે.

તેમના 10 નવલિકા સંગ્રહો છે : શાલિની, છેલ્લો અભિનય, પદ્માવતી, શર્મિષ્ઠા, પુન:મિલન, આગમન, અમરપ્રેમી, કલાવતી, કેતકી, અને મીનાક્ષી. આ 10માંથી 6 શીર્ષકો સ્ત્રીઓનાં નામો છે, જે પરથી એમનાં સ્ત્રીપાત્રો પ્રત્યે રહેલો આદર અને એમને ઉચ્ચ કક્ષાએ આલેખવાનું મહત્ત્વ આપણને સમજાય. તેમના 8 કાવ્યસંગ્રહોમાં છે : અંકુર, કાવ્ય પરિમલ, સ્ફુર્ણા, દર્દીલ ઝરણાં, મોહનભક્તિ પદાવલિ, સત્યેશ્વર સ્તવન સ્ત્રોતાવલી, વિક્રમાદિત્ય સરદાર પટેલ, સત્યાગ્રહી સંત ચાલીસા અને સત્યેશ્વર વચનામૃતો. એમનો 1 નાટ્ય-લેખ સંગ્રહ પણ છે. મોહન ગાંધી મહાકાવ્યના 1 થી 12 ગ્રંથો લખાઈ ગયા છે અને હજુ 3 ગ્રંથો અપૂર્ણ છે. એમના 4 સંપાદનો અંગ્રેજીમાં છે, જેમાંના 3 જેઠાલાલ ત્રિવેદી સાથે અને એક રશીદ મીર અને ગોપાલ શાસ્ત્રી સાથેના છે. વળી, એમની સોનેટ, ગઝલો, અને અન્ય કવિતાના છ સાત ગ્રંથો પણ પ્રકાશિત છે.

ડાહ્યાભાઈના પ્રિય વિષયો છે પ્રણય, ભક્તિ, માનવતા અને સાહસ. દેશભક્તિનાં બલિદાનો પ્રત્યે તેમની કૂણી લાગણી છે. એમની દ્રષ્ટિએ ‘ભયંકર સ્થિતિમાંથી સાંગોપાંગ ઉતરતો વાર્તાનાયક વાચકને મન ‘હીરો’ બની ગયો છે. દુષ્ટતાને ડારતો, તન મન કે ધનની પરવા કર્યા સિવાય ઝઝૂમતો નાયક ખાસ કરીને કિશોર વયના વાચકોનો પ્રિય હોય છે.’ આ વિચારધારા તેમની વાર્તાઓમાં પડઘો પાડે છે.
વંદનાબહેન રવૈયા તેમના મહાનિબંધમાં કહે છે તેમ ‘ડાહ્યાભાઈનું સાહિત્ય જેટલું વૈવિધ્યપૂર્ણ છે એટલું જ સત્ત્વશીલ પણ છે. તેમની નવલકથાઓમાંથી ભારતીય સમાજના પ્રશ્નો અને વિદેશમાં કેવા મુકાબલાનો સામનો કરવો પડે છે, તેનો પરિચય પ્રાપ્ત થાય છે, જ્યારે તેમની કવિતામાંથી તેમનું છન્દકૌશલ્ય દ્રષ્ટિગોચર થાય છે. ગાંધી મહાકાવ્યમાં એકાદ લાખ જેટલી છંદોબદ્ધ કડીઓ છે. ગાંધીજીના વ્યક્તિત્વ વિષે લખાયેલી આ કવિતા સાહિત્ય જગતની એક અદ્દભુત ઘટના છે.’

ડાહ્યાભાઈની નવલિકાઓનું ક્ષેત્ર મોટે ભાગે ભારતની બહારનું રહ્યું છે. એમની નવલિકાઓમાં નિયતિનું પ્રાબલ્ય જોવા મળે તેવી પ્રણય કથાઓ છે. બળવંતભાઈ જાનીએ તેમની પ્રણય કથાઓને 4 ભાગમાં વહેંચી છે : સુખાંત પ્રણય કથાઓ, ‘લવ ટ્રાયેન્ગલ’ અને વિફળ પ્રેમ કથાઓ, સંગીત કે પ્રાણીપ્રેમની પ્રણય કથાઓ અને પ્રેતયોનિની પ્રેમ કથાઓ. ભારતીય જીવનમૂલ્યો ધરાવતી કથાઓમાં માનવપ્રેમ પ્રગટાવતી અને સ્નેહસંબંધ પ્રગટાવતી સમાજકથાઓ છે. એમણે એમની વાર્તાઓમાં ઘટનાક્રમ, પાત્રાલેખન અને પ્રસંગોની ગૂંથણી એવી સુંદર રીતે કરી છે કે તેમની વાર્તાઓ વાચકને રસિક લાગે છે.

વંદનાબહેન કહે છે તેમ ડાહ્યાભાઈનાં વાર્તા સર્જન પર ‘ધૂમકેતુ’ની ભાવનાશીલ અને સંવેદનપૂર્ણ વાર્તાઓનો ભારે પ્રભાવ હતો. એમની વાર્તાઓ ગત શ્રદ્ધા, છેલ્લો અભિનય, હરદ્વાર, અને સોનામહોરની નાયિકાઓ જાણે ‘ધૂમકેતુ’નાં એવાં પાત્રોની સ્પર્ધામાં ઉતરતી ન હોય એમ લાગે છે. વિખ્યાત વિવેચક અનંતરાય રાવળે ડાહ્યાભાઈની વાર્તાઓને “કૌતુકપ્રધાન” ગણાવી છે. શક્ય છે કે ગુજરાતી સાહિત્યમાં આફ્રિકન સમાજને વણેલી વાર્તાઓ ભારતીય વાંચકો માટે કૌતુક ઉપજાવે તેવી હોઈ શકે, તો વળી અમુક વાર્તાઓમાં પ્રેતસૃષ્ટિનો પણ અનુભવ વાચકને થાય છે.

યુગાન્ડાને પૂર્વ આફ્રિકાના ’emerald’ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કુદરતી છે કે ત્યાં લખાયેલી તેમની વાર્તાઓમાં પ્રકૃતિ વર્ણન કલાત્મક રીતે કરેલું હોય, જ્યારે બ્રિટનનું નૈસર્ગિક સૌંદર્ય પણ એટલું જ આનંદપ્રિય છે. તેનું વર્ણન પણ ડાહ્યાભાઈની વાર્તાઓમાં વાંચી શકાય છે.

ડાહ્યાભાઈએ ગુજરાતી ઉપરાંત પાશ્ચાત્ય લેખકોને પણ વાંચ્યા છે, જેમના લેખનની અસર તેમની કૃતિઓ પર પડી છે. ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્યલેખક Balzac, ટૂંકી વાર્તાઓના સમ્રાટ Guy de Maupassant અને Prosper Merimeeને તેમણે વાંચ્યા અને વાગોળ્યા છે. પણ એ અન્ય લેખકોને ચેતવે છે કે પરદેશી classic સાહિત્યકારોની કૃતિઓની અસર નીચે આવી જઈ પોતાની મૌલિકતા ન ગુમાવવી જોઈએ. એમનું માનવું હતું કે વાર્તા એવી રીતે લખાવી જોઈએ કે એ વાંચવા માટે નહીં પણ માંડીને વાત કહેવાની હોય એ રીતે લખાઈ હોય. આ રીત એમણે એમની વાર્તાઓમાં અપનાવી છે, પણ વચ્ચે વચ્ચે એ ચિંતન કણિકાઓ પણ મૂકતાં આવ્યા છે. મારા મંતવ્ય સાથે સહમત થતાં વંદનાબહેન કહે છે તેમ, આ પ્રકારના લેખનથી ડાહ્યાભાઈની વાર્તાઓમાં ક્યારે કે એકવિધતા આવી જાય છે, જેથી તેમાં થોડી મર્યાદા આવી જાય છે, તો ક્યારેક વળી જ્યારે “હું” વાર્તા કહેવા માંડે છે ત્યારે એ ટૂંકી વાર્તામાંથી લાંબી વાર્તા બની જાય છે. અને ક્યારેક મૂળ વાર્તાના રસથી હઠીને અન્ય રસદાયક પ્રસંગોનું બયાન જોવા મળે છે. એ વળી, એમ પણ કહે છે કે ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ અને લાંબી વાર્તા વચ્ચેની તાત્ત્વિક અને સમીક્ષાત્મક વિવેચના ઘણી છે પણ ડાહ્યાભાઈને એનો ખ્યાલ નથી એનો ખેદ છે.

એમની ઘણી વાર્તાઓ સત્યઘટના પર આધારિત છે અને તેમાં તેમણે પોતાની કલ્પનાસૃષ્ટિમાંથી સર્જેલાં રંગો પૂરીને વધુ રસિક બનાવી છે.

બળવંત જાનીએ ડાહ્યાભાઈની ‘ડાયસ્પોરિક વાર્તાઓ’ના પુરોવચનમાં આ તત્ત્વો તારવ્યાં છે:

1. બ્રિટિશ ગુજરાતી પ્રવાસી લેખક તરીકેની અનેક વિશિષ્ટતાઓ આ વાર્તાઓમાં છે
2. મોટા ભાગની વાર્તાઓ પ્રણય ભાવની અભિવ્યક્તિ છે
3. વિશ્વના કોઈ પણ ખંડમાં પ્રણયભાવના કેવી શાશ્વત-સનાતન છે તેનો પરિચય આપે છે
4. વાર્તાઓમાં ક્યારેક ક્યારેક પાત્રોની સાથેસાથે લેખકની હાજરી અનુભવાય છે, તો ક્યારેક અન્ય પાત્ર દ્વારા એમની અનુભૂતિ વાંચવા મળે છે. દા.ત. આ વાક્ય દ્વારા એ જોઈ શકાય છે : ‘માણસ ધર્માંધ બને તો કેટલો પાગલ બની જાય છે’. ક્યારેક વાર્તાઓ પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી છે, તો ક્યારેક સમૂહગોષ્ઠિમાં ઉપસ્થિત ચરિત્રો પણ તેમણે રચ્યાં છે.
5. ક્યાંક સંવાદ અને વર્ણનો નાટ્યાત્મક કે ઊર્મિકાવ્યની સમીપ પહોંચાડે છે.

વંદનાબહેને ડાહ્યાભાઈના ડાયસ્પોરિક સાહિત્ય વિષે જે લખ્યું છે તે જોવાતપાસવા સમ છે :

“ડાહ્યાભાઇ પટેલનું ડાયસ્પોરિક કથા સાહિત્ય આસ્વાદીએ ત્યારે અવશ્ય અનુભવીએ છીએ કે તેઓ માનવીય સંવેદનાના હૃદયસ્પર્શી લેખક છે. જે અનુભવો, પ્રવાસ દરમિયાનની પ્રત્યક્ષ પરિસ્થિતિઓમાંથી પસાર થયા હોય, એનો તેઓ વાર્તાલેખનમાં ઉપયોગ કરે છે. અનુભવોનું યથાતથ આલેખન નહીં પણ પ્રત્યક્ષીકરણ સંવેદનતંત્રમાંથી પસાર થઈને જે નીપજી આવે એનું હૃદયસ્પર્શી આલેખન, એમના કથા સર્જનનું એક આગવું પાસું છે.”

હવે ડિસેમ્બર 2008ના ‘ઑપિનિયન’ માસિકમાં નીરુબહેન દેસાઈએ ડાહ્યાભાઈને કવિના રૂપે નિહાળીને લખેલા લેખ ‘સદાબહાર કવિ ડાહ્યાભાઈ પટેલ’માંથી અમુક નોંધો રજૂ કરું છું. નીરુબહેન કહે છે કે ‘ડાહ્યાભાઈને યાદ કરવા હોય તો તેમનાં પ્રણયનાં, પ્રેમ-સૌંદર્યનાં ગીતોનો આનંદ માણવો’. આ ઉપરથી હું કહી શકું કે ‘પ્રણય’ વિષય પરનો તેમનો પ્રણય તેમના સાહિત્ય સર્જનમાં બહુ મહત્ત્વનો છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એમના ગાંધીપ્રેમ વિષે નીરુબહેન કહે છે કે ‘ડાહ્યાભાઈ ગાંધીવિચારધારાના ઊંડા અભ્યાસુ હતા, એટલે જ ગાંધીજીના શબ્દોને ‘ગાંધી મહાકાવ્ય’ દ્વારા 15 ગ્રંથોમાં મઢી શક્યા છે’. ડાહ્યાભાઈ એક પદ બહુ ભાવવિભોર થઈ ગાતા જે નીરુબહેને એ લેખમાં ટાંક્યું છે:

‘મોહન તારી નયન કટારી ઉરમાં એવી વાગી
‘દિનેશ’ પ્યારી દરદની મારી ભર નીંદરથી જાગી રે.’

સૌંદર્ય અને પ્રણયના રસિક કવિનાં કાવ્યો, પછી ભલે તે ગાંધીજી વિષે હોય, પણ તેમાં ય શૃંગાર રસ છલકાતો દેખાય છે. પહેલાં કહ્યું તેમ પ્રણય વિશેની એમની ભાવના ‘ત્યાગ’ વાર્તાના નાયક પ્રભાકરના મુખે તેઓ બોલે છે : “પ્રણય એ સ્વર્ગીય ઉજ્જવળ પ્રકાશ છે, જે જીવનને અજવાળી દે છે. પૃથ્વી પરથી મનુષ્યજાતને કોઈ વસ્તુએ સ્વર્ગ તરફ ઊર્ધ્વગમન કરાવ્યું હોય તો એ પ્રણય છે.”

એ જ વાર્તામાં આપણે તેમના બ્રિટનના નૈસર્ગિક સૌંદર્ય પ્રત્યેનો પ્રેમ પણ જોઈએ શકીએ છીએ : “શિયાળો ઊતરતાં, એટલે એપ્રિલની શરૂઆતમાં, સુવર્ણરંગી ડેફોડિલ્સ અને ટ્યૂલિપ્સ પુષ્પો હસિત મુખે આવકારતાં ધરતીનાં અંતરની શોભા સમાં ઊગી નીકળે. ”

ફરી એમનો શૃંગાર રસ અહીં ડોકિયું કરે છે: “ટ્યૂલિપ પુષ્પોનો આકર્ષક રંગ કોઈ રંગીલી યૌવનની કામણગારી આંખો સમો દિલને હચમચાવી મૂકે. શિયાળાની ઠંડીને લીધે પર્ણહીન બની ગયેલાં શોભાહીન લાગતાં વૃક્ષો ઉપર એકાએક નવપલ્લવોની રોશની રેલાય, ઊગતા સૂર્યનાં ચમકતાં કિરણો પ્રત્યેક નવપલ્લવને નાનો શો અરીસો બનાવી દે. દરેક અરીસામાં ભગવાન સવિતાદેવ આસન લઈ ઝૂલતાં ઝૂલતાં હસે.”

‘આદિવાસીના આક્રન્દ’માં લેખક ગાંધીપ્રેમ આ પ્રમાણે વ્યક્ત કરે છે: ‘ …. મનુષ્ય પ્રત્યેનાં પ્રત્યેક માનવના પ્રેમ, સ્નેહ, બંધુત્વ અને આત્મીયતાથી દેવો રીઝશે. એ માનવતા માટે, એ વિશ્વબંધુત્વની ભાવના માટે, પ્યારા બાપુએ જે રાહ ચીંધ્યો છે તે સત્યના, અન્ય માટે સર્વસ્વ અર્પણ કરવાના, પ્રાણીમાત્ર પ્રત્યે દયા અને સ્નેહથી વર્તવાના રાહ પર જવાથી જ દેવો સંતુષ્ટ બનશે.’

માનવજીવનને ઊર્ધ્વગામી બનાવવાના ડાહ્યાભાઈના આ સંદેશથી એમની સાહિત્ય સર્જકતાને દાદ આપી એમને અંતરથી નીરુબહેનની આ પંક્તિઓ વડે અંજલિ આપું છું :

વાગોળીશું કવન-કવિતા હર્ષઉલ્લાસ સાથે,
સંભારીશું સુરભિત સ્મૃતિ અંતરે આવરી જે.
આવતા રે’જો, કોક દિ તમે હળવે ડગલે આવતા રે’જો.

સાચે જ સૂક્ષ્મરૂપે એ તેમ અઢળક સાહિત્ય ગ્રંથો થકી કવિ ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ આપણી વચ્ચે હરહંમેશ જીવંત રહેશે.

[‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, વેમ્બલીસ્થિત માંધાતા યૂથ એન્ડ કમ્યુનિટી એસોસિયેશન સભાખંડમાં, શનિવાર, 21 સપ્ટેમ્બર 2019ના દિવસે, ‘શતાબ્દી વર્ષ ઓચ્છવ’ નામે અવસરે રજૂ થયેલું વક્તવ્ય]

Paper presented by Bhadra Vadgama at GLA’s Celebration of the Centenary of Kavi Dahyabhai Patel ‘Dinesh’ & Shee Balvant Nayak at Mandhata Youth & Community Centre, Wembley on 21 September 2019.

* * *

 

બળવંત નાયકના સમગ્ર સહિત્યસર્જન પર એક નજર

• વલ્લભ નાંઢા

આપણા બે સમર્થ સાહિત્યકારો ડાહ્યાભાઈ પટેલ અને બળવંત નાયકનું આ શતાબ્દી-વર્ષ છે. ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ આ બન્ને સારસ્વતોનાં જીવન-કવનની ઉજવણી કરવા આ ઓચ્છવનું આયોજન કર્યું છે, એનો ખૂબ જ આનંદ છે. હંમેશાં લાંબી નજર દોડાવીને આવા મહત્ત્વનાં કામો હાથ પર લેનારી અને તેને સફળતાપૂર્વક પાર પાડનાર ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની કાર્યકારી સમિતિને, અને તેના કર્ણધાર, અકાદમી પ્રમુખ વિપુલ કલ્યાણીને, આ સારસ્વતોના શબ્દોનું ગૌરવ કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વળી આ વિશિષ્ટ પ્રસંગમાં આ દિગજ્જોનાં પરિજનો, બળવંત નાયકનાં ગૃહિણી કમળાબહેન અને એમનાં પરિજનો તેમ જ ડાહ્યાભાઈ પટેલનાં પત્ની પુષ્પાવતીબહેન અને તેમનાં પરિવારની ઉપસ્થિતિથી આ કાર્યક્રમની ગરિમા વધી છે.

મારે અત્રે બળવંત નાયકના સમગ્ર સાહિત્યસર્જનનો અછડતો પરિચય કરાવવાનો છે. બળવંત નાયકનું ગુજરાતી સાહિત્યનસર્જન ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. નવલકથા, ટૂંકીવાર્તા, કવિતા, વિવેચન, નિબંધ, પ્રવાસ, અનુવાદ ઈત્યાદિ સાહિત્યસ્વરૂપો પર એમણે ટકોરાબંધ કામ કર્યું છે, પરંતુ એમના લેખનની શરૂઆત વાર્તાલેખનથી થઈ હતી એટલે એમની વાર્તાઓ વિશે હું પ્રથમ વાત માંડીશ.

બળવંતભાઈની વાર્તાસૃષ્ટિમાં પ્રવેશતાં એમનું વાર્તાસર્જન ત્રણ તબકકામાં વહેંચાયેલું જણાય છે. મુંબઈના વસવાટ દરમિયાન લખાયેલી વાર્તાઓ એ પ્રથમ તબક્કો. પછીથી આફ્રિકામાં થયેલું વાર્તાસર્જન એ બીજો તબક્કો અને ત્રીજા તબક્કામાં યુનાઈટેડ કિંગડમમાં થયેલું વાર્તાસર્જન. એમની પ્રારંભિક વાર્તાઓ ‘સવિતા’, ‘જન્મભૂમિ’, ‘નવનીત સમર્પણ’ જેવાં સમસામયિકોમાં પ્રસિદ્ધ થઈ હતી. તેમાં ભારતીય સમાજના ધબકાર સંભળાય છે, તો આફ્રિકાના વસવાટ દરમિયાન ‘આફ્રિકા સમાચાર’, ‘જાગૃતિ’, ‘શોભા’, ‘મધપૂડો’ જેવાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓમાં મૂળ જનજીવનનાં અદ્દભુત સ્પંદનો ઝિલાયાં છે, એ જ રીતે લેખક ઇંગ્લેંડમાં ઠરીઠામ થયા પછી, નવ્ય વાર્તાઓના ફાલનું અવતરણ ‘ઓપિનિયન’, ‘અસ્મિતા’’, ‘નવબ્રિટન’, ‘સંગના’, ‘ગુજરાત સમાચાર’, ‘નયા પડકાર’ અને ‘અમે ગુજરાતી’ જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં થયું, તેમાં પશ્ચિમી પુનર્નિવેશની છાંટની સાથે ડાયસ્પોરિક સ્પર્શ પણ વરતાય છે. બીજાં સામયિકોની સરખામણીએ એમની વાર્તાઓને ‘ઓપિનિયન’માં વિશેષ સ્થાન મળ્યું છે. પણ આ વાર્તાઓ સંગ્રહરૂપે કેમ પ્રકાશિત નહીં થઈ હોય. તેનું મને અચરજ રહ્યા કર્યું છે.

1950થી 1972 સુધીના બે દાયકા જેટલા સમયખંડમાં લખાયેલી વાર્તાઓને સમાવિષ્ટ કરતો એક વાર્તાસંગ્રહ 1962માં ‘સફરના સાથી’ મથાળા હેઠળ પ્રસિદ્ધ થયેલો. એ પ્રગટ થતાં આફ્રિકાનો વસવાટી ગુજરાતી સમાજ, પોતાની જ માતૃભાષામાં, આફ્રિકી તળજીવનના વાસ્તવદર્શી શબ્દચિત્રોને સૌ પ્રથમવાર માણી શક્યો હતો. બળવંતભાઈ જન્મજાત શિક્ષક હોવાથી એમની વાર્તાઓમાં ક્યાંક ને ક્યાંક શિક્ષક પ્રગટ થઈ જતો હોય છે. શિક્ષકજગતને તાગતી ‘જુવાન હૈયા’, ‘નિરાધાર’ અને ‘નીપા મટોટો’ જેવી વાર્તાઓમાં શિક્ષક ડોકિયું કરી જાય છે. ‘આપઘાત’ અને ‘અશ્રુશેષ’ જેવી વાર્તાઓ રહસ્યને ઘૂંટતી વાર્તાઓ છે અને આ પ્રકારની વાર્તાઓમાં પણ લેખકનું સહજસ્ફૂર્ત લેખનકૌશલ આગળ તરી આવે છે. ‘ગાંડપણ’, ‘વહેમનાં ઝેર’ અને ‘કલંકિની’ જેવી વાર્તાઓ આફ્રિકાની તળ અને વસવાટી સમાજની સમસ્યાઓને ચર્ચે છે. તો પૈઠણ લઈને કન્યાવિક્રય કરનાર પિતાની ધનલાલસા, મીંઢોળ બાંધી નવોઢાનો ત્યાગ કરી જનાર અને પરંપરિત રૂઢિઓ સામે બંડ ઉઠાવનાર રમેશનું પાત્ર કે પછી જીવનની વરવી વિષમતાઓથી થાકેલા, હારેલા અને આપઘાત કરવા સુધી પ્રેરાયેલા અભયના મનોગતને એવી કુશળતાથી વણી આપ્યું છે કે આપણને એવું જ લાગે કે જાણે વાર્તાકાર પાત્રોના ઘડતર વખતે પોતાની જાતને ઓગાળીને પાત્રમાં જ ઢળી ગયો છે. ‘સફરના સાથી’ વાર્તાસંગ્રહની વાર્તાઓ અનેક દૃષ્ટિકોણ, સંવેદનો અને વિચારોની બારીક ગૂંથણીથી વાચકના ચિત્તમાં એક અભૂતપૂર્વ ગ્રંથ બની જાય છે.

આ વાર્તાસંગ્રહ આપ્યા પછી નવલકથા, એ બળવંત નાયકના સ્વાધ્યાયનો પ્રધાન વિષય બને છે. પરિણામસ્વરૂપ આફ્રિકા નિવાસ દરમિયાન એમણે પ્રથમ નવલકથા ‘મૂંગા પડછાયા’ 1960માં લખી, અને ડાહ્યાભાઈ પટેલના તંત્રીપદ હેઠળ કંપાલાથી પ્રગટ થતા ‘જાગૃતિ’ વાર્તામાસિકના ગ્રાહકોને ભેટપુસ્તક તરીકે અપાઈ. નવકથાનો વિષય આફ્રિકામાં પંદરમી સદીમાં પ્રવર્તમાન ગુલામી પ્રથાને લક્ષિત હતો. મહમૂદી, રજિયા, સફદર અને લૈઝા જેવાં પ્રાણવાન પાત્રોની શૂરવીરતા કથામાં પ્રાણ પૂરે છે. તો ગુલામીમાંથી મુક્ત થઈ નવજીવન શરૂ કરવાની ઝંખના સેવતા ગુલામોની આંખોમાં ડોકાતા આશાવાદનું આલેખન, નવલકથાના ધસમસતા પ્રવાહને ક્યાં ય મંદ કે નીરસ પડવા દેતું નથી. પ્રણયરસ ઘોળતી કથાની સાથોસાથ ગુલામો પર થયેલા અત્યાચારોની ઘટનાઓની અભિવ્યક્તિ ભાવકની આંખો ભીની બનાવે છે. કહેવાયું છે કે વાર્તામાં પ્રણયનો રંગ ઘૂંટવામાં ન આવે ત્યાં સુધી વાર્તારસ ફિક્કો લાગે છે. લેખનકળાની આ અનિવાર્યતાથી પણ લેખક અનભિજ્ઞ નથી. આ કારણે પ્રણયરસમાંથી ઉદ્ભવતા ઇર્ષાગ્નિની ભભકથી ચિનગારીઓ નવલકથાને પાને પાને જોવામાં આવે છે. એ જ રીતે, હૈયું વલોવી નાખતાં કાવતરાં અને કૌભાંડનું દારુણ ચિત્રણ વાંચકોના રુંવાડાં ખડા કરી દે એવું કરાળ છે. મસાઈ, કિકુયુ, જલુઓ, સોમાલી આદિ આફ્રિકાની અન્ય જાતિઓની જાણકારી મૂકી લેખક સ્પષ્ટ કરે છે કે નવલકથાનું આ કથાબીજ એ ઇતિહાસના પાનેથી લીધેલું કોઈ શુષ્ક કે ચવાયેલું બીજ નથી, પરંતુ કથાના નિવર્હણમાં રસાઈ, વણાઈ, એકરસ થઈને ફણગાયેલું તરોતાજા બીજ છે! સૈકાઓ પુરાણી આફ્રિકાની ભિન્નભિન્ન જાતિઓનાં ચિરંતન મૂલ્યોનો ઐતિહાસિક દસ્તાવેજ છે. આમ એકંદરે જોતાં ‘મૂંગા પડછાયા’ એ બળવંત નાયક્ની નિષ્ઠા, ચિંતન અને અનવરત સાહિત્યસાધનાનું ફળદાયી પરિણામ છે, એમ નિ:સંકોચ કહી શકાય.

ત્યાર પછી 1962ની સાલમાં બે વર્ષના બહુ નાનકડા સમયગાળામાં બળવંત નાયકે ભાવકોની સામે ‘વેડફાતાં જીવતર’ નામક એક બીજી નવલકથાનો ઉપહાર ધર્યો હતો. ‘મૂંગા પડછાયા’માં પંદરમી સદીમાં ગુલામોના વેપારનું વિષયવસ્તુ કેન્દ્રગામી રહ્યું હતું તો બીજી નવલકથા ‘વેડફાતાં જીવતર’ માટે દક્ષિણ આફ્રિકામાં નિંદ્ય બનેલા રંગભેદનીતિના વિષયને પસંદ કર્યો હતો. જો કે, આ વિષયની પસંદગી વખતે લેખક જાણતા હતા કે, અગાઉ આ પ્રકારના વિષય પર, અન્ય ભાષાઓના સાહિત્યમાં પ્રયોગો થઈ ચૂક્યા છે. પરંતુ ગુજરાતી ભાષામાં આ વિષયવસ્તુનો વિનિયોગ સૌ પ્રથમ વાર જ થયો હોવાથી ‘મૂંગા પડછાયા’ લેખકની આગલી નવલકથાની જેમ, આપણા ગુજરાતી સાહિત્યવિશ્વમાં, એક માઈલ્સ્ટોન બની ગઈ.

મરવું અને મારવું એ બન્ને સહેલાં છે. પરંતુ જીવવું અને જીવાડવું એ કઠિન છે. મરવું હોય તો પણ જીવવાનો પ્રયત્ન કરતાં, બીજાને જિવાડવા શા માટે મૃત્યુને ન ભેટવું? આ વિચારબિંદુ નવલકથાના પૃષ્ઠોમાં કચડાતાં શોષાતાં જીવનનું માત્ર સ્મરણ જ નથી બની જતું, પણ જીવનની ઉદાત્ત અને માનવ માનવ પ્રત્યેની મંગલ ભાવનાઓનું મુખર પ્રગટીકરણ બને છે. પ્રધાનત: લુસીના અને જોસેફિનની દૈનંદિનીમાંથી ઉઘડતી કથા માંડીને લેખક દક્ષિણ આફ્રિકાના અતિક્લિષ્ટ એવા કોયડાના ઉકેલ રૂપ પોતાનો વિચારતણખો પાત્રોની પશ્ચાદભૂમાં રહીને મૂકી જાય છે. લેખકને વિલોપન કલાની પણ સારી એવી ફાવટ હોવાથી લુસીના અને જોસેફિનની ભાવનાઓનું વિલોપન મર્મવેધી બન્યું છે. અહીં વેડફાતા જીવનની હૃદયવિદારક ઘટનાઓ છે, કાયદાઓની ચુંગલમાંથી છટકવા માગતા પાત્રોની મથામણ છે. ઊગતી પ્રજાના નિર્મળ આત્મા પર ધીમે ધીમે વધતાં જતાં પાપોનાં કલંક છે. અહીં કરુણ જીવનમાંથી નિરાંતનો દમ ખેંચવા તડપતાં પાત્રોનાં દિવાસ્વપ્નો અને દેશનાં નીતિ નિયમો અને ન્યાયના છડેચોક થઈ રહેલા લિલામનું વરવું ચિત્રણ ચાક્ષૂસ થાય છે. વેડફાતા જનજીવનની વેદનાયુક્ત આ કથા, વાંચતાં લાગે છે કે લેખકે દક્ષિણ આફ્રિકાના સમાજજીવનનું ગહન અધ્યયન કર્યા પછી આ નવલકથા લખવા કદાચ કલમ પકડી હશે. પોતાના આવાક્ષોસ વિશિષ્ટ અભ્યાસનો લેખકે સમુચિત ઉપયોગ કર્યો હોવાથી નવલકથાનું મૂલ્ય અનેકગણું વધે છે અને નવલકથાના શીર્ષકને સાર્થક બનાવે છે.

નવલકથાના સર્જક બળવંત નાયક અત્યંત સહજ રીતે પોતાની ત્રીજી નવલકથા ‘કંચનકાયા અને કામિની’ વિશે કહે છે, “આ કથાનો વિષય ‘In decent’ નામક એક અંગ્રેજી ફિલ્મ પર આધારિત છે. જીવનની અત્યંત મહત્ત્વની ભૂમિકા ધરાવતો સંબંધ સ્ત્રી-પુરુષનો સંબંધ છે. ભારતમાં તો ત્યાગ સાથે, સમર્પણ ને નિષ્ઠા પણ જોડાયેલાં છે. જ્યારે પશ્ચિમના દેશોમાં સ્ત્રી-પુરુષના સંબંધોમાં શરીર, ધનોર્પાજન, સમાજિક સ્ટેટસ અને ઓછાવતા અંશે સંતાનપ્રાપ્તિને સ્થાન અપાયું છે. લેખકે પશ્ચિમની સંસ્કૃતિનું વરવું ચિત્ર ભાવકની સન્મુખ મૂકીને, પશ્ચિમ સમાજની સ્વછંદતા અને મુક્તાચાર સામે લાલબત્તી ધરી છે. છેવટે લેખક પોતે પણ આ નવલકથાની કેફિયતમાં નોંધે છે તેમ લેખક તો ફક્ત એક કથાકાર બની પાત્રો અને આપણી વચ્ચે આવે છે. બાકી સાચાં કલાકાર તો આ પાત્રો છે.

કુદરતના ખોળે પ્રારંભાયેલા માનવજીવનના ઉદ્ભવને પુરાણકથા સાથે જોડતાં રોમાંચક કથાતત્ત્વની નિદર્શનકળા એટલે બળવંત નાયકે એમના જીવનકાળ દરમિયાન લખેલી ચોથી ને અંતિમ નવલકથા ‘− ને ધરતીને ખોળે નરક વેરાયું’. લંડનમાં ઠરીઠામ થયા બાદ અનુભવના આધારે લખાયેલી આ નવલકથામાં લેખકે યુગાન્ડાની સૌંદર્યમંદ્રિત પ્રકૃતિ, સૈકાઓથી મૂળ વતનીઓમાં રૂઢ થયેલી આસ્થાઓ, માન્યતાઓ અને રૂઢિઓની વિલક્ષણતાઓને શબ્દોની ફ્રેમમાં મઢી, મૂળ વતનીઓની માન્યતા મુજબ યુગાન્ડાની ધરા પર સૌ પ્રથમ અવતીર્ણ યુગ્લ કીન્ટુ અને નામ્બીના પ્રણયની રાગાનુરાગી કિંવદંતિને, આદમ અને ઈવના સંદર્ભમાં ઢાળી, મૂળ વતનીઓનાં દલેદલને ખોલી આપવાનો સભાન સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. પ્રકૃતિની શાશ્વતતાને અને જીવનની ક્ષણભંગુરતાની સમાંતરે લેખકે ભારતીય મૂલ્યોને, આફ્રિકાના સ્થળવિશેષ સંદર્ભે આલેખી, યુગાન્ડાની નિષ્કાસિત એશિયન વસાહતની વેદનાને મૌલિક રીતે વ્યક્ત કરી છે. 1972માં દેશના સરમુખત્યાર ઈદી અમીને એકવીસ દિવસની અવધિ પૂર્ણ થાય એ પહેલાં એશિયનોએ દેશ છોડી ચાલ્યા જાય એવો ફતવો બહાર પાડ્યો હતો. આવી કટોકટીભરી સ્થિતિમાં બળવતંત નાયક જેવા સંવેદનશીલ સર્જક અવાજ ઉઠાવ્યા વિના રહે ખરા? એ ફતવાના પ્રત્યુદ્દગારરૂપે સમસંવેદનશીલ સાહિત્યસર્જક બળવંત નાયકે ‘- ને ધરતી ને ખોળે નરક વેરાયું’ નવલકથા લખી હતી. એમાં નંદનવન શી યુગાન્ડાની ધરતીને, નરક જેવી વેદનશીલ પરિસ્થિતિમાં પલટાવી નાખનાર પરિબળરૂપ ઈદી અમીનની કૂટનીતિને દસ્તાવેજી આધારોને ખપમાં લઈ નિર્ભિક્તાથી પડકારી છે. ભારતીય મીથને આ કથાબીજ સાથે પરોક્ષપણે સંયોજી, પ્રાદેશિક માન્યતાઓ, હકીકતો અને તથ્યોને પણ ભારે ક્લાત્મક રીતે રજૂ કર્યાં. એમાંથી ઉપસતા વાસ્તવબોધને કારણે એ આફ્રિકન સભ્યતાની પ્રતિનિધિકથા બની અને સાથોસાથ પશ્ચિમજગતની પણ પરિચાયકકથા બની રહી.

આ નવલકથાનો ‘પેસેજ ફ્રોમ યુગાન્ડા’ ટાઈટલ હેઠળ લેખકે પોતે અંગ્રેજીમાં ભાવાનુવાદ પણ કર્યો છે, તે જ રીતે નોબેલ પારિતોષિક વિજેતા સર્જક અને અમેરિકાની સૌ પ્રથમ અશ્વેત મહિલા ટોની મોરિસને ગુલામોની યાતનાઓને વ્યંજિત કરતી ‘ડાર્લિંગ’ નામની નવલકથા લખી હતી. બળવંત નાયકે એ નવલકથાનું ‘લાડલી’ નામે નવલકથામાં ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે.

બળવંત નાયક આમ તો ગદ્યસર્જક તરીકે વધુ ખ્યાતિ પામ્યા છે. પણ તેઓ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓમાં કાવ્યસર્જન કરવાનું કૌશલ પણ ધરાવતા હતા. તેનું ઉદાહરણ છે એંશીના ગાળામાં બહાર પડેલા એમના બે કાવ્યસંગ્રહો: ‘પિટલ્સ ઑફ રૉઝીઝ’ (1982) અંગ્રેજીમાં અને ‘નિર્ઝરા’ (1984) ગુજરાતીમાં. ‘Petals of Roses’ની કાવ્યરચનાઓમાં ઈમિગ્રંટોના સવાલોનો અવાજ સંભળાય છે. આ બેઉ કાવ્યપુસ્તકો પ્રકાશિત થયાં, તે અગાઉ એમણે અંગ્રેજીમાં થોડાંક કાવ્યો રચ્યાં હતાં. મહારાણી ઈલિઝાબેથ બીજાના રજત મહોત્સવ નિમિત્તે બ્રિટનના સુપ્રસિદ્ધ ‘સન્ડે ટેલિગ્રાફ’ જેવા અખબારે એક કાવ્યસ્પર્ધાનું આયોજન કરેલું. એ કાવ્યસ્પર્ધામાં બળવંત નાયકે અંગ્રેજીમાં એક ઊર્મિકાવ્ય રચ્યું હતું ‘An ode to this seat of Her Majesty’ જેને પારિતોષિક મળ્યું હતું. એ પછી 1984માં બળવંત નાયકે ગુજરાતીમાં ‘નિર્ઝરા’ કાવ્યસંગ્રહ આપ્યો હતો જેમાં કવિએ વિદેશમાં વિસ્થાપિત માનવબળના હલાકને વેધક્તાથી ઘૂંટ્યો છે.

બળવંત નાયક આફ્રિકાની ખેપે નીકળ્યા ત્યારે સાહિત્ય અને પત્રકારત્વના અનુભવનું ભાથું સાથે બાંધ્યું હતું. 1949થી 1953 સુધી મુંબઈમાં દૈનિક ‘હિંદુસ્તાન’માં ઉપતંત્રીપદે રહીને એમણે પત્રકારત્વ આત્મસાત્ કર્યું હતું. પૂર્વ આફ્રિકા અને ઇંગ્લેંડમાં પણ દીર્ઘ-કાળ સુધી ગુજરાતી પત્રકારત્વના જાગ્રત છડીદાર રહી, પોતે કંડારેલી આગવી કેડી પર ચાલતા રહ્યા હતા. કંપાલાથી બહાર પડતા ‘જાગૃતિ’ વાર્તામાસિકના સંપાદક તરીકે સેવા આપી હતી. ‘આફ્રિકાની શ્રેષ્ઠ વાર્તાઓ’નું પણ સંપાદન કર્યું હતું. આ દેશમાં ‘ગુજરાત સમાચાર’ના કેટલાક દીપોત્સવી અંકોની વાર્તાઓ પણ સંપાદિત કરી છે. એક પ્રખર પત્રકારને શોભે એવી બૌદ્ધિક ક્ષમતાની સાથે, સ્થાયી મૂલ્યો ધરાવતી સમસ્યાઓને ચર્ચવાની કુશળતા પણ એમને હાથવગી હોવાથી .. ‘સરહદો ખૂલે છે ત્યારે’, ‘મનનું ભૂત’, ‘જય જય ગુજ્જુઓ … જય જય’, ‘કૉન્ફરન્સનાં કામણ, કરતૂતો અને કારસ્તાનો’ જેવા અખબારોને પાને પીરસેલા નિબંધોમાં એક પ્રબુદ્ધ પત્રકારના વિકાસને અનુભવી શકાય છે. પત્રકાર બળવંત નાયકના કેટલાક નિબંધોમાં દૃષ્ટિગત થતી સાહિત્યકલા અને સમાજ પ્રત્યેની ખેવના પણ સવિશેષ ધ્યાન ખેંચનારી બને છે. લેખકની બૌધિક તાર્કિક સર્જકતાનો સુંદર પરિચય કરાવતા આ નિબંધોને, દૃષ્ટાંતોથી કે ક્વોટેશનથી લેખક પુષ્ટ કરી પ્રયોજે છે ત્યારે આ નિબંધો સામાન્ય વાચકને પણ ઉપયોગી નીવડે તેવા સત્ત્વશીલ બને છે.

એમના પ્રતિનિધિરૂપ નિબંધોની યાદીમાં ‘ભેદની ભીત્યુંને આજ મારે ભાંગવી’ વગેરે નોંધપાત્ર છે. બોસ્નિયાનાં માનવમૂલ્યનો કેવી રીતે ધ્વંસ થઈ રહ્યો છે, તેની ભીષણતા વર્ણવવા નિબંધકાર બળવંત નાયક ‘વેઈટિંગ ફોર ગોદો’ કૃતિને રૂપક તરીકે પ્રયોજે છે. ‘હાઈડપાર્કનો સંત’ નિબંધમાં લંડન શહેરની સૌંદર્યશ્રીનો મહિમા કરે છે. તો ‘ગુજરાતી ભાષા ગૌરવ’ નિબંધમાં માતૃભાષાની અનિવાર્યતા ઉપર ભાર મૂકી તેનું વિશેષ મહત્ત્વ પણ સમજાવે છે. નિબંધકાર પાસે વૈશ્વિકતાને ઉદ્ઘાટિત કરતો તકનિક હોય તો જ નિબંધ માણવા યોગ્ય બની શકે. આવા તકનિક ને અનુભવનું બહોળું ભાથું ધરાવતા, બળવંત નાયક વૈશ્વિક યુગસંવેદનાથી અભિજ્ઞિત નિબંધકાર હતા. ‘વેઈટિંગ ફોર ગોદો’ અને ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’ જેવી નિબંધ રચનાઓ તેનાં ભારે બળવાન ઉદાહરણો છે.

બળવંત નાયકે આફ્રિકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ગીજુભાઈ બધેકાની માફક ત્યાંના કિશોરમાનસને ઘડનારા લોકસાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. અને આફ્રિકાની કેટલીક પ્રચલિત લોકકથાઓ એકઠી કરી ગુજરાતીમાં ઢાળી હતી અને તેની સ્ક્રિપ્ટ કાકાસાહેબ કાલેલકર જેવા સંસ્કૃતિપુરુષ જ્યારે આફ્રિકાના પ્રવાસે આવેલા ત્યારે બતાવેલી. ગુજરાતીમાં લખાયેલ એ હસ્તપ્રત જોઈને કાકાસાહેબે પ્રસન્નતા વ્યક્ત કરેલી. અને એ માટે પ્રસ્તાવના પણ લખી આપી હતી .. પછી આ કથાઓનું ‘આફ્રિકાની લોકક્થાઓ’ નામે સંપાદન પણ થયું હતું. આ સંપાદનમાં યુગાન્ડાની ગ્રામીણ સંસ્કૃતિ અર્થાત્ વતનીઓની પ્રકૃતિ, વન્ય પશુઓ સાથે વસવાટ, નિસર્ગ સાથેનું તાદત્મ્ય જેવી નાની મોટી અનેક વિગતોની જાણકારી આપી છે. થોડાં ઉદાહરણોમાં ‘નડુલી’ ‘યુગાંડાનો પહેલો પુત્ર’ જેવી વાર્તાઓને પ્રથમ ક્રમે મૂકી શકાય. વળી પ્રેમનાં જુદા જુદા સ્વરૂપ રજૂ કરતી ‘સાવકીમા’, અને ‘વેરનો બદલો’ જેવી કથાઓ તો આપણી કેટલીક લોકકથાઓને હૂબહૂ મળતી આવે એવી કક્ષાઓની કથાઓ બની છે. ‘આસમાનીનો બગીચો’, ‘ડોશીની દીકરી અને વાંદરો’, ‘એક વાંદરાને બે ભાઈ’ વગેરે. અન્ય રાષ્ટ્રની લોકક્થાઓને સૌપ્રથમ વાર ગુજરાતીમાં લિપિબદ્ધ કરવાનું પ્રારંભિક વિદ્યાકાર્ય કરવાનો યશ પણ બળવંત નાયકને જ આપવો ઘટે.

બળવંત નાયકે જીવનની ઘટમાળમાંથી મેળવેલી થોડી ક્ષણો વીસમી – એકવીસમી સદીના પ્રારંભના કેટલાક નોબેલ પારિતોષિક વિજેતાઓ અને તેમની પુરુષ્કૃત કૃતિઓનો સ્વાધ્યાય કરવા માટે ફાળવી લીધી હતી. આ સ્વાધ્યાયના નોબેલ પારિતોષિક વિજેતા-સર્જકોમાંથી પોતાના પ્રિય સર્જકોની કૃતિઓનાં અવલોકનો અત્રતત્ર છાપાઓમાં પ્રગટ થયેલાં. એ લેખોનું સંપાદન નવેમ્બર 2004ની સાલમાં ‘વિશ્વસાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા અને સર્જકો’ નામે બહાર પાડ્યું હતું.

પંચોતેર વર્ષનો માર્ગસૂચક સ્તંભ ઓળંગતી વેળાએ પ્રગટ થયેલો ગ્રંથ ‘શ્રી બળવંત નાયક અભિનંદન ગ્રંથ (પંચોતેરમે)’ આજે પણ એમણે ગુજરાતી સાહિત્યક્ષેત્રે ખેડેલા વિવિધ સાહિત્યસ્વરૂપોના અભ્યાસગ્રંથરૂપે અભ્યાસુઓના દિલમાં વિશિષ્ટ સ્થાન ભોગવી રહ્યો છે.

ભારત બહારના દેશમાં વસતા ગુજરાતી સર્જકના જીવનની સાથે જોડાયેલા પ્રાદેશિક બધા જ અનુભવોનું સ્વકીય નિરીક્ષણ-પરીક્ષણ, વણાઈને શબ્દરૂપ ધારણ કરી સર્જકની કલમમાંથી ઊતરે ત્યારે જ પ્રમાણમાં ઉત્તમ કહી શકાય એવું સાહિત્ય સાંપડતું હોય છે. બળવંત નાયકે બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા સારસ્વત સંદર્ભે સત્ત્વશીલ સાહિત્ય પ્રદાન કરી ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. બળવંત નાયકે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે અપ્રતિમ સેવા આપી છે. અને જીવનની આખરી ક્ષણો પર્યંત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના તેઓ હામી રહ્યા હતા. આ દેશની સાહિત્યિક સંસ્થાઓએ તેમ જ મુખ્ય ધારાની સાહિત્ય સંસ્થાઓએ એમને માન સન્માન અક્રામોથી વિભૂષિત કરી બહુમાન્યા છે. ગુજરાતી સાહિત્યના એક પ્રજ્ઞાવંત સારસ્વત તરીકે બળવંત નાયક એમના ચાહકો અને સાહિત્યપ્રેમીઓમાં સદાયે ઉદાહૃત થતા રહેશે એવી શ્રદ્ધા સાથે વિરમુ છું.

e.mail : vallabh324@aol.com

[‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, વેમ્બલીસ્થિત માંધાતા યૂથ એન્ડ કમ્યુનિટી એસોસિયેશન સભાખંડમાં, શનિવાર, 21 સપ્ટેમ્બર 2019ના દિવસે, ‘શતાબ્દી વર્ષ ઓચ્છવ’ નામે અવસરે રજૂ થયેલું વક્તવ્ય]

* * *

 

વીડિયો:

છબીઝલક: