કવિવર રાજેન્દ્ર શાહની જન્મશતાબ્દીની ઉજવણી

કાર્યક્ર્મનો અહેવાલ

“કવિવર રાજેન્દ્ર શાહ જન્મશતાબ્દીનો શાંત કોલાહલ” શીર્ષક તળે યોજાયેલી કાવ્યચર્યા (6 એપ્રિલ 2013)ની માસિકી બેઠકમાં નજીક તેમજ દૂર-સુદૂરથી આવેલા કાવ્યરસિકોએ ઠીક બપોરે 2.00 વાગે ચા-કોફીની ચૂસકીઓ લેતાં સ્થાન ગ્રહણ કરી લીધું હતું. બેઠકના સંયોજક પંચમભાઈ શુક્લએ સહુનું સ્વાગત કરી, કાર્યક્રમની રૂપરેખા તાજી કરાવી હતી. (PDF)

કવિવરના ગીત ‘ના બોલાય રે ના બોલાય’ ગીતની સંગીતમય પ્રસ્તુતીથી હિમાબહેન અને સુનીલભાઈ જાધવની બેલડીએ એક સૂરીલું વાતાવરણ તૈયાર કરી આપ્યું હતું. હિમાબહેનના મધુર કંઠ અને સુનીલભાઈનની સોજ્જી કી-બોર્ડ સંગતને સહુએ વધાવી હતી. બેલડીએ કાવ્યસંગીતને અનુકૂળ એવા કાવ્યની પસંદગીમાં સહકાર માટે ભદ્રાબહેન વડગામાનો અને ઑનલાઈન સ્વર/સ્વરાંકનનું પ્રાથમિક માળખું હાથવગું કરી આપવા માટે રણકાર (www.rankaar.com)ના નીરજભાઈ શાહનો આભાર માન્યો હતો.

વિપુલભાઈ કલ્યાણીએ કવિશ્રી રાજેન્દ્ર શાહનો પરિચય આપતાં કવિજીવનના મુખ્ય વળાંકો, કવિ અને કવિલોક ટ્રસ્ટ સાથે એમના સંસ્મરણો અને કવિની લાક્ષણિક કાવ્યમુદ્રા જેવી બાબતો પર પ્રકાશ પાથર્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) દ્વારા કવિ રાજેન્દ્ર શાહ ઉપર તૈયાર કરવામાં આવેલા વીડિયોને યુટ્યુબ પર જોવા સહુને ભલામણ કરી હતી. આ ઉપરાંત, કવિ જ્યારે જ્ઞાનપીઠ સન્માનથી વિભૂષિત થયા એ વેળાએ કવિના પ્રશ્નોત્તરી-નિવેદનમાં રહેલા સામાજિક નિસ્બતના પ્રચ્છન્ન મુદ્દાને પણ એક કર્મશીલની ભૂમિકાએથી વિપુલભાઈએ શ્રોતાઓના નિજી ચર્વણ માટે રમતો મૂક્યો હતો. આ કાર્યક્રમ નિમિત્તે મળેલા ઈમેલ અને ફેસબુક પરના સંદેશાઓને સંભારી, અમેરિકા નિવાસી કવિશ્રી ભરતભાઈ ત્રિવેદીના સંદેશામાંના ‘શક્તિપાત’ શબ્દને રાજેન્દ્ર શાહના કાવ્ય અને સાહિત્ય સંદર્ભે ઉઘાડી આપ્યો હતો.

આ બાદ, નીરજભાઈ શાહે કવિમુખે પ્રસ્તુત કાવ્યારંભ અને કાવ્યસર્જન પ્રક્રિયા વિશેના દુર્લભ એવા ઑડિયો નિવેદનથી બેઠકના મધ્યદોરની શરૂઆત કરી હતી. એમણે કેટલીક જાણીતી અને અલ્પ જાણીતી કૃતિઓ, જેમ કે – ‘પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો…’, ‘સઘળું જાય ભુલાઈ…’, ‘કાયાને કોટડે બંધાણો…’, ‘ખખડ થતી ને ખોડંગાતી…’, ‘કેવડિયાનો કાંટો…’, ‘નીંદરુ આવશે મોડી…’, અને ‘ફગાવીને બોજ…’ વગેરેના પાઠ કરી અગત્યના અંશોનો યથોચિત વિસ્તાર કર્યો હતો. કવિમુખે- ‘ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર…’, ‘આપણા ઘડવૈયા બાંધવ આપણે…’ અને ‘બોલીએ નાં કંઈ આપણું હૃદય ખોલીએ ના કંઈ…’ કૃતિઓના ઑડિયો પાઠ પણ પ્રસ્તુત કર્યા હતા. સૌંદર્યાભિમુખ, પ્રકૃતિપ્રેમી, આધ્યાત્મદર્શી અને કાવ્યકસબી રાજેન્દ્ર શાહને એમણે આ રીતે હાજરા હજૂર કર્યા હતા. ટૅબ્લેટને હથેળીમાં રાખી રમાડતા/વાંચતા કાવ્યરસિક અને ટૅકનોસેવી નીરજભાઈની કાળજીપૂર્વકની તૈયારી તેમજ કેટલાક બારીક અર્થઘટનો કાબિલેદાદ રહ્યા હતા.

નીરજભાઈના વક્તવ્ય પર આધારિત લેખ “ઓપિનિયન મેગેઝિન” વેબસાઈટ પર વાંચી શકાશે: અહીં ક્લિક કરો.

નીરજભાઈએ ગૂંથેલા તંતુને આગળ વધારતા ધ્વનિબહેન જોશી-ભટ્ટે સૌંદર્ય અને પ્રકૃતિ પ્રેમી રાજેન્દ્ર શાહની જાણીતી અને સ્વરબદ્ધ થયેલી રચનાઓ જેમ કે- ‘પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં…’, ‘કોઈ લિયો આંખનું અંજન…’ , ‘સંગમાં રાજી રાજી…’ , ‘પ્રવાસી…’ , અને ‘નિરુદ્દેશે’ ‘ જેવી રચનાઓના સ્વસ્થ પાઠ દ્વારા કવિની લલિત, માનવીય સંવેદન અભિમુખ અને કપરા સંજોગોમાં પણ હકારાત્મક રહી શકતી કાવ્યમુદ્રાને ઊપસાવી હતી.

ધ્વનિબહેનના વક્તવ્ય પર આધારિત લેખ “ઓપિનિયન મેગેઝિન” વેબસાઈટ પર વાંચી શકાશે: અહીં ક્લિક કરો.

મધ્યદોરના અંતે પંચમભાઈ શુક્લએ રાજેન્દ્ર શાહની ઓછી જાણીતી કૃતિઓ, જેમ કે – અવલોકન, સંવાદ અને ચિંતનના સંમિશ્રણની ઝાંય ઝીલતી ‘બહુ બોલ બોલ કરો તમે’ જેવી દીર્ઘ રચના, કવિની ઓછું તપાસાયેલી/સમજાયેલી ગઝલોમાંથી ‘શોધ’ જેવી નારિકેલપાક ગઝલ અને ‘પરબે’ જેવી લાક્ષણિક ગીત રચનાઓના પાઠ અને પૂરક વિશ્લેષણ દ્વારા એક વૈવિધ્યસભર કાવ્યપ્રતિભાના સહજ છતાં ગૂઢ પાસાંઓને સમજવા/સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

· બહુ બોલ બોલ કરો તમે

માઘ મનોહર દિન,
ધવલ ધુમ્મસ થકી ધીરે ધીરે ઊઘડંત દ્વિતીય પ્રહર;
સદ્યસ્નાત વનસ્થલિના પ્રસન્ન અંગ પર
રવિકિરણની ઉષ્મા અડે સુકોમલ,
માધવીમુખનું સરી જાય તહીં તુષારઅંચલ;
નીખરંત સુષમા
સ્મિતોજ્જ્વલ દગે જાણે દેતી નિમંત્રણ.
જનપદ મેલી નદી તીરે તીરે
એકાન્ત નિર્જને
તેજ છાયા પથે કરું એકલ વિહાર.
તૃણ તૃણ પર ઓસબિંદુ મહીં રંગધનુલીલા;
આવળની ડાળે ડાળે રમે સોનપરી,
આકાશમાં ઊડે કીર, ઊડે જાણે હરિત કિલ્લોલ;
આછેરા તરંગ તણી આડશે ડોકાઈ જગ જુએ જલમીન.
અમરાઈ થકી આવે મંજરીની ગંધ,
એ તો કોકિલકંઠનો ટહુકાર,
કુંજની કેડીએ આપમેળે વળે સરળ ચરણ.
કંઈક ચંચલ ચાંદરણાં મહીં લહું એક તરુણ કિશોર
બાવળદંડનું છાલ-આવરણ કરી રહે દૂર,
કને કોઈ આવે એને જોયું વણજોયું કરી
અવિચલ મચી રહે નિજને જ કામ.
મૌન ધરી લઘુ લઘુ બની રહે છાંય.
કિશોરને પૂછું: ‘નહીં તારે કોઈ ભેરુ?
અહીં વન મહીં ખેલવાને કાજ?’
મીટ માંડી લઈ સહેજ
અંગુલિને મુખ મહીં ધરી
સીટી એકાએક એણે બજવી પ્રલંબ.
ચારેગમ લહું કોણ ઝીલી દે જવાબ,
નદીના નીચાણમાંથી ત્યહીં દોડી આવે એક શ્વાન,
કને જઈ કિશોરની સોડમાં લપાય,
પીઠ પર હળુ હળુ ફરે એનો કર.

 

 

અબોલ એ જાણે કહી રહ્યો મને,
‘આ જ ભેરુ મારે વનવગડે નીડર.’
‘નહીં ભાઈ-બેન તારે?’
‘બા ને બાપુ બેઉ ખેતરે જનાર.’
‘ગોઠિયું ન કોઈ?’
‘ઘરે ગાયનું વછેરું વ્હાલમૂઉં મને પજવે અપાર.’
સોડમાંથી સરી એનું સાથીદાર પ્રાણી
આવી મારી કને
પગની ગંધથી કરે મારો પરિચય.
‘ઘડી ઘડી વાતું કરે એવું કોઈ નહીં,
તને એકલું ન લાગતું લગાર?’
આછા અણગમા તણી મુખ પર આવી જતી એક લહેર,
કહે,
‘બહુ બોલ બોલ કરો તમે.’
ઉભયનું મૌન.
તરુપુંજમાંથી ભૂમિ પર ઊડી આવ્યાં ત્યહીં કપોત બે ત્રણ,
ધૂળમાંથી વીણી ચણે કણ.
સહસા કિશોરે નિજ ગજવેથી મૂઠીભરી વેરી દીધ ચણા.
વિશ્રબ્ધ ઉમંગ તણા
ઘુઉ-ઘુઉ-ઘુઉ-સૂર ઝરંત વિહંગ.
એકાકી ન કોઈ ક્યાંય,
સકલને મળી રહે સકલનો સંગ.
ચરણ ધરે છે મધ્યદિન આવરણહીન,
વળું ઘરભણી ત્યહીં
મળે એકમેકની નજર,
સરલ સ્મિતનાં બેઉને વદન રમી રહે સ્મિત ઝળહળ

(સંકલિત કવિતા: પૃષ્ઠ 944-946)

· શોધ

હું જેની કરું શોધ આ લોકમેળે,
ન ક્યાંયે હજી એની ઝાંખી જણાતી.
જરા કૈંક આભાસ હો બોલચાલે,
નજર આ નિકટ દૂર રહેતી તણાતી.
અહીં હોય ના એવું યે શક્ય છે ના,
ઉરે તોય શંકા-કુશંકા વણાતી.
સમી સાંજની આ પ્રલંબાય છાયા,
લહું મેદનીને બધેથી છણાતી.
પગે ભાર, બેસું જઈ એક ધારે,
કરે અંધકારે ગ્રહી એ અણાતી.

(સંકલિત કવિતા: પૃષ્ઠ 907)

· પરબે

લીમડાની છાંય મહીં માટલું મેલીને
બેસું વગડે બપ્પોરના ઉનાળું,
આવતાં-જતાંને જરા ટાઢક નીરીને
સૂના મારગને તીર દંન ગાળું.
કૂવેથી કોશનો ન લ્હેકો,
ન ઊડતો યે પંખીનો સૂર, નહીં પાવો,
કોઈ રે ખૂણેથી હોલું બોલે કયારેક
સૂના રાન મહીં એજ એક લ્હાવો;
ખુલ્લી તે સીમની લૂ આંહીં ભીની થાય
ને હું સોણલે ઘડીક આંખ ઢાળું.
ઝાંઝરીની છૉળ જાણે હોય ના બોલાવતી,
અરધી તે ઊંઘમાંથી એમ કૈં ડોલાવતી.
કોરે મૂકેલ કાળી ઠીબમાંથી કૂતરું કો
લબકારે લેતું જાય પાણી.
વાંકી તે પૂંછડીને આછી હલાવતું
પોતે પરાયું નહીં જાણી;
આ રે ઘડૂલિયે આવે પાતાળ,
હું તે કોઈનેય કેમ કરી ટાળું?

(સંકલિત કવિતા, પૃષ્ઠ 562)

પંચમભાઈ શુક્લની રજૂઆતનો ઑડિયો: 

બેઠકના આખરી દોરમાં, ભદ્રાબહેન વડગામાએ કવિની ‘ઉપેક્ષિતાનું ગાન’ અને ‘વાણી’ એમ બે કૃતિઓ અને એ બે કૃતિઓના એમણે કરેલા અંગ્રેજી અનુવાદો ‘A Song of Rejection’ અને ‘Speech’ના પાઠ, જરૂરી સમજૂતી સાથે, રજૂ કર્યા હતા.

· ઉપેક્ષિતાનું ગાન
કોઈ ન મારાં વૅણને લગીર માને.
અજુગતું જે લાગતું એને
કોણ તે ધરે કાને?
સઘળું યે ના જગનું શકાય દેખી,
ઉકેલવી શે વારતા જે આલેખી,
ધૂળના કણેકણમાં ને
આ ઝાડના પાનેપાને?
સવારના જે રંગ રેલાયા આભે,
સાંજને ગગન સાવ નિરાળા લાગે.
ભરાય ને ઠલવાય કૂવાના પાણી,
એટલું તો મેં જોઈને લીધું જાણી,
એકલ મારે આંગણ
વેળા ગાળવી સરલ ગાને.

(સંકલિત કવિતા: પૃષ્ઠ 949)

· વાણી
આજ શી વાણી ફોરતી
જાણે ફૂલની પ્રથમ ગંઘ,
મોકળા આ અવકાશમાં મ્હાલે
દલના છોડી બંધ!
ઊઘડતે પહોર ઝીલતી ગગન
નીખરતી અરુણાઈ,
પાંદડા કેરી પાંખ ફરૂકે,
ગાઈ રહે વનરાઈ;
પાગલ હવા ભમતી
ઘડી ભાનમાં, ઘડી અંધ!
આજ તો મારું સોણલું બને સાચું,
ગમતું સકલ આજ મને વીંટળાઈ વળે રે
સહુની સાથે નાચું.

(સંકલિત કવિતા: પૃષ્ઠ 579)

· A Song of Rejection
No one takes any notice of what I say.
Who would listen
To something they dislike?
The universe is not totally visible,
How can any one fathom the story
That has been depicted on
Every particle of dust, every leaf of a tree?
Colours of the sky at dawn
Are strange to the evening sky.
Water in the well rises and falls,
Life has taught me
It is easy to spend time alone
Singing within my own doors.

 

· Speech
Today my speech is aromatic
Like the first fragrance of a flower,
It is rejoicing the freedom of this space
Having broken all emotional restrictions!
The sky welcomes
Pink colours of the dawn,
Leaves on the tree start fluttering,
There is music in the forest;
The air is whizzing madly
Half intoxicated, half sober!
My dream has come true today
I am embraced by everything I love
And I dance with all.

ભદ્રાબહેન વડગામાની રજૂઆતનો ઑડિયો: 

સમાપનમાં સંયોજક પંચમભાઈએ બેઠકની તૈયારી માટે રાજેન્દ્ર શાહની સંકલિત કવિતાઓનો સંગ્રહ હાથવગો કરી આપવા માટે વિપુલભાઈ કલ્યાણીનો આભાર માન્યો હતો. એમણે એમ પણ જણાવ્યું હતું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની અડોઅડ એ પ્રકારના કોઈ ગુજરાતી કવિને મૂકવા હોય તો, બે-અઢી હજાર જેટલી વિપુલ અને ગુણવત્તાભર કૃતિઓ આપનાર, કવિશ્રી રાજેન્દ્ર શાહનું નામ આપોઆપ જ મનમાં આવી ચઢે.

અકાદમી વતી પંચમભાઈ શુક્લ અને ભદ્રાબહેન વડગામાએ બેઠકને સફળ બનાવવા માટે સહુ વક્તાઓ અને શ્રોતાઓનો આભાર માન્યો હતો. તદુપરાંત, બન્નેએ અકાદમીના મુખપત્રની ગરજ સારતાં, વિપુલભાઈ કલ્યાણીના તંત્રીપદે નીકળતાં, ‘ઓપિનિયન’ સામયિકના PDF અંક સ્વરૂપના સંકેલા અને એના વેબસાઈટ (www.opinionmagazine.co.uk) રૂપે નવા અવતરણની નોંધ લઈ ‘ઓપિનિયન’ અને વિપુલભાઈને અકાદમી વતી શુભેચ્છાઓ પાઠવી હતી. આ નવી કેડીએ પણ ‘ઓપિનિયન’ પોતાની મુદ્રા બરકરાર રાખી અકાદમીની પ્રવૃતિઓને વૈશ્વિક ગુજરાતી સમુદાય સુધી પહોંચાડતું રહે, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યને મુખ્યપ્રવાહ સાથે જોડતું રહે અને નવોદિતોના નવોન્મેષનું વાહક બનતું રહે એવો બન્નેએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આખરે શ્રોતાઓના પ્રતિભાવો પર વિવિધ સ્તરે મુક્ત ચર્ચા કરવામાં આવી હતી. જાહેરાતોમાં, અકાદમીની પોતીકી વેબસાઈટ(www.glauk.org) વિશે શ્રોતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આગામી કાર્યક્રમોની જાણ કરતાં, 20 એપ્રિલ 2013ના સબાસ્ટિયન કોક્સના ‘અ વીક ઈન ડિસેમ્બર’ પુસ્તકનો ગુજરાતીમાં આસ્વાદ અને એ વિશેની ચર્ચામાં ભાગ લેવાનો – તેમજ 5 મે 2013ના આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસની ઊજવણી નિમિત્તે અમેરિકાથી પધારનારા સાહિત્યકારો પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીને સાંભળવા હાજર રહેવાનો – સહુને અનુરોધ કરી, બેઠકને અધિકૃત રીતે આટોપી લેવાઈ હતી. શ્રોતામિત્રો ઘડી-બે-ધડી એકબીજાની ખબરઅંતર પૂછી, ગોઠડી કરી પોતપોતાના ઘરભણી રવાના થયા હતા.